3.0.3 - જદુનાથજી મહારાજને - ૩ / મારી હકીકત / કવિ નર્મદ


તા. ૨૧ મી આગસ્ટ ૧૮૬0
જદુનાથજી મહારાજ,

તમારો પત્ર આજે ૧૧ કલાકે મળ્યો તે વાંચી જોતાં હમને કંઈ મનપતીજ ખુલાસો થયો નથી.

સમય થોડો રહ્યો છે તેને લીધે હમે તમને એટલું જ હાલ જણાવીયે છૈયે કે શેઠ જગંનાથ શંકરશેઠ, શેઠ મંગળદાસ નથુભાઈ તથા દાક્તર ભાઉદાજી તમારી વિનંતી ઉપરથી પુનર્વિવાહસંબંધી તકરાર સાંભળીને પોતાનો અભિપ્રાય પ્રસિદ્ધ કરવા કબુલ થયા હશે તો તમોએ હમારી સંમતિ લીધા વગર જે જગા તથા વખત સભા ભરવાને નેમ્યાં છે તેને અનુસરીને હમે આવવા તૈયાર છૈયે. તમારી તરફના ઠરેલા સદરહુ પંચ સભામામાં આવીને બિરાજ્યા છે એવી હમને સૂચના થતાં જ હમો તરત આવીને જે હમારે વિદિત કરવાનું છે તે તેઓની આગળ કરીશું.

આજે બેથી તે પાંચ વાગતાસુધી જો તમારી તરફના સદરહુ શેઠિયાઓ, સભામાં આવ્યા તો ઠીક ને જો તેઓ એટલી વખતમાં આવ્યા નહીં તો તેઓ સભામાં હાજર થવાને રાજી નથી એમ હમે સમજીશું.

મહારાજ — !!! તમે એવું તો કદી મનમાં લાવતાં જ નહીં, જે હમો તમારી સાથે પુનર્વિવાહ સંબંધી તકરાર કરવા એકવાર જાહેર રીતે કબુલ થયા પછી છટકી જશું. કદાપિ રખેને કેહેવત પ્રમાણે હઈડાંની વાત તમારે હોઠે આવતી હોય! હમે તો તમારી યોગ્યતા ઉપર નજર રાખીને ઉત્તમ બંદોબસ્ત કરવા સંબંધી પત્ર લખ્યું હતું. હાલ, એટલું જ.

લા. નર્મદાશંકર લાલશંકર.
સુધારાની તરફથી.
તા. ક. – માત્ર સભાસદ એ શબ્દ રાતી સાહીથી છેકેલો છે.
ન. લા.


0 comments


Leave comment