3 - એન્જ્યૉગ્રાફી, એન્જોયગ્રાફી થઈ શકે.... / એન્જોયગ્રાફી / વિનોદ ભટ્ટ


   આજે જે મારા પરમ આત્મીય મિત્ર છે તે રતિલાલ બોરીસાગર સાથેનો પ્રથમ મેળાપ નાટ્યાત્મક રીતે થયો હતો. અલબત્ત, અક્ષરદેહ–પત્રથી અમે મળતા. તે મારા ચાહક હતા, આજે હું તેમના વ્યક્તિત્વ તેમજ લખાણનો પ્રશંસક છું. તે સાવરકુંડલાની કૉલેજમાં પ્રોફેસર હતા. અમદાવાદ આવ્યા હતાને મને મળવાની ઇચ્છા ધરાવતા હતા. એ વખતે હું ખાડિયા ચાર રસ્તાની નજીક, પાંચકૂવા દરવાજા પાસેના લાખિયાના ડહેલામાં મેડા પર, પિતાશ્રી સાથે સેલ્સ-ટેક્સની પ્રેક્ટિસ કરતો. રતિલાલ બોરીસાગરના સાળા મારા એક ક્લાયન્ટનું નામું લખતા તે મારી પાસે સેલ્સ-ટૅક્સનું ત્રિમાસિક પત્રક ભરાવવા આવે, પણ એમને ખબર નહોતી કે હું વિનોદ ભટ્ટ છું. મોટા ભટ્ટસાહેબના પુત્ર તરીકે ઓળખે – આથી જોકે તેમને કે મને કોઈ ફેર પડતો નહોતો. એકવાર મારી પાસે આવી તે બોલ્યા કે મારું રિટર્ન જલદી ભરી આપો. “કેમ?” મેં જાણવા માગ્યું.

   “મારા બનેવી સાવર-કુંડલાથી આવ્યા છે, તેમને લઈને મારે હાસ્યલેખક વિનોદ ભટ્ટને ત્યાં જવાનું છે.” તે બોલ્યા.
   “ક્યારે?” મેં તેમને પૂછ્યું.
   “બસ, તમે રીટર્ન ભરી આપો એટલી જ વાર.”એ સદભાગીને ખબર નહોતી કે વિનોદ ભટ્ટ એની સામે બેઠો છે. મેં તેમને કહ્યું કે એ તમને અત્યારે ઘેર નહિ મળે. “તમે વિનોદ ભટ્ટને ઓળખો છો?” તેમણે આશ્ચર્યથી પૂછ્યું.
   “હા, થોડો ઘણો ઓળખું છું.” મેં જણાવ્યું.
   “તો પ્લીઝ, મારા બનેવીને એનો ભેટો કરાવી આપો ને !” તેમણે વિનંતી કરી.
   “ભલે, તમે આવતી કાલે સાંજે તેમને અહીં લેતા આવજો, હું તેમને વિનોદ ભટ્ટને ત્યાં લઈ જઈશ.” મેં કહ્યું.
   “ચોક્કસ?” તેમણે ખાતરી માગી.
   “હા, ચોક્કસ...' મેં આત્મવિશ્વાસથી કહ્યું.

   બીજે દિવસે તે બોરીસાગરને મારી પાસે મૂકી પોતાના કામે ચાલ્યા ગયા. મારું કામ આટોપી, સાગરને લઈ ઘર તરફ જવા રિક્ષા કરી. રસ્તામાં તેમણે વિનોદ ભટ્ટની ખૂબ પ્રશંસા કરી, વિ.ભ. પર તે ઓળઘોળ થઈ ગયા હતા, મારી છાતી ફાટ ફાટ થતી હતી, મારા શર્ટનાં બટન તૂટી જશે એવુંય ઘડીભર મને લાગેલું. મનમાં હસવું આવતું હતું. માંડ સંયમ રાખ્યો. રિક્ષામાંથી અમે ઊતર્યા, મારા મકાનમાં ત્રીજા માળે અમે ગયા. તેમને બેસાડ્યા. જલપાન વગેરે કરાવ્યું, પછી હું પ્રગટ થયો, માહિતી આપી કે તમે જે વિનોદ ભટ્ટને મળવા ઇચ્છી રહ્યા છો એ હું જ છું. આશ્ચર્યચકિત થઈ તે મારા સામે ટગર ટગર જોઈ રહ્યા. કદાચ થોડા નિરાશ પણ થયા હશે. આવો ! વિનોદ ભટ્ટ આવો છે !

   આવો જ એક કિસ્સો યાદ આવે છે. ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. ગાંધી રોડ પર ઓટોરિક્ષા માટે હું ઊભો હતો. કોઈ રિક્ષાવાળો કાંકરિયા જેટલા ટૂંકા અંતરે આવવા રાજી નહોતો. એક રિક્ષાવાળાએ જરાતરા મરજી બતાવી, ઉપકારવશ થઈ રિક્ષા ઊભી રાખી. હું તેમાં બેસવા જતો હતો, ત્યાં કૉલેજિયન જેવા જણાતા બે યુવાનો મારી પાસે આવ્યા. બેમાંના એકે કુતૂહલથી મને પૂછ્યું : “તમે જ વિનોદ ભટ્ટ છો?” મને એમ કે જો હું હા પાડીશ તો કદાચ તે પૂછશે કે શા માટે લખો છો? કે પછી મારા ઑટૉગ્રાફ માગશે દરમિયાન માંડ મળેલી આ રિક્ષાય હાથમાંથી છટકી જશે. તેથી મેં નમ્રતાથી જણાવ્યું કે “ના, હું વિનોદ ભટ્ટ નથી”, ને રિક્ષામાં ગોઠવાઈ ગયો, એટલે બીજા યુવકે પહેલા યુવકને કહ્યું કે હું નહોતો કહેતો કે વિનોદ ભટ્ટ આવો ના હોય?... મને અત્યારે થાય છે કે સાગરને મને વિ.ભ. માનવામાં પોતાની જાત સાથે કેટલી બાંધછોડ કરવી પડી હશે !

   પછી તો સાગર અમદાવાદમાં સ્થાયી થયા. પાઠ્યપુસ્તક મંડળમાં અધિકારી લેખે જોડાયા. મળવાનું વારંવાર બનતું. નિર્વ્યાજપણે ચાહનાર, નમ્ર, સાલસ, પ્રમાણિક અને ઈશ્વરથી ડરીને ચાલનાર એક સજ્જનની તેમની છાપ આટલાં બધાં વર્ષો પછી પણ મારા મન પર અંકાયેલી છે ને વધુ પરિચય થતાં તે દૃઢ પણ થઈ ગઈ છે. તેમને પહેલી વાર જોનાર, મળનારને ભાગ્યે જ તેમના પર હાસ્યલેખક હોવાનો આક્ષેપ કરવાનું મન થાય. પ્રકૃતિએ તે ઘણા ગંભીર છે. આગળ જણાવેલ તેમની પ્રામાણિક્તાનો તો હું સાક્ષી પણ છું. તેમનું ઇન્કમટેક્સનું કામ મેં ઘણાં વર્ષો સુધી કર્યું છે. ચાર્લી ચૅપ્લિન, બર્નાર્ડ શો અને કિશોરકુમાર જેવા હાસ્યવ્યંગ અને કૉમિકના માણસોને ઈન્કમટેક્સ ભરવાનું સહેજ પણ ગમતુ નહિ. એમાંથી કિશોરકુમાર તો પોતાના પાળેલા કૂતરાને ઈન્કમટૅક્સ-ઑફિસર્સ પર છોડી મૂકતો અને બર્નાર્ડ શોએ ધૂમ કમાણી કરતાં તેનાં નાટકો ભજવાતાં અટકાવી દેવડાવેલાં – વધારે કમાઈએ તો વધુ ઇન્કમટેક્સ ભરવો પડે ને ! પણ બોરીસાગર અટકધારી રતિલાલ પોતાની રજે રજ આવક દર્શાવી દેતા. તેમને કોઈ લેખ કે પ્રવચનના રોકડા રૂપિયા મળ્યા હોય તે પણ યાદ કરીને, ચૂક્યા વગર, પોતાની આવકમાં ઉમેરી દેતા ને કહેતા કે મારી આ કુલ આવક પર જેટલો ટેક્સ ભરવાનો થતો હોય એનું ચલણ બનાવી આપો, આજે ભરી દઈશ. ભરવાપાત્ર થતો વેરો આટલા ખંતથી ભરતા બહુ જૂજ માણસો મેં જોયા છે. પગાર સારો હોવા છતાં તેમની આર્થિક હાલત પાછી એટલા ખુશ થવા જેવી નહિ. આવકના મુકાબલે તેમની જવાબદારીઓ ઘણી મોટી હતી – છતાં તેમના એક નિકટના મિત્ર હોવાના નાતે મેં જોયું છે કે કશુંય શૉર્ટકટથી, મફતમાં, આઉટ ઑફ વે જઈને મેળવવા તેમણે કોશિશ સુધ્ધાં નથી કરી. થોડા નરમ, સંકોચશીલ, શાંત, શરમાળ, સમાધાનપ્રિય, મધ્યમમાર્ગી, ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે બોલી તડફડ ન કરી શકે, પોતે સહન કરી લે, સામેની વ્યક્તિને હર્ટ કર્યા વગર સત્ય પણ મીઠાશથી કહે. આ બધું તેમના શીલમાં છે, જે તેમના લેખનમાં પણ ઊતર્યું છે એવું કહેતાં લખતાં મને આનંદ અને ગર્વની લાગણી થાય છે. હું ઘણી વાર જાહેરમાં કહું છું કે રતિલાલ બોરીસાગર મારી એચીવમેન્ટ છે-આઈ મીન વ્હૉટ આઈ સે. આવા મિત્રોને લીધે પૂર્વજન્મમાં મારી શ્રદ્ધા વધતી જાય છે.
****
   ફરી પાછળ ફ્લેશબેકમાં જઈશું. તેમનું નામ– રતિલાલ બોરીસાગર લખવામાં મને લાંબું પડે છે એટલે તેમને સાગર જ કહીશ, તેમની પાસે એક સંગ્રહ થઈ શકે એટલી સંખ્યામાં હાસ્યનિબંધો તૈયાર હતા. બરાબર પેલા મુરતિયા જેવો ઘાટ હતો. મુરતિયો અને ગોરમહારાજ બન્ને તૈયાર હતા, માત્ર વનથર્ડ-કન્યા શોધવાનું બાકી હતું. લેખક અને હસ્તપ્રત બંને મોજૂદ હતાં– સવાલ માત્ર એક પ્રકાશકને શોધવાનો હતો. સાગરે મને એક દિવસ ખુશખબર આપ્યા કે તેમનો નિબંધ-સંગ્રહ છાપવા પન્નાલાલ પટેલ તૈયાર થયા છે. પન્નાલાલનું એક સુખ હતું કે તે બીજાઓનાં લખાણ ખાસ વાંચતા નહિ. સાગરની હસ્તપ્રત પણ તેમણે નહિ જ વાંચી હોય. (આ મારો અંગત મત છે.) તેમણે સાગરને કહ્યું કે તમે ચાંપશી વિ. ઉદ્દેશી (તંત્રી, નવચેતન)નું સર્ટિફિકેટ લઈ આવો કે આ હાસ્યનિબંધો પુસ્તક રૂપે છાપી શકાય એવા છે. એકવાર કવિ નર્મદને પણ લગભગ આવું થયું હતું. તેની પાસે એક અંગ્રેજને ગુજરાતી શીખવું હતું. નર્મદ સાથે આ અંગે તેણે વાત પણ કરી, પણ જોડે એક શરત મૂકી કે તેને ખુદને ગુજરાતી બરાબર આવડે છે એવું સર્ટિફિકેટ ઓરિએન્ટલ ટ્રાન્સલેટર વિનાયક વાસુદેવ પાસેથી લઈ આવે તો તેની પાસે તે ગુજરાતી શીખશે. નર્મદની જગ્યાએ કોઈ બીજો હોત તો ગુસ્સે થઈને એ અંગ્રેજને કહી દેત કે તારે ગુજરાતી શીખવું હોય તો શીખ, નહીં તો ભાડમાં જા. પણ આનેય રમૂજનો એક ભાગ ગણી નર્મદ સીધો વિનાયકરાવ પાસે જઈને બોલ્યો : “મારી પરીક્ષા લઈને મને સર્ટિફિકેટ આપો કે મને ગુજરાતી આવડે છે.” વિનાયકરાવ શબ્દાર્થમાં આને મજાક સમજ્યા. પૂછયું : “કવિ, મારી મશ્કરી તો નથી કરતાને?” પછી તેમણે અંગ્રેજીમાં સર્ટિ. લખી આપ્યું કે Certified that Narmadashankar Lalshankar is Qualified to teach GUZERATHEE. (સર્ટિફિકેટ લખી આપનારના “ગુજરાતી'નો સ્પલિગ જોયો?) આ ભલો માણસ સાગર પણ ચાંપશીદાદા પાસેથી આવું સર્ટિફિકેટ લખાવી લાવ્યો. દાદાએ ઊલટથી ફાંકડું સર્ટિ. લખી આપ્યું. સાગરની પુસ્તક છપાવા વિશેની શ્રદ્ધા વધી ગઈ. એ વખતે મેં ટીખળ કરતાં સાગરને કહ્યું હતું કે પુસ્તક-પ્રકાશનની શરતોની ચોખવટ પહેલેથી કરી લેજો, જેથી કોઈ ગેરસમજ ન થાય, શક્ય છે કે પન્નાલાલ કહી દેશે કે આ કે તે શરત તેમણે સાંભળી જ નહોતી! (એક ગંભીર - લાંબી બીમારીને કારણે પન્નાલાલ કર્ણસુખ અનુભવતા.)

   પણ પન્નાલાલ સાથે એ પુસ્તકના પ્રકાશનનો મેળ બેઠો નહિ, પછી તેમનું પ્રથમ પુસ્તક “મરક મરક” એ સમયની પ્રતિષ્ઠિત ગણાતી વૉરા એન્ડ કું. એ પ્રગટ કર્યું. સાગર જ્યોતીન્દ્ર દવેની હાસ્યકળાથી પ્રભાવિત હતા ને તેમની શૈલીનું અનુકરણ તે કરતા. (શરૂઆતના ગાળામાં લતા મંગેશકર નૂરજહાંની અને મુકેશ સાયગલના ગળાની નકલ કરતાં એ રીતે) આ પુસ્તક વિશે પોતાનો પ્રતિભાવ આપતાં જયોતીન્દ્ર દવેએ સાગરને એક અંગત પત્રમાં લખ્યું હતું કે તમારા કેટલાક લેખો તો જાણે મેં જ લખ્યા હોય એવું મને ખુદને લાગે છે, પણ મેં તે નથી લખ્યા, અને પ્રમાણપત્ર ગણી સાગરે આ પુસ્તકની બીજી આવૃત્તિમાં પાછળના પૂંઠા પર જયોતીન્દ્રનો અભિપ્રાય છાપ્યો હતો. આ અંગે મેં તમને ગંભીરતાથી કહેલું કે સાગર, આ ખુશ થવા જેવું નથી, આમાં તમને નુકસાન થશે. તેમની શૈલીનું અનુકરણ તમને જફા પહોંચાડશે. જ્યોતીન્દ્ર એક હતા. બાજીરાવ બીજો કે શંભાજી બીજાની જેમ જ્યોતીન્દ્ર દવે બીજો ન જોઈએ, અમને તો ૨.બો. પહેલો જોઈએ, સાગરનો સગુણ એ છે કે તમે તેમના લખાણ વિશે ગમે તે (અથવા તો તેમને ન ગમે તે) કહો, તે ક્યારેય પ્રતિવાદ નહિ કરે. “મરક મરક” પુસ્તકમાં પત્નીને પ્રાધાન્ય આપતા ઘણા ઉલ્લેખો આવે છે. એટલે આની મજાક કરતાં મેં લખેલું કે ભાઈ બોરીસાગર, વહુ તો વાઘનેય વ્હાલી હોય, પણ એથી કંઈ તેને આપણી કલમની ટૉક પર કસ્તરની જેમ ચોંટી જવા ન દેવાય. સાગરને આવી સલાહ આપનાર વિનોદ ભટ્ટ તો પોતાના પહેલા જ પુસ્તકનું નામ “પહેલું સુખ તે મૂંગી નાર” રાખ્યું હતું. (સમરથકો ન દોષ ગુંસાઈ !)

   ભદ્રંભદ્રનું પુનરાગમન કરાવી તેમણે તેની અતિ સુંદર પેરડી કરી છે. નર્મદાના પ્રશ્નને આવરી લઈને રમણભાઈ નીલકંઠના ભદ્રંભદ્રને તેમણે પુનર્જિવિત કર્યો છે. રમણભાઈ નીલકંઠ હયાત હોત તો જ્યોતીન્દ્ર દવેની માફક તેમણે પણ સાગરનું ભાષાકર્મ જોઈ તેમને પત્ર લખ્યો હોત કે આ પુસ્તક પણ મેં જ લખ્યું હોય એવું મને કેમ લાગ્યા કરે છે! મારી શૈલીની તમે આ વિનોદમય નકલ કરી છે. આ પુસ્તક મેં લખ્યું હોત તો મને ભદ્રંભદ્ર લખ્યા જેટલો જ આનંદ થાત. ખેર !

   દુર્ભાગ્યે સાગરના આ પુસ્તકને મળવી જોઈએ એટલી પ્રતિષ્ઠા મળી શકી નથી. તેનું કારણ અંગત રીતે મને એ લાગે છે કે પેરડી દ્વારા મૂળ કૃતિનાં ગાંભીર્યની હાસ્યમય નકલ દ્વારા હાસ્ય સર્જવામાં આવે છે, મોટા ભાગે ગંભીર કૃતિની જ પેરડી કરવામાં આવે છે. કવિ ખબરદારે “મોટાલાલ”ના ઉપનામથી નાનાલાલનાં કાવ્યોની પેરડી કરી હતી, જેમાં તેમણે નાનાલાલની દીર્ઘસૂત્રી શબ્દાળુ, આડંબરયુક્ત ને અલંકારોની ભરમારવાળી શૈલી પર વ્યંગ કર્યો છે, અને નાનાલાલની શૈલી ખબરદારે આત્મસાત્ કરી હોવાથી તે નાનાલાલની શૈલીની વિડંબના અદ્ભુત રીતે કરી શક્યા છે. જ્યારે પ્રતિકૃતિ માટેની મૂળ કૃતિની પસંદગી કરવામાં સાગર થાપ ખાઈ ગયા છે. સ્ટીફન લીકો કે પેરડીને પરોપજીવી ગણાવી છે, પણ મારી સમજ પ્રમાણે હાસ્યરસિક કૃતિની પેરડી સફળ થઈ શકતી નથી. આમ તો “ભદ્રંભદ્ર” પોતે જ સનાતનીઓનાં વાણી-વ્યવહારની પેરડી છે. પેરડીની પેરડી કરાય? બાકી ખબરદારની જેમ સાગરે પણ ભદ્રંભદ્રની શૈલી આત્મસાત્ કરી હોવા છતાં એક સુંદર પેરડી લેખે તે વિવેચકોનું ખાસ ધ્યાન ખેંચી શકી નહિ. મારા મતે સાગરના બન્ને પૂર્વસૂરિઓ- રમણભાઈ નીલકંઠ અને જ્યોતીન્દ્ર દવે તેમને નડ્યા.
*****
   પણ આપણને - ખાસ તો મારે જે જોઈતો હતો એ સર્જક: રતિલાલ બોરીસાગર મને “એન્જોયગ્રાફી'માં મળી ગયો છે. આ પુસ્તકમાં જે કંઈ છે તે સઘળું તેમનું જ છે. પોતાની એન્યો“યગ્રાફીને તેમણે એન્જોયગ્રાફીમાં ઢાળી છે અને એ દ્વારા હૉરેસ વૉલપોલના કથનને સાચું પાડ્યું છે. વૉલપૉલ તેમનો સદાય ઋણી રહેશે, તેણે કહ્યું છેઃ “The world is a comedy to those that think, a tragedy to those that feel.” પોતાની માંદગીના પ્રભાવ હેઠળ આવીને તેમણે આ સળંગ હાસ્યપૂર્ણ પુસ્તક લખ્યું છે, આપણા હાસ્યલેખકોમાંના લગભગ ચારેક લેખકો એવા છે જેમને તેમની માંદગી ફળી છે. આ માંદગીએ તેમને લેખન માટેની કાચી સામગ્રી પૂરી પાડી છે. રમણભાઈ નીલકંઠ માંદા રહેતા, પણ હાસ્યરસના લખાણ માટે તેઓ માંદગીને એમ્પ્લોઈટ કરી શકેલા નહિ. જ્યોતીન્દ્ર દવેને તંદુરસ્ત હાસ્ય પીરસવામાં તેમની માંદગી ઘણી કામમાં આવી. તેમનું સાંઠીકડા જેવું શરીર હાસ્યની વિભાવના બની ગયું હતું. તે કહેતા કે ચોમાસામાં તે છત્રી લીધા વગર બહાર જાય છે છતાં સહેજ પણ પલળતા નથી. તે એટલા બધા પાતળા છે કે વરસાદનાં બે ફોરાંની વચ્ચેથી કોરાધાકોર નીકળી જાય છે ! શરીરને કેન્દ્ર બનાવી પોતાની જાત પર તે ઘણું હસ્યા છે. આ ઘણું કઠિન કામ છે. જ્યોતીન્દ્રએ અન્ય હાસ્યલેખકોને પોતાની જાત પર હસતાં શીખવ્યું.

   ધનસુખલાલ મહેતાએ તો અનેક પરેશાનીઓ તથા દવાઓની બાટલીઓ વચ્ચે જીવન જીવી નાખેલું. હૃદયરોગના લગભગ પાંચેક હુમલા આવેલા, જે તેમણે મારી હટાવેલા. પ્રથમ પત્ની લગ્નનાં ત્રણેક વર્ષમાં અવસાન પામી. બીજી પત્ની લગ્ન પછીનાં પાંચ જ વર્ષમાં માનસિક સમતુલા ગુમાવી બેઠી. ધનસુખલાલને જોયા નથી કે રોષથી હાથમાંની ચીજ તેમના પર ફેંકી નથી ! કેચ કરવામાં ચૂકી જવાય તો વાગી બેસે. આ ગાંડપણ એટલી હદે વધી ગયું કે તેમને પાગલખાનામાં ખસેડવાં પડ્યાં. દર શનિવારે ધત્તુભાઈ તેમને મેન્ટલ હોસ્પિટલમાં મળવા જાય, સાથે નાસ્તો પણ લેતા જાય. એક વખત જ્યોતીન્દ્ર દવેએ તેમને પૂછ્યું : “તમને તમારાં પત્ની ઓળખી શકે છે ખરાં?” “અરે, બરાબરનો ઓળખે છે.”ધત્તુભાઈએ લાક્ષણિક હાસ્ય વેરતાં જવાબ આપ્યો : “મને જુએ છે એટલે દોડતી સામે આવે છે ને જે કંઈ હાથમાં આવે છે એ મારા પર છૂટું ફેંકવા માંડે છે.” ધત્તુભાઈએ ભરપુર માંદગી ભોગવી, પણ માંદગી પર તેમણે કશું લખ્યું નહિ.

   પણ આપણા સાગરને આ બાબતમાં હું ઘણા નસીબદાર લેખું છું. તમના હૃદય પર થયેલ એન્જ્યોયગ્રાફી પર હાસ્યરસનું એક સળંગ સુંદર પુસ્તક તે લખી શક્યા. હૃદયની બીમારી જ આમ તો એટલી ગંભીર છે કે માણસ હસવાનું ભૂલી જાય, મોટેથી હસવા જતાં ક્યાંક હૃદયમાં દુખશે એવી ભકિ પણ તેને લાગે. અરે, શરદી જેવી સાધારણ તકલીફ પણ દરદીને બેચેન બનાવી દે છે. જ્યારે સાગરે હળવાશથી ને વચ્ચે વચ્ચે ખડખડાટ હસાવતાં પોતાની આ દાસ્તાને દિલ આલેખી છે. હૃદય પર આમ તો કોઈ કવિ કવિતા લખવા પ્રેરાય, પણ સાગરે એ હૃદયને હાસ્યનો વિષય બનાવ્યો છે. એન્જ્યૉગ્રાફી', એન્જ્યોપ્લાસ્ટ અને બાયપાસ સર્જરી આજકાલ સ્ટેટસ સિમ્બોલ થઈ ગયાં છે. ધનિક વર્ગ આનું વર્ણન ઉત્સાહથી બધાંને કરે છે એમાંય અમેરિકા કે જર્મની જઈને બાયપાસ કરાવી હોય તો તેની વાત દરદી સગર્વ કહેતો હોય છે. સાગરને આ વાત કેટલી અભિપ્રેત છે એની મને ખબર નથી, પણ તેમના લખ્યા પ્રમાણે બીમારી કરતાં ય વધારે રસ તેમને એ કારણે મળતા દીર્ઘ આરામમાં છે. તેમને છાતીમાં દુખાવો થાય છે એટલે તે રાજી થાય છે કે ચાલો, હાર્ટ અટેક આવ્યો, હવે પૂરતો આરામ મળશે, ડૉક્ટરો શરૂઆતમાં તેમના ચેસ્ટ-પેઈનને સાધારણ મસલ-પેઈન ગણી-ગણાવી નિરાશ કરે છે. ત્યાં વળી તેમના સભાગ્યે (!) પ્રસન્ન થવા જેવી બીમારી ડૉક્ટરને જડે છે. પણ ત્યાર પહેલાં ડૉક્ટરોએ તેમને પૂછેલ પ્રશ્ન કરતાં તેમણે આપેલ ઉત્તરોથી ડૉક્ટરો મૂંઝાઈ જાય છે. ઉ.ત. ડૉક્ટર પૂછે છેઃ “છાતીમાં દુખ્યું ત્યારે પરસેવો વળ્યો હતો?” આના જવાબમાં તે કહે છે: “પરસેવો તો મને છાતીમાં નથી દુખતું ત્યારેય વળતો હોય છે.” છાતીના દુખાવા અંગે અન્ય ડૉક્ટર સાથેનો સંવાદ :  
   “તમે પરિશ્રમ કરો છો ત્યારે જ દુખે છે કે આરામ કરતા હો ત્યારે પણ દુખે છે?”
   “પરિશ્રમ તો હું ખાસ કરતો જ નથી.”
   “આ સારું ચિહન ન ગણાય.”
   “પરિશ્રમ નથી કરતો એ?”
   “ના, આરામ કરતા હો ત્યારેય દુખે એ ગંભીર બાબત ગણાય.”
***
   બીજે દિવસે ડૉક્ટરનો ફોન આવ્યો: “રિપોર્ટ પોઝિટિવ છે.”
   “તો તો બહુ સારું, સાહેબ !” હું એકદમ હરખાઈ ગયો.
   “શું બહુ સારું?” ડોક્ટરે મૂંઝાઈને પૂછ્યું.
   “કેમ? તમે કહ્યું ને, કે રિપોર્ટ પોઝિટિવ છે. રિપોર્ટ પોઝિટિવ હોય એ સારું જ ને?'
   “તમે સમજ્યા નથી. મેડિકલ ફિલ્ડમાં રિપોર્ટ નેગેટિવ આવે તે સારું કહેવાય. રિપોર્ટ પોઝિટિવ હોય તેનો અર્થ એ કે રોગની હાજરી છે.'

   ‘પોઝિટિવ’ એટલે સારું અને ‘નેગેટિવ' એટલે ખરાબ એવું મેં અનેક આધ્યાત્મિક લેખોમાં વાંચ્યું છે. જીવનમાં પૉઝિટિવ વલણ દાખવવાનો ઘણો મહિમા છે. માતાપિતા, શિક્ષકો, વડીલો, હિતેચ્છુઓ – સૌ આપણે નાનાં હોઈએ ત્યારથી પૉઝિટિવ વલણ કેળવવાની સલાહ આપતા રહે છે. આ ડૉક્ટર પણ મારા સ્નેહી ને પરમ હિતેચ્છુ છે. ને છતાં, મારું હૃદય પોઝિટિવ લક્ષણો બતાવી રહ્યું હતું એ સારું ન કહેવાય એમ કહેતા હતા ! ‘પૉઝિટિવ' એટલે ખરાબ અને નેગેટિવ એટલે સારું એવું હું જીવનમાં પહેલી જ વાર સાંભળી રહ્યો હતો...”

   ગોવર્ધનરામનું ‘સરસ્વતીચન્દ્ર’, કાન્તનું ખંડ-કાવ્ય ‘વસંતવિજય'; મેઘાણી, સુન્દરમ વગેરે પરનો તેમનો ઊંડો અભ્યાસ અહીં ઠેર ઠેર ડોકાય છે. અલબત્ત, આ સામગ્રીનો ઉપયોગ તેમણે હાસ્ય-વિનોદ નિષ્પન્ન કરવા માટે જ કર્યો છે એમ કહેવાની ભાગ્યે જ જરૂર પડશે. ગંભીર માંદગીને હળવી નજરે ચીતરનાર સાગરના પુસ્તકના જેવું આ પ્રકારનું કોઈ પુસ્તક અગાઉ વાંચવામાં આવ્યું નથી. એ અર્થમાં ‘એન્જોયગ્રાફી’ અ-પૂર્વ પુસ્તક કહેવાય. સાગરનું હાસ્ય નિર્મળ, નિર્દશ, ઠાવકું અને સુરુચિપૂર્ણ છે. એક ભાવક તરીકે આ પુસ્તક મેં મોજથી માણ્યું છે. ગુજરાતી હાસ્ય-સાહિત્યમાં આ પુસ્તક દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ પુસ્તક તેમને ઘણો યશ અપાવશે એમ હું દૃઢપણે માનું છું, પુસ્તકને આવકારું છું, અને રતિલાલ બોરીસાગરને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
તા. ૫, ઑગસ્ટ, ૧૯૯૭
અમદાવાદ
– વિનોદ ભટ્ટ


0 comments


Leave comment