3.0.1 - જદુનાથજી મહારાજને - ૧ / મારી હકીકત / કવિ નર્મદ


    મુંબઈના સુધારાવાળા વાણીઆ ભાટીયાઓને (શેઠિઆઓપણ) જદુનાથ મહારાજને વિશે એવું મત ધરાવતા હતા કે એ કોઈ સુધારાને ક્ત્તેજન આપનાર છે અને તેથી તેઓ તેને મોટું માન આપતા હતા. હું અને એક મારો કાએચ્ર મિત્ર જે સુરતના, તે હમે સારીપઠે સમજતા હતા કે જદુનાથ મહારાજ કેટલા સુધારાવાળા છે. મેં ઘણી ઘણી રીતે મારા મિત્ર કરશનદાસ મુળજી વગેરેને સમજાવ્યા કે તમે પછવાડેથી પસતાશો, પણ તેઓની નજરમાં કંઈ મારી વાત આવી નહીં. મેં નનામાં ચરચાપત્ર લખ્યાં હતાં. પણ તે સત્યપ્રકાશ ને રાસ્ત ગોફતારના અધીપતીઓની તરફથી દાખલ કરવામાં આવ્યાં નોહતા. ને સત્યપ્રકાશના અધીપતીએ તો એક વખત તા. ૧૨ મી આગસ્ટ ૧૮૬0 ના પત્રમાં એવી મતલબતનું લખ્યું હતું કે મહારાજ તો સારા છે પણ હમારા કેટલાક મિત્રો મહારાજની સાંમા છે તે જોઈને હમે ઘણા દલગીર છૈયે. હું લાચાર એકલો રહ્યો. હું ને કાએચ મિત્ર તો મહારાજના પ્રપંચો પ્રથમથી જ જાણતા હતા, પણ હરીલાલ મોહનલાલ નામનો એક વાણીયોમિત્ર અને બીજા કેટલાએક, જેઓએ મહારાજને કેટલાક ધર્મ સંબંધી પ્રશ્નો કર્યા હતા (સમશેર બાહાદુર જોવું) તેઓની પણ ખાતરી થઈ હતી કે મહારાજ પોતાના સેવકોને જુદું સમજાવે છે અને સુધારાવાળાઓને જુદું સમજાવે છે. જદુનાથ મહારાજ, સુધારાવાળાઓને એવા તો માનીતા થવા આવ્યા હતા કે તે મહારાજે નર્મદાશંકર કેવળ નાસ્તિક છે એવું પ્રગટ સભામાં ઠરાવવાને લખમીદાસ ખીમજીની મારફતે એક સભા ભરવાની ગોઠવણ ખાનગી કરી હતી. તે વાતની મને ખબર પડી કે મેં તરત ઋપલું હેન્ડબીલ છપાવી પ્રગટ કર્યું. મતલબ કે સુધારાવાળાઓ ન ઠગાતાં પાછા વ્હેલા વ્હેલા ઠેકાણે આવે. એ હેન્ડબીલ નિકળ્યા પછી મારા સાથીઓ મને ઘણું બીવડાવતા હતા ને મારી ઘણી મશ્કરી કરતા હતી ને કહેતા કે હમે તમારી સાથે નહીં આવીયે. હું કહેતો કે ‘દીયર ઉપર શું દીકરી જણી છેઋ જાઓ જાઓ બાયલાઓ, હું એકલો જઈશ, ખરે તેઓ પછી સભાને દાહાડે આવ્યા જ નહીં. મારો કાએચ મિત્ર પણ આવ્યો જ નહીં. આવનારમાં લખમીદાસ ખીમજી, ત્રિભોવનદાસ દુવાકરદાસ, મોતીરામ ત્રિકમદાસ, બાવા કિસનદાસ, ગંગારામ અને રઘુનાથ બાબાજી એટલાજ હતા. ભાઈ ઝવેરીલાલ ઉમીયાશંકરે મને જદુનાથ સામે વાદ કરવામાં સારી મદત કરી હતી. તેમ અજ્ઞાનીઓની તરફથી થવાના હુલ્લેલની સાંમે થવામાં પેહેલવાન બાવા કિસનદાસ અને છાતીવાળા રઘુનાથની મને સારી કુમક હતી. પણ પછી હુલ્લડ તો થયું નોહોતું. પણ હો હો ઘણી થઈ રહી હતી. એ સભા તા. ૨૧ મી આગસ્ટ ૧૮૬0 એ મળી હતી તેનો સવિસ્તર હેવાલ તા. ૨૬ મી આગસ્ટના સત્યપ્રકાશમાં છે. તેમાં મારા કાગળો, મહારાજની તરફના જવાબો અને હમારી વચ્ચે ચાલેલો સંવાદ પણ છે.

    (જદુનાથજી સાથે પુનર્વિવાહનો વાદ કરવા સારુ સભા ભરવા સંબંધી મારા કાગળો)

    જદુનાથજી મહારાજને વિનંતી કરું છઊં કે જ્યારે હું સુરતમાં હતો, ત્યારે તમે મને પુનર્વિવાહ વિશે વાદ કરવાને તેડયો હતો, પણ તેમ કરવાની મને ત્યાંહાં જોગવાઈ મળી ન હોતી. તમે અહીં આવતાં વારને પણ ઘણાએકને મોહોડે કહ્યું હતું કે મારે નર્મદાશંકર સાથે પુનર્વિવાહ વિશે વાદ કરવો છે. પરંતુ હાલમાં તમે એ વાત કંઈ બોલતા નથી. તમે મને કહ્યું હતું કે, ‘હું અહીં ચાતુર્માસ રહેવાનો છું.’ હવે ચાતુર્માસની આખર આવવા માંડી છે ને તમે એમના એમ જતા રહેશો અને તમારો મનોરથ પાર પડશે નહીં એમ મને લાગે છે. માટે હવે હાલ બીજાં કામો મુલતવી રાખીને પેહેલી જ જોગવાઈયે પુનર્વિવાહ ન કરવો એ વિશે તમારો, મારી સાથે વાદ કરવાનો ઘણા દહાડાનો જે આગ્રહ છે તેને અમલમાં લાવવાસારુ તમારે કોઈ ત્રાહીતને ઘેર એ કારણસર જાહેર સભા ભરવી. જ્યાંહાં કે પારસીભાઈયો પણ આવી શકે.

   આ વિનંતી તમે માન્ય કરશો તો ખરો વાદ લોકના જાણ્યામાં આવશે અને બુદ્ધિવર્ધકના સુધરેલા સભાસદો, અને સુધરેલા શેઠીયાઓ જેઓ તમારી મારફતે ઘણાં સારાં કામ કરાવવાને આતુર છે અને જેઓ ઘણા દિવસ થયા એ બાબતનો નિવેડો જોવાને ઘણા અધીરા છે તેઓના ઉપર મોહોટો ઉપકાર થશે. તેમ પારસી ગૃહસ્થો જેઓની મદદ હિંદુસુધારામાં ઘણી છે, તેઓને પણ થોડી ખુશી નહીં થશે.

તા. ૧૫ મી આગસ્ટ ૧૮૬0.
લા. નર્મદાશંકર લાલશંકર
સુધારાની તરફથી.


0 comments


Leave comment