2.37 - એ તું જ છે / મહેન્દ્ર જોશી


આયુષ્યના કાંઠે મળી એવી મળી એ તું જ છે
મારી હથેળીમાં વહી ધસમસ નદી એ તું જ છે

છુટ્ટો છવાયો કોઈ અક્ષર મારે કશો ક્યાં અર્થ છે
પામ્યો સકલની પ્રેમની બારાક્ષરી એ તું જ છે

ઘનઘોર વનનો હું નર્યો અંધાર છું કે કોણ છું
આંજે મને જે તેજની સુરમાસળી એ તું જ છે

હું તો રઝળતો વાયરી વાળી લીધો તે ફૂંકમાં
રૂંવે રૂંવે બજતી રહી જે વાંસળી એ તું જ છે

સદ્દભાગ્ય કે બે આંખના દરિયે મળે મોતી મલક
લઈ હાથમાં જે હાથને દોરે સખી એ તું જ છે

તારા ચરણના પદ્મ પર વરસી રહ્યું છે નેત્રજલ
વર્ષો વિવશ આવી ઊભાં છે જે ઘડી એ તું જ છે

૨૯/૦૬/૨૦૦૬


0 comments


Leave comment