2.36 - આમ તો / મહેન્દ્ર જોશી
થોભવું એ કૈં ચરણનું ધામ ક્યાં છે આમ તો
દૂર જે દીવા બળે એ ગામ ક્યાં છે આમ તો
રાખમાંથી એક પંખી કઈ રીતે ઊડી ગયું
દાખલો એ હોય છે પરિણામ કયાં છે આમ તો
હા પડીએ આખડીએ ને ઊભા થઈએ ફરી
છે ઉબડ-ખાબડ સમય સરિયામ ક્યાં છે આમ તો
આમ તો તરવો રહ્યો દરિયો નર્યા બે હાથથી
હાથને બીજું તો કોઈ કામ ક્યાં છે આમ તો
એક ક્ષણથી નીકળીને બીજી ક્ષણમાં પહોંચવું
ઠીક છે આ સ્થિતિમાં આરામ ક્યાં છે આમ તે
રંગ જે દેખાય છે તે રક્તનો પર્યાય છે
આ ગુલાબો પણ ગુલાબો આમ ક્યાં છે આમ તો
માત્ર ખોબો એક ઝાકળ છે, ચહેરો ધોઈ લે
લેપ ચંદન છે ત્વચાના ડામ ક્યાં છે આમ તો
૨૧/૨૨/૨૩/૦૮/૨૦૦૭
0 comments
Leave comment