96 - જયારે જયારે વાત તારી થાય છે / દિનેશ કાનાણી


જયારે જયારે વાત તારી થાય છે
આંખ ભીની એકધારી થાય છે

તું ઉદાસી મોકલે છે પત્રમાં
ને અહીંયાં હાડમારી થાય છે

તું નથી તો પાયમાલી હોય છે
હાથ ખાલી ને ઉધારી થાય છે

પર્વતોની આડમાં બેઠાં પછી
ધુમ્મસો વચ્ચેય બારી થાય છે

વૃક્ષની હત્યા થઈ છે એ તરફ
એક રસ્તો રાહદારી થાય છે

એમ દોડે છે પવન વરસાદમાં
જળ મહીં જળની પથારી થાય છે

એક દરિયો પી જવાની હોડમાં
આ નદીઓ રોજ ખારી થાય છે

ને પતંગિયાઓ મળે જ્યાં સ્મિતના
એક બે પીડા ફરારી થાય છે

યાદ લઈને જાઉં છું એકાંતમાં
તોય નિંદા રોજ મારી થાય છે


0 comments


Leave comment