3.1.6 - નલિન રાવળ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા    નલિન રાવળ અનુગાંધીયુગના ત્રીજા વિશિષ્ટ કવિ છે. પ્રિયકાન્ત મણિયાર, હસમુખ પાઠકની કક્ષામાં તેમનું સ્થાન પણ અવશ્યમેવ નિશ્ચિત છે. તેમણે સંખ્યાની દષ્ટિએ અલબત્ત, અલ્પ સંખ્યક સર્જન કર્યું છે. તેમની બે દાયકા સુધીની સર્જનલીલાના પરિપાક રૂપે આપણને, ‘ઉદગાર’ (૧૯૬૨) અને ‘અવકાશ’ (૧૯૭૨) એમ કુલ બે કાવ્યસંગ્રહોમાં સંગ્રહાયેલી ૧૧૪ કૃતિઓ પ્રાપ્ત થાય છે આ અલ્પસંખ્યક સર્જકમતામાંય તેમણે આશ્ચર્યકારક પરિમાણો સિદ્ધ કરી બતાવ્યાં છે.

    સ્વાતંત્ર્યોત્તરકાળની કવિતામાં પ્રવાહિત અનેક વલણો તેમની કવિતામાં જોઈ શકાય છે. આધુનિકતાનો તેમણે કદાચ સૌથી વધુ પ્રભાવ ઝીલ્યો છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ સંવેદનોની તેવી જ સૂક્ષ્મ મરોડોવાળી આકૃતિ નીપજાવવા પ્રતિ તેઓ સભાન રહે છે. કૃતિમાંથી જેટલું ભાવનું તેટલું જ રૂપનું સૌંદર્ય નિતારી લેવાની તેમની કોશિશ હોય છે. તેથી તેમની કવિતામાં ભાવ, ભાષા અને રચનારીતિ પ્રતિના નવ્ય પરિમાણો પ્રગટી ઊઠે છે. વળી કાવ્યસર્જન માટેની સભાનતા અને પાશ્ચાત્ય કવિતાનો ઝિલાતો બળવત્તર પ્રભાવ નલિનને નોખા કવિ તરીકે ઓળખવામાં મદદરૂપ થાય છે. પોતાની સર્જકતાના નવ્ય પાતાળો તોડવાની તેમણે જિગર દાખવી છે તેથી જ તેઓ અનન્ય કલ્પન-પ્રતીકોની પ્રયોજના દ્વારા ગુજરાતી કવિતાનું વિશિષ્ટ અને અપૂર્વ સંવિધાન રચવા સમર્થ બન્યા છે. આ સંદર્ભે શ્રી ઉશનસ્ યોગ્ય જ નોધે છે કે “અનુગાંધીયુગિન રાજેન્દ્ર-નિરંજન પેઢીમાં માત્ર નલિન જ તે, તથા ત્યાર પછીની સુરેશ જોશી વચ્ચેની મહત્વની કડી છે.” (‘મૂલ્યાંકનો’ લે. ઉશનસ્, પ્રકા. કુમકુમ પ્રકાશન, અમદાવાદ, પૃ.૨૪૫) જેમ ઉશનસ્ ગુજરાતી કવિતાના ઇતિહાસમાં નલિનને મહત્વની કડી ગણવા પ્રેરાયા છે તેમ નલિનના નિજી કવિવ્યક્તિત્વ અને આગવાપણાને લીધે જ પ્રમોદકુમાર પટેલ નલિનનું સ્થાન નિર્ધારિત કરતાં કહે છે કે “રાજેન્દ્ર-નિરંજન અને રાવજી-લાભશંકર જેવી પેઢીઓની વચ્ચે આ નલિન (હસમુખ)નું સ્થાન નિશ્ચિત રહે છે.” (‘અનુભાવન’, લે.પ્રમોદકુમાર પટેલ, પ્રકા. લેખક પોતે.)

    નલિન રાવળની કવિતા પર પ્રહલાદ-રાજેન્દ્રીય સૌંદર્યબોધનો પ્રભાવ જેટલા પ્રમાણમાં છે તેથીય વધુ પ્રભાવ તો સામાજિક સંપ્રજ્ઞતા, શુદ્ધ કાવ્યરૂપનિર્માણ પ્રતિની સભાનતા અને આકારનિર્મિતિ તરફના સભાન અભિગમનો છે. આ પ્રભાવની પડછે નિરંજન ભગત અને ટી.એસ.એલિયટ જેવા કવિઓની કવિતાપ્રવૃત્તિ રહેલી છે. તેથી કરીને તેમની કવિતાઓમાં સામાજિકતાની સૂક્ષ્મતાઓ મંડિત કરતી, આકારછટાઓ વારંવાર પ્રગટતી જોવા મળે છે. ‘અવાજ' કાવ્યમાં કવિ સૈનિકો ભરેલ ટ્રેનના અવાજને રાત્રિના અંધારા કડણમાં ઊંડે પડતો જતો બતાવી કોઈ પુલ તૂટી જવાની ઘટનાની સૂક્ષ્મછાયાઓનો અને તે દ્વારા યુદ્ધ સ્થિતિનો આબાદ નિર્દેશ કરી આપે છે :
સૈનિકો ભરેલ ટ્રેનનો અવાજ
જોઉં
રાત્રિમાં ઊંડ પડી પડી પડી ગયો.
(‘અવકાશ’,પૃ.૨૬)
    તો ટ્રેન કાવ્યમાં માનવજાત દ્વારા ફેલાતા આંતકરૂપ સંતોષનું ચિત્ર કવિ કંઈક આમ નિરૂપે છે :
શહેરના સીના પરે
ભભૂકતી
અવાજની ત્રણેક થપ્પડો લગાવતી,
ચીસો વડે હવા મહીં ચિરાડ પાડતી.
(‘અવકાશ’, પૃ.૨૫)
    આ ઉપરાંત તેમનાં ‘કવિને પ્રશ્ન’, ‘સિંહ’ 'સિંહ અને વરસાદ’ ‘વરસાદમાં’ ‘યયાતિ’ રેતપંખી’, ‘ચીમનીએ ચીતર્યા સમીર રે’ ‘બે દારૂડિયા’ ‘અશ્વત્થામાની ઉક્તિ’ વગેરે અનેક કાવ્યોમાં તેમની સામાજિક સંપ્રજ્ઞતાએ શુદ્ધ કવિતાદેહ ધારણ કરેલો જોવા મળે છે.

    પ્રકૃતિ નલિન રાવળની કવિતાનું મુખ્ય આલંબન છે. પ્રકૃતિ તેમની કવિતામાં કથ્યના સૂક્ષ્મ બિંબોનું પ્રતિબિંબન કરે છે. પ્રકૃતિનું નિર્ભેળ પ્રકૃતિરૂપ તેમની કવિતામાંથી પ્રાપ્ત થતું નથી પણ પ્રકૃતિ કોઈ વૈશિષ્ટપૂર્ણ, અપૂર્ણ અનુભૂતિના પ્રાગ્ટ્યાર્થે યા સામાજિકતાના સૂક્ષ્મ બિંબોના વહનાર્થે તેમણે પ્રયોજી છે. આવા જ એક વિશિષ્ટ પરિવેશમાં વિશિષ્ટ સંવેદનને વિશિષ્ટ રીતે અદ્યતન એકલતાના પ્રતીકરૂપે કવિએ પ્રયોજ્યું છે :
પાણાનો વગડો સૂનકાર
કાંસાના સૂરજનો વરસે તડકો તીખો ખાર
ખડખડ હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
પડઘાતો વગડો સૂનકાર
(‘અવકાશ’ , પૃ.૧૫)
    અહીં ‘પાળિયા’ની મધ્યકાલીન એકલતા આપણે આજના મનુષ્ય સોંસરવી સૂસવતી અનુભવી શકીએ છીએ. તેમની લગભગ કવિતાઓમાં પ્રકૃતિ નિરૂપણ પ્રહલાદીય સૌંદર્યબોધ પ્રગટાવવાને બદલે નિરંજનીય આધુનિકતા, સામાજિક બોધ અને કાવ્યના આકારનું સૌંદર્ય સેન્દ્રિયરૂપે પ્રગટ કરી આપે છે. નલિનની ‘વંટોળ’ ‘વાદળાં’ ‘વેગ મહીં ઊડ્યો વરસાદ’ ‘વરસાદમાં’ ‘અંધકાર’ ‘સાંજનો તડકો’ ‘સાંજ’ વગેરે કાવ્યો જોતાં તેમના પ્રકૃતિનિરૂપણની પડછે રહેલો સામાજિક બોધ અછતો રહેતો નથી. કદાચ તેમની કવિતાનું આ મહત્વનું લક્ષણ તેમને આગવાપણું બક્ષે છે.

    પ્રકૃતિની જેમ પ્રણયભાવને પણ કવિએ પોતાની સર્જનલીલાના એક વાના તરીકે પ્રયોજ્યો છે. પ્રણયભાવના નિરૂપણમાં પણ સર્જક તરીકેની સભાનતા અને માનવ તરીકેના અસ્તિત્વની સભાનતા રસાયેલી રહે છે. પરિણામે તેમનું પ્રણયઆલોકન એક વિશિષ્ટ પરિમાણ ધારણ કરે છે. પ્રણયાવલંબને કવિ મનુષ્ય અસ્તિત્વના ગહન ગૂઢ સ્તરોની વાત કરવાનું ચૂકતા નથી. ‘નારી’ કાવ્યમાં સ્ત્રીના દેહવર્ણન નિમિત્તે કવિ કેવી ગૂઢ યાત્રા કરે છે તે તે કાવ્યનો એક અંશ જોવાથી બરાબર સમજાશે :
નારીદેહમાંથી સહસ્ત્રધાર દ્યુતિથી વરસતા ચંદ્રને
નારીદેહમાંથી પ્રકટ થતાં રહસ્યોથી ભરેલા અવકાશને
પ્રચંડ મૃદુલયમાં ઝીલી લેવા
વાણીનું તેજપાત્ર લઈ ઊભો છે અપલક
(‘અવકાશ’, પૃ. ૧૦૫)
    એક બીજું ઉદાહરણ તપાસીએ ! ‘વિદાય’ કાવ્યમાં ‘વિદાય’ના ભાવ સાથે અસ્તિત્વમૂલક ચિંતન સહજ પણ અને અવિનાભાવે જોડાય છે :
હું જાઉં છું શબ્દ વિદાયના લખી
ખરી ગયું વૃક્ષથી એક ફૂલ
(‘અવકાશ’, પૃ. ૯૦)
    પ્રકૃતિ અને પ્રણય જેની પડછે રહેલાં છે તેવો કવિનો સ્થાયીભાવ તો છે માનવ અસ્તિત્વ અને તેનાં સૂક્ષ્મ સંચલનોનાં સૂક્ષ્મરૂપો. કવિ પ્રકૃતિ, પ્રણય, નગરજીવન યા પશુપક્ષીઓના સંદર્ભે મુખ્યત્વે તો માનવ અસ્તિત્વની સંકુલતા વિષણણતા અને વિચિત્રતાઓનું જ આલેખન કરે છે. વળી પશુપંખીની સૃષ્ટિને માનવ સાથે વિરોધીસન્નિધિ દ્વારા જોડે છે. તેથી કહી શકાય કે તેમની કવિતા ગુજરાતીની વિશિષ્ટ ભાત પાડતી કવિતા છે. આ વૈશિષ્ટ્ય જેટલું વિષય પરત્વે પ્રગટે છે. તેટલું જ કાવ્યની ઈબારત પરત્વે પણ પ્રગટે છે. તેમનો સર્જન અભિગમ વિશેષત: રૂપવાદી રહ્યો છે. સૂક્ષ્મ ભાવસંવેદનોનાં સૂક્ષ્મ, અમૂર્ત આકારો નિપજાવવા પ્રતિ તેઓ સતત મથે છે. તો કવિતામાં કવિતાના વિધવિધ આકારો નિર્માણ કરવા સતત સભાનતા દાખવે છે. એમની કવિતામાં લય સ્વચ્છ, સુઘડ અને સૂક્ષ્મ રીતે પ્રવાહિત થતો જોવા મળે છે. ક્યારેક તેને તોડી-મરોડીને કુશળતાપૂર્વક કવિ કવિકર્મ દાખવે છે. ચંદ્રકાન્ત શેઠનું આ સંદર્ભ અવલોકન નોંધવા યોગ્ય છે : “એમના ‘પાનખર’ કાવ્યમાં ‘ખરવા માંડયાં પાન’ એ પંક્તિ ‘બારીની લીલાશ ઝાંખી ભૂરી’ ‘બારીની મ્હેક વહી ગઈ ઝૂરી વગેરે’ પંક્તિઓ સામે ધ્રુવપંક્તિની રીતે તોળાતી પાન:ખરતાને ધ્વનિ-લયથી ઉપસાવે છે. કવિએ લય દ્વારા પાન-ખરને મૂર્ત કરી છે. ‘અશ્વત્થામાની સ્વગતોકિત’માં ઉત્કટ મનોમંથન પ્રેરિત ઘૂમરીઓ લેતા આવેગનું ચિત્ર લયમાં જે રીતે પ્રત્યક્ષ થાય છે. તે ઉલ્લેખનીય છે.” (‘કાવ્યપ્રત્યક્ષ’, લે. ચંદ્રકાન્ત શેઠ, પ્રકા. આર.આર.શેઠનું કું. અમદાવાદ)

    સૂક્ષ્મ ભાવસંચલનોનો યથાયોગ્ય પ્રતિઘોષ પાડે તેવાં નવીન કલ્પનો અને અનુભૂતિને ઘટ્ટ પરિમાણ બક્ષી શકે તેવાં આકર્ષક પ્રતીકો અને વૈશિષ્ટપૂર્ણ અલંકારોને પણ નલિન રાવળે અપૂર્વતાપૂર્વક પ્રયોજ્યા છે. આમ, નલિન રાવળની કવિતા અદ્યતન કવિતામાં આગવી કેડી કંડારતી કવિતા છે. અમૂર્ત સૂક્ષ્મ ભાવસંવેદનોની અપૂર્વ તાજગીપૂર્ણ રજૂઆત અને આકારનિર્મિતિ પ્રત્યેની સભાનતાના સંયોગે કરી તેમની કવિતા પ્રયોગશીલતા સિદ્ધ કરે છે તો માનવઅસ્તિત્વને કેન્દ્રમાં રાખતી તેમની સંવેદના પરંપરાને પણ સાધ્ય ગણે છે. પરિણામે નલિન રાવળની કવિતા પરંપરા અને પ્રયોગની વચ્ચે શુદ્ધ કવિતાને નિતારી લેવામાં સફળ રહી છે. આ વલણનો નલિનમાં જોવા મળતો અંકુર રાવજીમાં વટવૃક્ષ રૂપે ફાલે છે.


0 comments


Leave comment