1 - આકાશનો આભાર માનતો કવિ... / એક કપ કોફી અને... / પ્રસ્તાવના / અંકિત ત્રિવેદી
કવિતા એટલે કાનની વાણી... એમાંયે આ તો દિનેશ કાનાણી... અટકથી જ કવિતાનાં સરનામે આપણને દોરી જાય એવું પોતાનો રસ્તો શોધી કાઢનારું વ્યક્તિત્વ... ઓછું પણ સાચું અને ધારદાર બોલે... શબ્દને disturb કર્યા વગર અર્થને આત્મીયતાથી પ્રગટ કરે. એમની શારીરિક ઊંચાઈ જેટલી જ ગઝલમાં ઊંડાઈ... એમનામાં એક સક્રિય અજંપો છે. આ અજંપો એમને ગઝલ સુધી લઈ જાય છે. ગુજરાતી ગઝલમાં નવા અવાજો સોળે કળાએ પ્રગટ્યા છે. બહુ ઓછા અવાજો શાંત, મક્કમ અને પોતાની જાહેરાત કર્યા વગર તરણાંની જેમ કોળ્યા છે. કારણ કે ઉમાશંકરે કહ્યું છે, ‘છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય છે. અવાજમાંથી એકાંત જ આત્મસાત્ કરવાનું હોય છે.’ દિનેશ કાનાણી સાતત્યને સાર્થક કરીને ‘તારા ગયા પછી...’ બીજો ગઝલસંગ્રહ ‘એક કપ કૉફી અને...’ આપે છે. અહીંયા એક સ્થગિત થઈ ગયેલો સમય ઘડિયાળનાં લોલકની જેમ હલે છે, હલબલે છે... વિષયાનાવીન્ય, કાફિયાનાવીન્ય, વિચારોની બારીકાઇથી આ ગઝલસંગ્રહ જુદો પડે છે. કાગળની ધીખતી ધરતી ઉપર વ્હાલનો વરસાદ વાવીને, આકાશનો આભાર માનતો આ કવિ છે. શબ્દ અંતે તો આકાશનો જ વંશ જ છે... એપોઇન્ટમેન્ટ આપ્યા વગર જાતને મળવાનો, સાથે કૉફી પીવાનો સમય બે પૂંઠાની વચ્ચે સંબંધાઈ રહ્યો છે. વિરહની શાશ્વત ઋતુ જેને સદી જાય એને મિલનનો અવસર શોધતાં વાર નથી લગતી... ચેતનાનાં અણસારાને શિર્ષક વગર શિર્ષસ્થ કરનારા મોખરાંનાં કવિઓમાં દિનેશ કાનાણી નોંધ પાત્ર છે. જે લખેલું ઉપસાવી શકે, લખેલું ભૂંસી શકે અને ભૂંસેલું વાંચી શકે એને પુરાવાઓ, સાબિતીઓ કે ખુલાસાઓની જરૂર નથી. એમનાં જ મુક્તકથી ‘એક કપ કૉફી અને...’ દિનેશ કાનાણીને આપ સહુની સાંખે આવકારું છું અને મિત્રકવિને ગુજરાતી કવિતાની બા’રસાખે ઊભો રહીને ફરીથી પ્રેમથી પોંખું છું...
“સભ્યતાથી વાત કરતા આવડે તો આવજે
ને ઉદાસી જો અમારી પરવડે તો આવજે
તું કહે તો હું લખેલું ભૂંસવા તૈયાર છું
પણ ભૂંસેલું વાંચતા જો આવડે તો આવજે.”
-અંકિત ત્રિવેદી
0 comments
Leave comment