22 - પ્રકરણ – ૨૨ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


લે-આઉટ્સ અને ભાષાંતર માટે નવી જાહેરાતોના કાગળો નીલકંઠના ટેબલ પર મુકાઈ ગયા હતા.... ટૂથપેસ્ટની કોઈક કંપનીએ મોટી ઇનામી હરીફાઈ યોજી હતી. પહેલી દષ્ટિએ સાવ સહેલું કામ હતું : દસેક ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓના સ્મિત કરતા, કપાયેલા ચહેરાઓની તસવીરો પરથી એ ચહેરા કયા નટ કે નટીના હતા એ શોધી કાઢવાનું હતું. વધારામાં ટૂથપેસ્ટની પ્રશંસા કરતું એક વાકય-ને તે પણ દસ શબ્દોથી લાંબું નહિ – લખવાનું હતું. પહેલું ઇનામ પચાસ હજાર રૂપિયા અથવા એમ્બેસેડર ગાડી, બીજું ઇનામ.... ત્રીજું ઇનામ.... આશ્વાસન ઇનામ.... નીલકંઠ જાહેરાતના એ અંગ્રેજી ખરડા તરફ જોઈ રહ્યો. અભિનેતા-અભિનેત્રીઓના એકસરખા લાગતા, સ્મિતભર્યા, અડધા કપાયેલા ચહેરાઓ જોતાં પોતે ગૂંચવાઈ જતો હોય એમ તેને લાગ્યું. દરેક તસવીરમાં દાંતની સ્વચ્છ બત્રીસી, જાડા કે લિપસ્ટિકરંગ્યા પાતળા હોઠ, દાઢીની ઝાંય ધરાવતી કે ઝીણા ખાડાવાળી હડપચી, જુદા જુદા ઘાટના નાકનો થોડોક હિસ્સો અને છતાં સમગ્રપણે એકવિધતા.....કયાંય કશી નૈસર્ગિક પ્રફુલ્લતા કેમ દેખાતી ન હતી ? આ બધાંયે સ્મિત જુગુપ્સાપ્રેરક શા માટે લાગતાં હતાં? જાણે કોઈકે પોઇન્ટબ્લેન્ક પર “સ્માઇલ ! શો યોર ટીથ !” નો હુકમ કર્યો હોય અને ક્ષણાર્ધમાં જીવ બચાવવા માટે, બધાંએ ફટાફટ પોતાનાં જડબાં ખોલી નાખ્યાં હોય એવો નિર્મમ ખ્યાલ કેમ ડોકાઈ જતો હતો? નીલકંઠે એક નજર ઓફિસમાં ઘુમાવી: જનરલ મેનેજર શ્રીકાંત કુલકર્ણીની કેબિનમાંથી અટ્ટહાસ્ય વહી આવ્યું, એની સાથે જ ભળી ગઈ રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિન્ટોના તીખા હાસ્યની અણી... દલાલસાહેબ કોઈક કેન્વાસર સાથે એમનું ચોકઠું દેખાય એમ હસી હસીને વાત કરતા હતા અને કેન્વાસર પ્રયત્નપૂર્વક મોઢું હસતું રાખતો હતો. ક્લાર્ક નવીન સરૈયા રોમા સંઘવીના ટેબલ પર ઝૂકી સ્મિત વેરી મંદ સ્વરે કશુંક બોલતો હતો, પણ એની આંખો રોમાના ખુલ્લા ખભા પર ચોંટેલી હતી; એની વાત સાંભળતી રોમાના હોઠ પણ હાસ્યના ઉદ્રેકથી ઊઘડી ગયા હતા અને એ નવીનની આંખોનું કેન્દ્રસ્થાન પામી પ્રસન્ન થતી જણાતી હતી. ઓફિસબોય જોસેફ એક ખૂણામાં સ્ટૂલ પર બેસી આંખો મીચી બીડીના ધુમાડા કાઢતો આછું મલકતો હતો–કશાક સ્વપ્નાભાસને કારણે ? - નીલકંઠને થયું : તે બુલંદ સ્વરે ગર્જી ઊઠે : ‘શટ અપ યોર ડર્ટી માઉન્સ, યુ નોસ્ટી ક્રીચર્સ !’ પછી ગળે થૂંક ઉતારી તેણે સ્વસ્થતા મેળવવાનો પ્રયત્ન કર્યો અને જાહેરાતના કાગળોમાં મન પરોવ્યું. હોઠ પર દાંત ભીંસીને તેણે ઝડપથી અનુવાદ કરી નાખ્યો અને પછી સ્મિત વીંઝતા નટનટીઓના કપાયેલા ચહેરાઓની સૃષ્ટિને એક મોટા પેપરવેઇટ નીચે દબાવી બેલ વગાડ્યો. જોસેફ ઝબકી જાગ્યો, બીડી બાજુએ મૂકીને દોડતો આવ્યો એટલે ‘યે કાગજ કુલકર્ણી સા'બકો’ દે દો’ એમ તેને કહ્યું. જોસેફ કાગળો લઈને ચાલ્યો ગયો અને નીલકંઠે જોરથી ઉચ્છવાસ બહાર કાઢ્યો. ટેબલ પર હવે પેલા કાગળો ન હતા, છતાં એનું અસ્તિત્વ હજી તેને વર્તાતું હતું. કપાયેલા ચહેરાનો પરિચય અને અડધા લાખનું પહેલું ઇનામ !....અસ્વસ્થતા વધી જતાં નીલકંઠે પોતાનું માથું બંને હાથોમાં છુપાવી દીધું. બંધ આંખો સમક્ષના અંધકારમાં આ કોનું સ્મિત કપાયેલા ચહેરામાંથી ચમકી જતું હતું ? ખૂબ પરિચિત હતું એ સ્મિત, નહિ ? કે સાવ અપરિચિત ? નૈસર્ગિક હતું કે કૃત્રિમ ?.....
(ક્રમશ:....)


0 comments


Leave comment