15 - બિછાનેથી / રાવજી પટેલ


નજરની અડોઅડ નભ ઝરે...
અચાનક કવિતાની ચોપડીથી નીસરતો
યક્ષિણીનો આર્તનાદ !
પથારીમાં ગોટવાતા મેઘના પહાડ.
ઓરડીમાં કફ છૂટ્યાં વિહગનો વીંઝવાતો ભાર.
જર્જર...
અચાનક પથારીમાં કણસતું સારસીની ડોક સમું કાંડું;
એને શ્વાસની કુમાશથી હું સાહી લઉં.
જર્જર....
ચિત્કાર ચોતરફ જલ તણો આવરતો.
એક
એક
પલ તણો વધ થતો
માખી પર માંદગીનું હળુ થયું હલનચલન.
જર્જર.....
ખેતરમાં રોટલાના બચકે ચડાવતો’તો અડદની દાળ,
કને ઘીની ધાર જેવું જોતી હતી નાર.
એ જ આ સમય !
જર્જર.....
બારીમાંથી મેઘછાયી ટેકરીઓ પર
હવે ફેરવું છું હાથ.
માંદાં પોપચાંમાં ખીલી ઊઠી તાજીતમ રાત !
રહી રહી માટીની સુગંધ મારી હથેલીને અડે,
ઔષધનું લોહી પણ ફેણ ઊંચી કરે!
જર્જર.....
એકાએક નિઃસહાય મેઘ મારા ખભા પર પછાડતો શીર્ષ.
અહીં નગરની અગાશીઓ પર
એનો – અજાણ્યાનો ઠરે નહીં પગ.
જર્જર.....
પડ્યા હજીય આ શયનની કોર,
કોળી ઊઠે વળી વળી વાછટમાં મોર.


0 comments


Leave comment