43 - ફૂલોને પજવતા પ્રશ્નો / રમેશ આચાર્ય


જૂઈનાં ફૂલ હજી ઊંઘે.
રાત્રે પડ્યો ધોધમાર વરસાદ
તેથી નાની નાની કળીઓ ખૂબ પલળી,
થરથર ધ્રૂજી,
તેથી નથી ખીલી.
ફૂલોને પણ પજવતા હોય પ્રશ્નો.
મારા ફળીના જાસૂદને
ખિસકોલી પજવે.
જ્યાં તેનાં ફૂલ ખીલવા જાય
ત્યાં ખિસકોલી કોતરી ખાય.
તેથી ખીલે ખરા
પણ અપંગ.
બાજુના ઘરની ચમેલીને
વળી જુદો જ પ્રશ્ન.
વંડી બહાર લટકતી તેની ડાળીઓને
કપાયેલી પૂંછડીવાળી રાતી ગાય
માથું હલાવી ઝંઝેડે.
બધી કળીઓ ખીલતા પહેલાં જ
ખરી પડે
સવારે ફૂલ ઓછા ઉતરે
ને મને પ્રશ્ન થાય.
સોસાયટીની તગર, કરેણ
બધાની પણ આ જ સ્થિતિ.
ફૂલો મૂંગા રહે
ખીલવા આડે
તેમને પજવતા પ્રશ્નોની
કંઈ ન ફરિયાદ કરે.


0 comments


Leave comment