6 - જીવડું / રાજેશ વણકર


  આવું ક્યારેક થાય. તમનેય થયું હશે. જાગ્યો ત્યારે પાંપણો ખૂલી નહીં. કોઈ પાસે હોય ને કહું કે આવું થયું તો ગરમ પાણીના પોતા મૂકતાં બોલે. લો બળિયા બાપના વાવડ ચાલું. બે હાથ પરસ્પર મસળ્યા આંખોને એની ગરમી આપી જરા આંખો ચોળીને ધીમેથી ખોલી તો ખૂલવા માંડી. પણ આ શું? આવું તો ભાગ્યે જ બને, કદાચ નથી જ બન્યું. એક દા’ડે મેમાન આવ્યા. તાણે બન્યું'તું. એમને આથમણા માથે ફાવે ને આપણે ઉગમણા માથે. પણ આવું બપોર પછી આરામ કરતાં હોઈએ ત્યારે બને. ખાઈ-પરવારીએ પાછા આથમણા માથે ઉંધીએ. એનું ખાસ કંઈ કારણ નહીં સંધ્યા ને ઉષા મારા ગોઠણ. ખાસમખાસ ઉઠતાંવેંત એમને મળીએ તો જીવને જરા સારું લાગે. આજે આંખ ખુલી ત્યાર ઊંધું થઈ ગયું. જવાદો એક દિવસમાં શું.... પણ આ હું પડી કેમ રહ્યો છું ? મારું હાળું આજે હામટું પરિવર્તન થયું કે શું ? સાવ નોખું.... નોખું ? બે માણસ વચ્ચે આવા શબ્દો વાપરીએ તો કેવું લાગે ? પણ કોને કહો છો ? ને હું એકલો એકલો હસી પડ્યો.

  પણ આ શું ?
  હસવા જતાં દૂંટી પાસે જરા નવું નવું લાગ્યું. કંઈક ખેંચાયું. ઓપરેશનનો સાંધો અનુભવાય એવું કાંઈક અનુભવ્યું. માથું ઊંચું કરીને જોવા પ્રયત્ન કર્યો પણ ઊંચું ન થયું. અંદરથી કોઈનું સામું બળ આવ્યું ને હું દબાયો. હાથ હલાવવાની ઈચ્છાનો એકસીડન્ટ થઈ ગયો. આવી કેટલીક ઈચ્છાઓ અકસ્માતે મરવા માંડી. કેટલીક ફક્ત સક્રિય કે નિષ્ક્રિય એવી ઈચ્છાઓ જ થઈ આ ઈચ્છાને હાથપગ વાળી થઇ. પણ હાથપગ ને જ ઈચ્છા ખરી ? બધા પ્રશ્નો ટોળે વળ્યા દૂંટી પાસે.... જોવા, શું છે અહીં. આમ તો દૂંટીને અડીને કંઈક હતું સાવ નાનકડું. વળી નવઈની વાત ! ના તો એ જીવંત લાગતું હતું પણ બહુ સ્વાભાવિક રીતે એ સળવળી રહ્યું હતું. વિચાર્યું આમ શેઢા ઉપર સૂઈ જવું એ ખતરા વાળું તો ખરું હોં ! એરૂઝાંજરનો ભય, આજે જીવડું ને કાલે ઉઠીને.... એનું સળવળવું ખાસ કોઈ પ્રયોજનવાળું લાગ્યું. એ આંધળું હોય કે અંદર ગયા પછી યુગોથી ભરાયેલા ઘેરા અંધકારને એ ભેદી શકતું ન હોય. એ કોઈ રાહની શોધમાં છે. એ વાત નક્કી એના સળવળવા પરથી અનુમાન એવું થયું કે એ અળસિયા જેવું ન હતું નહીંતર અંધકાર સમેત મધ્યમાંથી જ શરીરને પોતાનામાંથી પસાર કરી દેતું. એ મકોડા જેવું નહોતું જેથી નાની નાની કાંકરીઓ ખસેડતું પોતાનો માર્ગ બનાવી લે, એ વિસ્તરી શક્યું નહોતું. એનો સળવળાટ અનુભૂતિ રૂપે વિસ્તરી રહ્યો હતો ને ચેતાતંત્રને પોતાના તરફ કેન્દ્રસ્થ કરતો જતો હતો એમાં મજા આવી. આ શું થયું એવો પ્રશ્ન પણ વચ્ચે પસાર થયો.

   કારણ; હું તો ચાર વાગ્યા પછી ખેતરમાં પાણી મૂકાઈ જતાં મશીન બંધ કરીને શેઢે સૂઈ ગયેલો. જાગેલો ત્યારે આ હાલ ! માથું ઉગમણી દિશામાં ઝુકાવ્યું ત્યાં જીવડું ધીમું પડ્યું. એ પુર્વાભિમુખ હતું. એ બાબતનો અજાણ્યો હાશકારો વરતાયો ‘હું’ જરા હાલવાનો પ્રયાસ કરવા માંડયો. જીવડું હમણાં શાંત હતું. સાવ ધીમું ચાલતાં તેના પગ શાંત હતા તે વિચારી શકતું હશે ? કે વિચારીને કઈ તરફ જવું ? 'હું’ હાલી શક્યો નહીં એ કારણે પણ જરા શાંતિ થઈ હાલવાથી કે આંખો ઉઘાડવાથી જીવડા વાળી વાતમાં કોઈ પરિવર્તન આવી જાય તો ! ટૂંકમાં ગમતું હતું આ જીવડું એની બંને દિશાઓની ગતિ ગમી હતી. પણ બંને બાજુની ગતિ અશક્ય અશક્ય હે જીવડા ! તું નક્કી કરી લે તારે કઈ તરફ જવું છે ? પણ એવું કોઈ પગલું નહીં ભરું જેથી આ ગમતી વાત શમી જાય.... ને જીવડું હાલ્યું, તેના તરંગે રોમેરોમને આ ખુશ ખબર આપ્યા. એના હજારો પગ એક સાથે જ સક્રિય બન્યા. હવે તો એ રસ્તા અંગે સભાન લાગ્યું. એની ગતિ પૂર્વ દિશામાં થઈ. ફરી વાર આજ દિશા. આ વખતે જરા ઝડપ વધુ હતી. જાણીતો રાહ હતો અને સહેજ પણ ઉચો થતો તો ત્વચાના સાતમા પડમાં એક લહર પેદા થતી. કુંડલીની જાગતી જાણે.... અરે, એને નાના નાના પગ છે જીવડું તો આ જાય આગળ ને આગળ.... હું પોતાનામાં ઊંડો ઉતર્યો જોયું, પહેલા તેની ગતિમાં ફેરફાર હતો એ આગળ પણ વધી ચૂકયું હતું કેટલા ઈંચ ? અરે એમ માપી શકાય તો તો શું જોઈએ. એ ગતિ ‘હું’ ના હાથમાં જ હોત ને !

  ને જીવડું અટક્યું આવું અચાનક અટકવું ન ગમ્યું સાવ આમ અડધે રસ્તે જરા ઉપર તરફ ગતિ કર, ક્યાંક તો પહોંચ એમાં શી મઝા છે એ પણ જોઈએ ત્યાંતો તેનો સળવળાટ પુનઃ શરુ ! લાગે છે કે છેક પહોંચી જશે. ને કેટલાય ગૂઢ રહસ્યો ઉઘડી જશે. પણ એ પાછા પગે ચાલ્યું કેમ ઝડપ ઘટી ? નાભી સુધી કેમ અટકયું ? પણ અટકતા પહેલાં તો એ પહેલા કરતાંય આગળ પહોંચ્યું. ટકી શકયું નહીં. તને શું થયું છે જરા સમજાય એવી ચાલ રાખ તારા હજારેય પગ આટલા કાર્યશીલ છે તો કેમ તું આમ ? એ થંભ્યું ના થંભ્યું ને એક ઝબકાર થયો. તેના તેજ લીસોટા આખા શરીરમાં વ્યાપી રહ્યા ને એની ગતિ હતી હૃદય તરફી.... એ હૃદયે પ્હોંચે.... આ હાથ આ પગ આંખો દોડું.... ફંગોળું.... માણું.... ના ગમ્યુ ના ગમ્યુ તેનું અટકવું સળવળવું હવે જીવડાનું નથી કે નથી ’હું’ નું; હું નિ:સહાય પાંખો કાપીને છોડી દીધેલા પંખી જેવો સાવ....

  ત્યાં પેલા હજારો પગ સળવળ્યા જીવડાની પીઠ પરથી પસાર થયું મારું શરીર જાણે મને ફંગોળીને એ ચાલ્યુ દૂર પેલી વનરાજીમાંથી વહી જતું નાનકડું કોતર પોતાની ચારે કોર રોજ નવા રંગો ઉમેરતું જતું હતું ને ઉઠીશ ત્યારે સંધ્યાના રંગોમાંથી તસતસતા કાપડે ને સહેજ ઉંચા થયેલા કમરમાં ખોસેલા ચણિયાવાળી કોઈ છોકરી વહેતી હશે. ગાતીય સીમ ભરીને.
કાળી કાળી કોયલડી ટહૂકે સે કે,
પેલા વગડે ટહૂકે સે મોર ક્યારે આવશો...

  ને આંખ મળી ગયેલી ઉઠયો ત્યારે આ હાલ ! કોઈ પૂછે કેમ છો ? તો મજામાં જ એમ ફરજીયાત કહી શકાય એવું આ જીવડું અનુભવાઈ રહ્યું છે.
  'હું’ હતો તો શેઢા પરજ.
  પણ,
  ‘હું’ નું માથું આથમણું થઈ ગયું.
  સંધ્યાનું શું ?
  ‘હું’ ની આ અનુભૂતિ.
  ‘હું’ ની નાભીમાં સળવળતું જીવડું.

  ‘હું’ મનમાં જ ઉભો થઈ થોડુંક ચાલ્યો ચાલીને જોયું પણ મજા ન આવી તો પછી તો પછી એ મજાની ક્ષણો જાળવવી જ રહી પ્રથમ વરસાદ પડવાનો હોયને એની પૂર્વ ક્ષણોએ ભીની ભીની મહેંકથી હૈયું છલોછલ થવા જાય એવી એ મજા હતી. વરસાદ પડે ન પડે ને થંભી જાય ત્યારે જે અધુરું અધુરું લાગે એમ પણ વચ્ચે વચ્ચે થતું હતું. ત્યાંજ આંખો બીડીને એને માણવા જતો એનો પ્રથમ પગ જરા હાલ્યો. ઝરમર ઝરમર પછી ધીમેથી બીજો ત્રીજો આઠમો દશમો નવમો ઇઠ્યોતેરમો પગ ઉપડયો ગતિ શરૂ થઈ. ખૂબજ પણ ધારદાર ગતિ પેલા રંગબદલું કાચંડાની જેમ ડોલતા ડોલતા થતી ગતિ નહીં. ધસતા લોહી સમી ગતિ એનાથી સાવ અનોખી ગતિ થતી ગઈ. સીધી ઉગમણી દિશામાં એ સહેજ હટ્યું હશે પોતાના સ્થાનેથી, એટલી વારમાં તેના પગરવે મચાવેલી ધમાલના વલયો વિસ્તરવા માંડયા વલયે સરજેલો આનંદ લિસોટો આહ્લાદક.... પણ, જીવડું ધીમું પડ્યું નદીના પૂર જાણે ઓસરવા માંડ્યાં અટકયું કે અટકાવ્યું એ બાબતે અજ્ઞાનશો અસહાય ‘હું’ પડી રહ્યો એનું અટકવું ગમ્યું ન ગમ્યું ને બેવડી અનુભૂતિ.

  આ જીવડું જરા વિશિષ્ટ નીકળ્યું. બધી ધારણાઓ ખોટી પડે એ તો ધૂળમાં રહેતા પેલા ભૂવાની જેમ પાછા પગે ચાલ્યું. એ ચાલ સાવ જુદી હતી. એનો અહેસાસ સાવ અલગ હતો. ત્યારે તો ફુલને તોડ્યા પછી એકલા એકલા હોઈએ ત્યારે અભાનપણે એની પાંદડીઓને અંગુઠા વડે કચડીએ અને જે અદ્રશ્ય દોરી સંચાર હોય છે તેવી લાગણીઓનાં લખલખાં પસાર થયાં. તેની લંબાઈ સાવ સીધીગતિએ.

  હવે પગ નથી ધીમે ધીમે હાથ નથી આંખો નથી હવે હું નથી મનમાં જવાની, જાણવાની, ચાલવાની બધી ક્રિયાઓ વરાળ થઈ રહી હતી. સાવ સીધી સાવ સાચી ગતિમાં બધું વિલિન. આ હતી ઉત્તરાભિમુખ ગતિ આખરી કોઈ નિર્ણય સમી આખરી અંજામ સમી અબહમ નહીં રુકેંગે એના વિસ્તારીત... વિસ્ફારીત થઈ હજારો હજારો પગથી સતત ચાલી રહેતી ફક્ત અને ફક્ત ક્રિયાઓમાં હું.... નાભીનીય આરપાર સીધી ગતિમાં હજારો પગ ચોમેર સળવળ સળવળ ને હું હું નથી હું વિલિન.... સાવ.... ઓગળતો હું એનો અંતિમ અંશ જ બચ્યો હશે ત્યાં.

  ‘ઓંમ શેઢા પર આરોટયા વગર ઉઠો ખઈ લો હેંડો.’
  ભેગો કરીને મને ઉભો કરી દીધો ઉંડાણેથી અફળાયેલા આ અવાજે.
* * *


0 comments


Leave comment