12 - અસંખ્ય રાત્રિઓને અંતે / રાવજી પટેલ


શિયાળની લાળીમાં સરકે સીમ,
રાત્રિઓ પીપળની ડાળી પર થથરે;
લબડે શુષ્ક ચંદ્રનું પાંદ.
અરે, મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું
ફરફરતું... !
વંટોળ થઈને ચરણ ચડ્યા ચકરાવે,
પથના લીરા ચકરવકર કંઈ ચડતા એની સાથે.
ક્યાં છે ભમ્મરિયાળા કેશ તમારા ?
દોડું-શોધું......
ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય
ક્યાંક ક્યાં હડફેટાયો,
બળદ તણી તસતસતી મેઘલ ખાંધ સરીખા
પહાડ દબાયો,
વીંછણના અંકોડા જેવાં બિલ્ડિંગોથી
હરચક ભરચક શહેર દબાયાં,
જૂવા જેવું ગામ નદીને તટ ચોંટેલું, એ ચગદાયું.
હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે.
મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે !
ક્યાં છે સ્પર્શ-ફણાળો
હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો કેવડિયો ક્યાં છે?
લાખ કરોડો વર્ષોથી
ચ્હેરો પથ્થરના ઘૂંઘટની પાછળ છૂપવી બેઠાં
માનવતી, ઓ ક્યાં છો ?
ક્યાં છો ?
નવા ચંદ્રની કુંપળ જેવી નજર કરો.


0 comments


Leave comment