3.0.3 - જદુનાથજી મહારાજને - ૨ / મારી હકીકત / કવિ નર્મદ


જદુનાથજી મહારાજ,

વિશેષ ગઈ કાલે સાંજે આસરે છ કલાકે તમે મને ચિઠ્ઠી લખી જણાવ્યું કે લાડની વાડી બદલીને ફિરંગીનાં દેવળ આગળ ધીશજી મહારાજની જગા છે ત્યાં સભા ભરવાનો ઠરાવ તમે કીધો છે. પણ એ જગા સભા ભરવાને લાએક નથી. એ કામનેવાસ્તે કોઈ સારી જગા જોવાની ઘણી જરૂર છે કે જેમાં સારા લોકને આવવાને હરકત રેહે નહીં, તથા જેમાં ઘણા જણાનો સમાસ થઈ શકે.

૨. તમે આજે બપોરનાં બે કલાકે સભા ભરવાનો વખત રાખ્યો છે, તે મારે તથા મારા મિત્રોને અનુકુળ નથી. મારા ઘણાએક મિત્રો જેઓ એ વખતે પોતપોતાના ઋદ્યમમાં લાગેલા હોય છે, તેઓથી આવવાનું બને તેમ નથી.

૩. વળી મારા સાંભળ્યામાં આવ્યું છે કે, તમે પોતાને બેસવા સારુ ખુરસી અથવા કોચની, અને બીજાઓને ભોંય પર બેસાડવાની ગોઠવણ કરી છે, તે યોગ્ય નથી, માટે તમારે કૃપા કરીને સહુને વાસ્તે એકસરખી બેઠક કરવી જોઈએ. અથવા શેઠ મંગળદાસની ઈસકોલમાં થોડા દહાડા ઉપર તમે પધાર્યા હતા તે વખતે જે ગોઠવણ થઈ હતી તેવી ગોઠવણ થાય તો પણ સારું. કેમકે એ સભામાં સભ્ય વિદ્વાન પ્રતિષ્ઠિત ગૃહસ્થો આવશે એવી અપેક્ષા છે. માટે તેઓનો તેઓની યોગ્યતા પ્રમાણે સત્કાર થવો જોઈયે.

૪. જે પ્રમાણે અત્રે સુપરીમર્કોટ વગેરે ઇનસાફની જગામાં વાદી પ્રતિવાદી પોતપોતાના હીમાયતિઓની મદદથી સલુકાઈથી પોતાનું કામ ચલાવે છે તે પ્રમાણે આપણું કામ ચાલે અને કાંઈ ક્તપાત ઋઠે નહીં, તેને વાસ્તે પોલીસની તરફનો તમે શો બંદોબસ્ત કીધો છે તે કાંઈ જાણવામાં આવ્યો નથી.

૫. પુનર્વિવાહ સરખી ઘણી અગત્યની બાબતમાં બંને તરફથી જે તકરાર ઋઠે તે લખી રાખીને તેના ઉપર નિષ્પક્ષપાત અભિપ્રાય આપવાને, તથા લોકોમાં પ્રસિદ્ધ કરવાને રાખરખાવટ ન રાખે એવા પ્રમાણિક પંચ નેમવાની જરૂર છે. એ પંચ, સભામાં વાદવિવાદ કરવાસંબંધી જે કાયદાઓ ઠેરવે તે પ્રમાણે ચાલવાને બંને પક્ષવાળાઓએ અગાઉથી જ કબુલ થવું જોઈયે.

૬. વાદવિવાદ કરવાનું કામ ગુજરાતીભાષામાં જ રાખવું, કે જેથી કરીને તમારા વૈષ્ણવ વગેરે જેઓ ત્યાં એ વિષય સાંભળવાને હાજર થયા હોય, તેઓ સમજી શકે.

૭. એ ઉપર લખેલી કલમો વિશે તમે શો બંદોબસ્ત કરવા માંગો છો તે કૃપા કરીને આ ચિઠ્ઠી પોંહોચ્યા પછી બે કલાકની અંદર તમારે હમને લખી જણાવવું, કે જેથી હમને વિચાર કરવા સુઝે, પુનર્વિવાહ સરખી ઘણી અગત્યની બાબત વિશે સભા મેળવવી, તથા કામ શી રીતે ચલાવવું એ બાબત આપણે બેઉએ અગાઉથી બંદોબસ્ત પત્રદ્વારે કરવો જોઈયે. સંવત ૧૯૧૬ ના ભાદરવા સુદ ૫ વાર ભોમ્મે ૮ કલાકે. તા. ૨૧ મી આગસ્ટ ૧૮૬0

લા. નર્મદાશંકર લાલશંકર.
સુધારાની તરફથી.


0 comments


Leave comment