2.35 - અમથો ય હોકારો / મહેન્દ્ર જોશી
આ તરફ જોકે પછી તું એ તરફ જો
માત જેવું કોઈ વએ જો ઊભું હો
લાત મારી મેં ઝરણ પેદા કર્યું છે
એક તું છે જે કહે છે જો અને તો
જોત-જોતામાં પવન પીળો પડ્યો છે
ઝાડ પાસે મન વકાસીને રહ્યું મોં
ઠીક થયું હું તો ઉદાસી લઈ ઊભો’ તો
રણ મહીં તેં ચાંદનીમાં દઈ દીધી ખો
હું તને સ્મરતો સફર કરતો રહ્યો છું
જો, તિમિરમાં સહેજ ફૂણી ફાટે છે પ્હો
છેવટે મારી કને કૈં પણ રહ્યું નહિ
તેં કહ્યું : ‘તું તો અનલહક છો અને છો’
ભાગ્યવશ બે-ચાર બી વેરી દીધાં છે
હું ય જાણું છું સૂકી ભઠ્ઠ છે શબ્દની ભોં
મિત્ર જોશી અધવચાળે ઊંઘરો ના
આપજો અમથો ય હોંકારો મને હોં !
0 comments
Leave comment