2.33 - ચાલશે / મહેન્દ્ર જોશી


તન-બદન ફોલ્લાં પડેલું ચાલશે
મન બળેલું કે જળેલું ચાલશે

હો વિદુર-ભાજી ઘરેલું ચાલશે
જીર્ણ પહેરણ હોય મેલું ચાલશે.

ચાલશે ના ચાલબાજી હે ચતુર
જણ ભલે હો અર્ધધેલું ચાલશે

તેં ધર્યું તેવું અને બસ તેટલું
અર્ધ્ય જળનું પ્હેલ-વ્હેલું ચાલશે

એકચિત્તે એકરસથી સાંભળે
એ સભાનું રંક છેલ્લું ચાલશે.

છો રહ્યાં રળિયામણાં એ દૂરનાં
એક ફાનસ ટમટમેલું ચાલશે

૨૧/૭/૨૦૦૬


0 comments


Leave comment