17 - બસ-સ્ટેન્ડ પર રાત્રે / રાવજી પટેલ


અમસ્તો ઊભો’તો કશુંય પણ કાને નવ પડે.
હલે ના અંધારું. સકલ પથને બેક ઘડીમાં
કર્યો જેવો ભેગો શ્રવણદ્વયમાં કે ત્રમત્રમ્યું
બધુંયે અંધારું. રવ ખડકલા થાય મનમાં.

નરી ઊંડી ખીણો ખદબદ થતી, સાપ લબડે.
(અહીં છું કે બીજે ?) શરીર ઘસતો સ્ટેન્ડસળિયે
અને ત્યાં ઓચિંતા પરસ જલના કો શીકરનો
થયો કે હૈયામા વિહગ ટહુક્યાં, પહાડ પુલક્યા.
ગયું પેસી મારા હૃદયતલમાં ઘાસ સઘળું.


0 comments


Leave comment