2.34 - અહીં સુધી પહોંચ્યા / મહેન્દ્ર જોશી


મૂકી પાછળ બધાં વરસો અમે બસ અહીં સુધી પહોંચ્યા
તજીને હાથનો હિસ્સો અમે બસ અહીં સુધી પહોંચ્યા

હથેળી આમ પણ સંદેહ છે, સંજીવની ક્યાં છે ?
લઈને મત્સયનો ઢગલો અમે બસ અહીં સુધી પહોંચ્યા

હવે હું કેમ સમજાવું સમય છે શ્વાસનો અજગર
ફગાવી જાતનો ભરડો અમે બસ અહીં સુધી પહોંચ્યા

અમે તો રાત સાથે આંખ પણ ચોપાટમાં મૂકી
વટી વનવાસનો ફાંટો અમે બસ અહીં સુધી પહોંચ્યા

ખબર નહિ શું હશે ભીતર, નર્યા રત્નો કે વડવાનલ
ભરીને વહાણમાં દરિયો અમે બસ અહીં સુધી પહોંચ્યા

ઉછેર્યો શબ્દ કહી જેને, હતો એ એક અંગારો
લગાવી પાંસળીસરસો અમે બસ અહીં સુધી પહોંચ્યા

હતું કે ઝગમગી ઊઠશે. દુણાયેલું તિમિર ઘરનું
ઉપાડી સ્કંધ પર તડકો અમે બસ અહીં સુધી પહોંચ્યા

૦૩/૦૩/૨૦૦૨


0 comments


Leave comment