2 - હાસ્યરસમાં તર્કવ્યાપાર નથી હોતો / રમણભાઈ નીલકંઠ


“હાસ્યરસમાં તર્કવ્યાપાર નથી હોતો, પરંતુ હાસ્યરસ મનુષ્યચિત્તને પ્રસન્ન કરી સ્વસ્થ રાખે છે... અનેક જાતના ભાર નીચે દબાઈ નમી જતા ચિત્તને, હાસ્યરસ એ ભાર ઓછો કરી, ઊંચે આવવાની શક્તિ આપે છે. વિષમ પ્રસંગો અને વિપત્તિઓને સમયે પણ સંસારઘટનામાં રહેલું હાસ્યનું મર્મ અનુભવતાં ચિત્તને સંકટોથી પરાભવ ન પામવાનો, વિહવલતાને દૂર રાખવાનો અને દુઃખો ધૈર્યથી સહન કરવાનો પ્રયાસ કરવામાં અનુકૂળતા પ્રાપ્ત થાય છે. દ્વેષ કરનાર અને અન્યાય કરનારની મૂર્ખતા અને હાસ્યપાત્રતા જોઈ વિનોદ મેળવતાં દ્વેષ અને અન્યાયથી થતો ખેદ ઘટી જાય છે. સર્વત્ર હાસ્યનું ઊંડું મર્મ પારખી કાઢવાના અભ્યાસથી તત્ત્વચિંતનની અને સમદર્શિતાની એવી વૃત્તિ બંધાય છે કે માણસોની ભીડની વચ્ચે એવા અભ્યાસવાળું ચિત્ત એકાન્તનો અનુભવ કરી શકે છે, અને અમુક આવેશથી ઉશ્કેરાયેલા મંડળના સંગમાં છતાં શાન્ત અને અક્ષુબ્ધ રહી શકે છે. એવા અભ્યાસવાળો મનુષ્ય પોતે પણ મૂર્ખતાથી વર્તે તો તે મૂર્ખતા હાસ્યપાત્ર થવી જોઈએ એ પ્રતીતિને લીધે એકદેશીય તથા સંકુચિત વિચારોથી આગળ વધી સાધારણ માણસો કરતાં વધારે ઉદાર અને વધારે નિષ્પક્ષપાતી દૃષ્ટિએ નિરીક્ષણ કરી શકે છે. હાસ્યરસ પારખવાની શક્તિથી એવી સમતોલ વૃત્તિ પ્રાપ્ત થાય છે, કે જીવનના વિવિધ પ્રસંગોનું તાત્પર્ય સાધારણ સમજ (Common sence)ની નજરથી જોતાં આવડી છે, અને પાંડિત્યદંભમાં, સ્થૂલ દુરાગ્રહમાં તથા નિર્મર્યાદ ઉત્સુક્તામાં મગ્ન થતાં અટકવાનું સામર્થ્ય મળે છે”
– રમણભાઈ નીલકંઠ


0 comments


Leave comment