10 - ભાગ – ૧૦ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


   હું અને મારા ભાઈ ભરઊંધમાં હતા અને ‘ગૂડ મોર્નિગ’નો ધ્વનિ કાને પડ્યો. ગમે તેવી ઊંઘમાંથી પણ સહેજ અવાજ થતાં હું જાગી જાઉં છું. (આમાં અપવાદ માત્ર ટેલિફોનની ઘંટડીનો છે. ટેલિફોનની ઘંટડી હું સહેજ દૂર હોઉં તો જાગતો હોઉં તોય સાંભળી શકતો નથી. કેટલાક લોકો ‘કલર બ્લાઈન્ડ' હોય છે એમ હું 'ટેલિફોન ડેફ’ છું એવો મને વહેમ છે.) હું હાઈસ્કૂલમાં ભણતો ત્યારે સંસ્કૃતના અમારા પાઠયપુસ્તકમાં વિદ્યાર્થીનાં લક્ષણો વર્ણવતો એક શ્લોક આવતો. એ શ્લોકમાં વિદ્યાર્થીનાં જુદાંજુદાં અપેક્ષિત લક્ષણોમાં એક લક્ષણ ‘શ્વાનનિદ્રા’ ગણાવાયું છે. સહેજ અવાજ થતાં શ્વાન જાગી જાય છે એમ વિદ્યાર્થીએ જાગી જવું જોઈએ. પણ મારા વિદ્યાર્થીકાળમાં મને જગાડવાનું કાર્ય મારા વડીલો માટે ઘણું દુ:સાધ્ય ગણાતું. વાંચવા માટે હું વહેલા ઊઠવાની ભાવના રાખતો. મારાથી કાર્યો બહુ ઓછાં થાય છે, પણ જે-તે કાર્ય કરવા માટેની મારી ભાવના પ્રબળ હોય છે. વહેલાં ઊઠવા માટે હું એલાર્મ મૂકતો. આ એલાર્મ મારા વડીલો જ સાંભળતા. બિલકુલ મારા કાન પાસે ઘડિયાળ હોય તોપણ એલાર્મ હું નહોતો સાંભળતો. એ એલાર્મ સાંભળી પિતાજી, બા, ભાઈ વગેરે જાગી જતાં અને વારાફરતી મને જગાડવા મથતાં. આખરે હું - ભલે થોડો મોડો- જાગતોય ખરો. પણ કુંભકર્ણને જગાડતાં એનાં કુટુંબીજનોને પડતી હતી એનાથી થોડીક જ ઓછી મહેનત મારાં સ્વજનોને પડતી. વિદ્યાર્થીઅવસ્થામાં જ્યારે શ્વાનનિદ્રા સદ્ગુણ ગણાય ત્યારે મારી નિદ્રા રાવણસહોદરનું સ્મરણ કરાવે તેવી હતી અને ગાઢ નિદ્રા સારી બાબત ગણાય એ ઉમરે મારી નિદ્રા શ્વાનનિદ્રા પ્રકારની છે. એટલે આગંતુકે ઘણું ધીમેથી ‘ગૂડ મોર્નિગ’ કહ્યું હતું તોય હું જાગી ગયો - પણ હજુ નિદ્રાના પાશમાંથી મુક્ત નહીં થયો હોઉં એ કારણે કે ગમે તેમ પણ જાગીને જોયું તો નરસિંહ મહેતાની જેમ મને પણ એકદમ તો જગત દીસ્યું નહીં. પણ એવી નારસિંહી સ્થિતિ અલ્પકાળ માટે જ ટકી. પેલાએ ફરી ‘ગૂડ મોર્નિગ’ કહ્યું ને હું એકદમ પૃથ્વીલોકમાં આવી ગયો. મેંય સામે ‘ગૂડ મોર્નિગ’ કહ્યું એટલે આગંતુકે એના આગમનનું પ્રયોજન જણાવ્યું : “હું લોહી લેવા આવ્યો છું.”

   “કોઈ દર્દીની હાલત બહુ ગંભીર છે?” મેં પૂછ્યું. હું હજુ ઊંધની અસર તળે હતો. એટલે આ મનુષ્ય પરોપકાર માટે મારા લોહીની આશા રાખે છે એમ મેં માન્યું. પરોપકાર માટેની મારી તત્પરતા બદલ મારા માટે માન થવાને બદલે મારી બાઘાઈથી એ સહેજ નારાજ થયો હોય એમ લાગ્યું. કહે, “તમારા બ્લડ ટેસ્ટ માટે જ લોહી લેવાનું છે. એક દર્દીનું લોહી બીજા દર્દીને થોડું આપવાનું હોય ?” મેં હાથ લંબાવ્યો. એણે પટ્ટિકા બાંધી. સિરિંજમાં લોહી ખેંચી લીધું. “કેટલા વાગ્યા?" મને ઊંઘ આવતી હતી એટલે સૂવા માટે હજુ અવકાશ છે કે નહીં તે જાણવા મેં પૂછ્યું, “ફોર ફોર્ટી” એણે કહ્યું.
 
   “સો અર્લી?” મેં નવાઈ પામી પૂછ્યું.
   “શું થાય? હજુ કેટલાં બધાંનું લોહી લેવાનું છે !" કહી તે જવા ઊઠ્યો. એટલે મેં કહ્યું, “ગૂડ નાઈટ !” આ સાંભળી એ હસ્યો. એની હાસ્યવૃત્તિની સતેજતા જોઈ હું પ્રસન્ન થયો.

   એ ગયો એટલે હું ફરી નિદ્રાના બાહુપાશમાં લપેટવા મથ્યો. નિદ્રાએ મને ફરી એના આશ્લેષમાં લીધો ન લીધો ત્યાં ‘ગૂડ મોર્નિંગ’ કરતી નર્સ બાલિકા ટહુકી. “બ્લડ પ્રેશર, સર!” એણે કહ્યું ત્યાં જ મારું બ્લડપ્રેશર થોડું વધી ગયું હોય એવું મને લાગવા માંડ્યું. હું કિંકર્તવ્યમૂઢની દશામાંથી બહાર આવું તે પહેલાં તો એ કન્યકાએ મને પટ્ટો બાંધી દીધો. મને થયું, હું કહી દઉં કે, ‘હે ભગિની ! મારું બ્લડપ્રેશર નોર્મલ રહે એવી તારી ભાવના હોય તો કોઈ પુરુષ પરિચારકને બ્લડ પ્રેશર લેવા મોકલ...!’ પણ આટલું કહેવા માટે જે હિંમત જોઈએ તેના અભાવે હું ચૂપચાપ પડી રહ્યો. મારા અમદાવાદના રિપોર્ટ એણે જોયા અને પછી એ બોલી, “અહીં તમારું બ્લડ પ્રેશર વધારે કેમ આવે છે ?” અમદાવાદમાં કાયમ નોર્મલ રહેલું મારું બ્લડપ્રેશર મદ્રાસમાં વધી કેમ ગયું એ કોયડો અનુભવી નર્સની સમજની પણ બહાર હતો. હું સમજતો હતો પણ કહી શકતો નહોતો. બાલિકા વદી, “તમારું બ્લડપ્રેશર થોડું વધારે છે, જોકે બહુ વધારે નથી. પણ કાલે જો તમારી એન્જ્યોગ્રાફી કરવાની હશે તો સવારે ડૉક્ટર આવીને બ્લડ પ્રેશર માપશે. નોર્મલ હશે તો જ એન્જ્યોગ્રાફી થઈ શકશે.” “મેઈલ ડૉક્ટર કે ફિમેલ ડૉક્ટર ?’ એવો પ્રશ્ન ઉદ્દભવ્યો. પણ ગેરસમજ થવાના ભયે હું બોલ્યો નહીં. પણ કોઈ મેઈલ ડૉક્ટરને મોકલવાની જગતનિયંતાને પ્રાર્થના કરી.

   બાલિકાના ગયા પછી હું ફરી નિદ્રાના ખોળે પોઢવા માંડ્યો. મારા મોટા ભાઈ હજુ જાગ્યા નહોતા. એમની ઊંઘમાં ખલેલ ન પહોંચે એની આ લોકો કાળજી પણ રાખતા હતા; માત્ર પેશન્ટને સૂવા નહોતા દેતા ! ફરી નિદ્રાધીન થાઉં ત્યાં તો બારણે ટકોરા પડ્યા. ઉમાશંકર જોશીના એકાંકી ‘બારણે ટકોરા’ની નાયિકા નંદુગોરાણીને બારણે ટકોરા સાંભળી ‘વળી કોઈ મહેમાન !’ એવી ફાળ પડતી એમ મને બારણે ટકોરા સાંભળી ‘વળી કોઈ બાલિકા !’ એવી ફાળ પડી. મેં બારણું ખોલ્યું તો છાપાવાળો હતો. "વીચ ન્યૂઝપેપર, સર?" એણે પૂછ્યું. એ દિવસોમાં ‘હિન્દુ’ છાપું પોતે જ છાપામાં ખૂબ ચમક્યું હતું અને આ અગાઉ મેં ક્યારેય એ છાપું જોયું નહોતું. એટલે મેં એ છાપું લીધું. “કિંમત ?” મેં પૂછ્યું એટલે એ “ફ્રી ફ્રી" એમ બોલી ચાલતો થયો. ભારતના કોઈ શહેરમાં છાપું મફત મળતું હોય એવું હું જાણતો નહોતો. છાપાને ‘ચોથી જાગીર’ ગણવામાં આવે છે. અહીં એ જાગીર મફતમાં મળતી હતી ! હોંશમાં ને હોશમાં મેં કાઉન્ટર પરની નર્સ પાસે જઈ મારી ખુશી પ્રગટ કરતાં કહ્યું, “તમારા શહેરમા છાપુ મફત મળે છે એ ઘણી સારી વાત કહેવાય.” કડક દારૂબંધીવાળા રાજ્યમાંથી આવેલો હું રાતના બાટલી બાટલી લાવીને પી ગયો હોઉં એવો વહેમ એ નર્સને પડ્યો હોય એમ એ ઘડીભર મારી સામે તાકી રહી. ઉજાગરાને કારણે મારી આંખો લાલ હતી એટલે એવા વહેમ માટે યોગ્ય ભૂમિકા પણ હતી. પણ પછી મારું મગજ કામચલાઉ ખસી ગયું હોય એના કરતાં કાયમી ધોરણે નબળું હોય એમ માનવું વધારે વાજબી લાગ્યું હોય એમ મને સમજાવતાં કહે, “હૉસ્પિટલના ચાર્જમાં છાપાંનું બિલ આવી જાય છે.” (આ સાંભળ્યા પછી મને છાપું વાંચવામાં જોઈએ એવી મજા ન પડી !)

   હું અંદર આવ્યો ને ફરી સૂવાનો વિચાર કરવા માંડ્યો ત્યાં ચા આવી ગઈ. મારા મોટા ભાઈ પણ જાગ્યા. ચા જોઈ હું નિદ્રામાંથી ચલિત થઈ ગયો. ! ઝટપટ બ્રશ કરી મેં ચા-પાન આરંભ્યું. જે વૈભવ હું અત્યારે માણી રહ્યો હતો તે માણવા મળશે એવો મને સપનેય કદી ખ્યાલ આવ્યો નહોતો. અલાદ્દીનને તો દીવો ઘસવાનું કષ્ટ લેવું પડતું હતું ત્યારે અહીં તો બધું આપોઆપ થતું જતું હતું. પેલા ભિસ્તીની જેમ મારા આ વૈભવનું આયુષ્ય અતિઅલ્પ હતું તે ખરું, પણ તાય આ ઠાઠ જીવનભર યાદ રહી જાય તેવો હતો.
(ક્રમશ.....)


0 comments


Leave comment