21 - આનંદ / રાવજી પટેલ


સવારે ઊઠીને મારી સુવર્ણની ઊઘડતી આંખ હસી ઊઠે.....
પૂર્વમાં પંખીઓનો કલરવ ઊંચો થાય
મારા રોમ પર કલરવ કલરવ
પૂર્વમાં વ્યાપ્યા કરે. આંખ મારી હળું હળુ.
તિમિરના અતિઘન વિશ્વને
પાંપણના પાતાળની શયન-સુવાસમાં ઢબૂરી દીધું !
ત્યહીંથી તે સુવર્ણની આંખ લગી
પારાવાર હૃદયનો સેતુ
નિરંતર
ચોકમાં કૂણેરું ઘાસ, હલમલે તાજપનું તેજ
લઘુ-તનુ ડોકના હિલ્લોળ થકી લીલો લીલો ચોક
મારી સુવર્ણની આંખમાં સમાય...
ક્ષણિકમાં બાળકને ગાલે ચપ બચી થઈ બેસી જાય,
- ત્યાંથી
હૃદયની ખીણમાં મધ સમો ગળ્યો થઈ સરી જાય
સુવર્ણ સુવર્ણ બધે વ્યાપી જાય.


0 comments


Leave comment