8 - ભાગ – ૮ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


   આર્યધર્મના યશ:પૂર્ણ સદોદિત વિજય માટે ભદ્રંભદ્ર અને અંબારામ જે ગંભીરતાથી મુંબઈ પહોંચ્યા હતા એવી જ ગંભીરતાથી અમે મદ્રાસ પહોંચ્યા. સ્ટેશનેથી ‘ગુજરાતી સમાજ' પર પહોંચવાનું હતું. બેચાર રિક્ષાવાળા અમને જોઈને ધસી આવ્યા. એ દરેકે અમને એકસાથે ને અલગ અલગ જે કંઈ કહ્યું. એમાંનું કશું અમે સમજ્યા નહીં, પણ અમે એમને ‘ગુજરાતી સમાજ એમ કહ્યું તે એ બધા સમજી ગયા. નાનાભાઈ દાઢી રાખે, શરીર દૂબળું પાતળું, પોશાક સાવ સાદો – એટલે સાધુ જેવા લાગે (સ્વભાવથી સાધુ છે જ) એટલે રિક્ષાવાળા ઝાઝો ભાવ કહેવાની હિંમત કરી શક્યા નહીં. કોઈએ દસ રૂપિયા કહ્યા, કોઈએ નવ, કોઈએ આઠ. ટેન, નાઇન, એઈટ – એટલું સમજાય. એમાં એક પગરિક્ષાવાળો એની રિક્ષા સાથે અમારી પાસે આવ્યો. છેતરાવાની તૈયારી તો હતી જ તો પછી વધારે ગરીબ માણસના હાથે છેતરાવું સારું એમ વિચારી અમે એની સાથે મંત્રણા શરૂ કરી. પણ એકાએક મને યાદ આવ્યું કે ગાંધીજી પગરિક્ષામાં બેસતા નહીં. એટલે એને ના પાડી ને ફરી ઓટોરિક્ષાવાળાઓ તરફ વળ્યા. એ સમજ્યો કે આ લોકો અમદાવાદની ગાડીમાંથી ઊતર્યા છે એટલે ભાવ વધારે લાગે છે અને તેથી ના પાડે છે. એટલે કહે, ‘‘મી સેવન – ઓલ્લી સેવન’

   મેં કહ્યું, “નો પગરિક્ષા.” પણ અમારી કરુણાનો સ્પર્શ એને થયો નહીં – એ દિગ્મૂઢ બની અમારી સામે જોઈ રહ્યો. એટલે મેં એને પગે હાથ મૂક્યો. એ ચમકીને એકદમ આઘો ખસી ગયો અને પરમ આશ્ચર્ય અનુભવતો મારી સામે જોઈ રહ્યો. મેં પગના ઇશારાથી પેડલ મારવાનો અભિનય બતાવી ફરી કહ્યું, “નો પગરિક્ષા.” આ સાંભળી એ બોલી ઊઠયો, “મશીન... મશીન.” પોતાના પગ મશીન જેવા મજબૂત છે એવો દાવો અ કરતો હોય એમ લાગ્યું. એ માણસના આત્મવિશ્વાસ માટે મન માન ઊપજ્યુ. પણ અમને બંનેને ખેંચીને એ ‘ગુજરાતી સમાજ’ સુધી પહોંચશે ત્યાં જ એને ચેસ્ટ પેઇન ઊપડશે એવો મને ભય લાગ્યો. અમારાં મગજ એનો સંદેશો ઝીલી શક્યાં નથી એવું લાગતાં એ બોલ્યો, “નો ફૂટ-પેડલ-મશીન-મશીન.” આટલું કહી તેણે અમારા હાથમાંથી સામાન લઈ લીધો અને એની સાઈકલરિક્ષામાં મૂકવા માંડ્યો. અમે પણ એના આગ્રહને વશ થઈ સાઈકલરિક્ષામાં ગોઠવાયા. એકાએક મશીન ચાલુ થયું ત્યારે ખબર પડી કે પગરિક્ષામાં મશીન મુકાવેલું છે.

   મદ્રાસ સેન્ટ્રલથી ‘ગુજરાતી સમાજ’ સુધીના ભવ્ય રસ્તા પર અમારી સવારી નીકળી. મહાભારતની સીરિયલમાં યુદ્ધના આરંભે જુદાજુદા રથ જુદીજુદી શિબિરો ભણી જતા બતાવાયા હતા. એમ અમે પણ એક મહાયુદ્ધ માટે રથ પર સવાર થયા હોઈએ એવી લાગણી મને થઈ.
* * * * * *
   બીજે દિવસે બપોરે અમે એપોલો હોસ્પિટલે પહોંચ્યા. હોસ્પિટલની ભવ્યતા જોઈ અમે અંજાઈ ગયા. રિસેપ્શન કાઉન્ટર પર જઈ મેં મારું શુભનામ કહ્યું અને અમારા આગમનનું પ્રયોજન વર્ણવ્યું. હું અંગ્રેજીમાં બોલ્યો હતો, પણ અંગ્રેજીમાં આટલું લાંબુ બોલવાનો આ પહેલો પ્રસંગ હતો. એટલે વચ્ચે વચ્ચે ગુજરાતી ને હિન્દીમાં બોલી જવાતું હતું. કાઉન્ટર પર બેઠેલી બાલિકા ખાસ સમજી હોય એવું લાગ્યું નહીં.- છતાં એણે નમ્રતાથી જવાબ આપ્યો, જે અમે સમજ્યા નહીં ! એને અમારું ગુજરાતી-અંગ્રેજી નહીં સમજાય અને અમને એનું તમિલ-અંગ્રેજી નહીં સમજાય એવું લાગતાં મેં હોસ્પિટલમાંથી મળેલો કાગળ જ એના હાથમા મૂકી દીધો. આ ચેષ્ટાથી પરિસ્થિતિ કંઈક સરળ થઈ. એણે એક ફૉર્મ ભરાવી મારું રજિસ્ટ્રેશન કર્યું. રજિસ્ટ્રેશન પછી મારે હોસ્પિટલના ચીફ સર્જન ડૉ. ગિરિનાથ પાસે પ્રાથમિક કન્સલ્ટેશન માટે જવાનું છે એમ એ બાલિકાએ ત્યાં બેઠેલા ત્રણચાર જણાંની મદદથી મને સમજાવ્યું. કાન સારા હોવા છતાં એક વાર સાંભળવાથી સામાન્ય સંજોગોમાં પણ હું સમજતો નથી - મારે લગભગ ‘હેં ?’ એમ પૂછવું જ પડે છે. અહીં તો અસામાન્ય સંજોગો હતા એટલે મારે સતત ‘પાર્ડન-પાર્ડન’ કરી સામી વ્યક્તિને પુનરાવર્તન માટે ફરજ પાડવી પડતી હતી. આમ છતાં, મારું પ્રથમ કર્તવ્ય શું છે એટલું હું સમજી શક્યો એ પણ નાનીસૂની સિદ્ધિ નહોતી.

   વિશાળ મહાલય જેવી આ હોસ્પિટલમાં ડૉ. ગિરિનાથની ઓફિસ શોધવાનું સહેલું નહોતું. અમસ્થું પણ કોઈ સ્થળ શોધવાનું મારે માટે ક્યારેય સહેલું નથી હોતું. કોઈપણ સ્થળે ગમે તેટલી વાર ગયો હોઉં તોય મારે એકલાને જવાનું થાય તો મને એ સ્થળ જડતું નથી. કોઈ અટપટા સ્થળ વિશે કોઈ અટપટી રીતે સમજાવે છે – “અહીંથી સીધા વળી તરત જમણી તરફ વળશો એટલે ડાબી બાજુ નાનકડો ખાંચો આવશે.-એમાં ડાબી બાજુએ વળશો એટલે જમણી બાજુએ દૂધની દુકાન આવશે ત્યાંથી ડાબી બાજુએ થોડેક જ દૂર એસ.ટી.ડી. બૂથ હશે ત્યાંથી જમણી બાજુ વળશો એટલે’’ – આવે વખતે જે-તે સ્થળ વિશે જે થોડીઘણી નિશાની મેં યાદ રાખી હોય તેય ભૂલી જાઉં છું. અહીં પણ એવી જ સ્થિતિ હતી – ફર્સ્ટ ફલોર-ટર્ન રાઈટ - ધેન લેફટ - ધેન સેકંડ કેબિન - ધેન.... આવી તારની ભાષામાં જ માર્ગદર્શન સુલભ હતું. પણ નાનાભાઈ જોડે હતા એટલે ડૉ. ગિરિનાથની ઓફિસ અને શોધી કાઢી. મારા ભાઈથી હું છૂટો પડી જાઉં તો આ હોસ્પિટલની બહાર નીકળવાનું પણ મારાથી શક્ય બને કે કેમ એ પ્રશ્ન હતો. ૭૫ રૂપિયાની કન્સલ્ટેશન-ફી ભરી અમે ડૉ. ગિરિનાથની ચેમ્બરની બહાર બેઠા- અહીં દરેક ડગલે ફી ભરવાની થતી હતી. એટલે મને થયું કે જો આમ જ ચાલ્યા કરશે તો હોસ્પિટલ છોડતી વખતે ગાંધી પોશાકમાં આવી જઈશું.

   એક બહેન એક પછી એક દર્દીના નામની મૃદુ ઘોષણા કરી રહ્યાં હતાં. એકાએક એણે ‘રતિલાલ' એવી બૂમ પાડી. આ નામથી હું કેવળ મારે સાસરે જ ઓળખાઉં છું. મારાં સાળા-સાળીઓ મને આ નામથી સંબોધે છે. એકાએક એ સંબોધન સાંભળી હું ચમકી ગયો. પછી મને ખ્યાલ આવ્યો કે ડૉ. ગિરિનાથ સમક્ષ ઉપસ્થિત થવાની ક્ષણ આવી પહોંચી છે. ડૉ. ગિરિનાથની કેબિન ખોલી અમે એમાં પ્રવેશ્યા. કેબિનમાં પ્રવેશતાં જ અમે બંને ચમકી ગયા – હું વિશેષ. એ વિશાળ ચેમ્બરમાં એક સ્ત્રી ડૉક્ટર બેઠાં હતાં. એમને જોઈને, ઘડીભર તો, મારં. હૃદય ત્યાં જ ચાલતું અટકી જશે એવી મને બીક લાગી. ડૉ. ગિરિનાથ સ્ત્રી હશે એવી તો કલ્પના જ મને નહોતી. ઓપરેશન કરાવવાનું થશે તો આ યુવાન અને સુંદર સ્ત્રી મારું ઓપરેશન કરશે એ ખ્યાલે રોમાંચિત થઈ ઊઠવાને બદલે હું એકદમ ભયભીત થઈ ગયો. પુરૂષનાં હૃદય ચીરવા માટે અને સાંધવા માટે સ્ત્રી મનુષ્યજાતિના આદિકાળથી જાણીતી છે. આ સ્ત્રી મારું હૃદય ચીરવાની પણ હતી ને સાંધવાની પણ હતી ! મારા લેખોમાં ને ભાષણોમાં મેં સ્ત્રીજાતિની ખૂબ મજાકો કરી છે. વિધિએ જાણે મારી મજાક કરવા એક વિરલ સંયોગ રચ્યો હતો.

   ડૉક્ટરે અમને હસીને આવકાર્યા. મારા રીપોર્ટ જોયા અને કહ્યું, ‘પહેલાં એન્જ્યોગ્રાફી કરાવી લઈએ પછી આગળ એમણે શું કરવું તે વિચારીશું.’ એમણે મારા કેસપેપર પર એન્જ્યોગ્રાફી + બાયપાસ સર્જરી લખી દીધું અને ડૉ. સત્યમૂર્તિનું નામ લખી આપ્યું. ડૉ. સત્યમૂર્તિ એન્જ્યોગ્રાફી કરવાના હતાં ને તે પછી જરૂર પડે તો આ સ્ત્રીમૂર્તિ મારા હૃદયનું ઓપરેશન કરવાનાં હતાં. ડૉ. ગિરિનાથે આજ સુધીમાં કરેલાં તમામ ઓપરેશન સફળ થયાં હતાં; પણ ભીષ્મપિતામહની જેમ મારું મૃત્યુ પણ સ્ત્રીના હાથે લખાયું હશે તો આ બિચારીને અપયશ મળશે એ વિચારે મને ડૉ.ગિરિનાથની દયા આવતી હતી.
(ક્રમશ...)


0 comments


Leave comment