11 - ભાગ – ૧૧ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


   નાહીધોઈ પરવાર્યો; છાપું વાચ્યું ત્યાં ચા અને નાસ્તો હાજર ! ચા-નાસ્તાને ન્યાય અપાઈ રહ્યો હતો ત્યાં એક બાળા આવી; કહે, “સર ! વેજિટેરિઅન કે નોનવેજ ?” અહીં એક વાત મારા ધ્યાનમાં ખાસ આવી – બધી બાલિકાઓ અત્યંત માનપૂર્વક મને ‘સર' કહીને બોલાવતી હતી ! અમદાવાદમાં આ જ ઉંમરની બાલિકાઓ મને ‘કાકા’ કહીને સંબોધે છે ! યુવાન બાળાઓ મને ‘કાકા’ કહીને સંબોધે છે ત્યારે મારા હૃદયને જે તીવ્ર આઘાત પહોચે છે એનું વર્ણન કરવા મહાકવિની લેખિની પણ સમર્થ નથી, આ બાલિકાઓ તો મને ‘અંકલ' પણ નહિ ‘સર' કહીને બોલાવે છે. (કદાચ એનો ચાર્જ પણ આ લોકોએ ગણી લીધો હોય એમ બને, પણ તોય આ સંબોધન મોંઘુ ન ગણાય.) અંગ્રેજશાસન દરમિયાન ‘સર’નો ઇલકાબ પામી ભારતીય નાગરિકોને જે આનંદ થતો તેવો જ, કંઈક તેથી પણ વધારે આનંદ આ બાલિકાઓ દ્વારા થતા ‘સર’ સંબોધનથી મને થતો હતો. એ બાળાને મેં કહ્યું, “વેજિટેરિઅન.” અને પછી ઉમેર્યું : “સ્ટ્રીક્ટલી વેજિટેરિઅન !” એ હસી ને ગઈ. મેં જોયું કે અહીંની બધી નર્સ ટીવીનાં એનાઉન્સરિકાની જેમ અમથુંઅમથું બહુ હસ્યા કરે છે. (એકવાર રસાકસીભરી ક્રિકેટમેચ રુકાવટને કારણે થોડી વાર બતાવી ન શકાઈ તો એનાઉન્સરિકાએ એ અંગેનો ખેદ પણ સ્મિત કરતાંકરતાં પ્રગટ કર્યો હતો !) પેલી બાલિકા ‘સ્ટ્રીક્ટલી વેજિટેરિઅન' એમ કહ્યું એમાં ‘સ્ટ્રીક્ટલી’ શબ્દને કારણે પણ કદાચ હસી હોય. કોઈ માણસ વેજિટેરિઅન છે કે નોન વેજિટેરિઅન એના આધારે હું એનું મૂલ્યાંકન કરતો નથી, પણ આ અંગેની મારી રુચિ એટલી બધી આળી છે કે શબ્દકોશમાં ‘ઈંડું’ શબ્દની જોડણી જોવાથી પણ મને મોળ આવવા માંડે છે ! મારી વીસ-બાવીસ વર્ષની ઉંમરે (મારી જન્મતારીખ : ૩૧-૮-૧૯૩૮-મારી ષષ્ટિપૂર્તિ ઊજવવા માગતા મિત્રોની જાણ ખાતર.) મારા એક મિત્રે શરીર સારું કરવા માટે ઇંડાં ખાવા ઉશ્કેરેલો – ગાંધીજીને એમના એક મિત્રે માંસાહાર કરવાથી શરીર બળવાન બને છે, અને દેશસેવા માટે શરીર બળવાન હોય એ જરૂરી છે એમ સમજાવેલું – એ રીતે. (દરેક મહાપુરુષને આવી સલાહ મળતી હશે એમ લાગે છે.) એ વખતે અમે ત્રણચાર મિત્રો ઇન્ટર આર્ટ્સની પરીક્ષા એકલવ્ય મેથડથી (એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે) આપવાના હતા. અને એક રૂમ ભાડે રાખી સાથે વાંચતા હતા. અમારા બધા વચ્ચે અદ્ભુત રીતે એક સામ્ય હતું – અમારાં બધાંનાં શરીર અત્યંત દુર્બળ હતાં. મારાથી તો ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર' નવલકથાના ચાર ભાગ પણ એકસાથે ઉપાડી શકાતા નહોતા, પણ ઈંડાનું સેવન કર્યા પછી ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી લેવા જેટલો બળવાન બની જઈશ એવી મને આશા હતી. દરેક મિત્રને ભાગે એકએક ઈંડું આવે એ રીતે અમે એક રાત્રે ચાર ઈંડાં લઈ આવ્યા. સવારે દૂધમાં નાખીને એકએક ઈંડું પી જવાની અમારી યોજના હતી. મેં તો ઈંડું લીધા પછી બે કલાકે વજન કરાવી જોવાનું આયોજન પણ કર્યું હતું. પણ તે રાતે મને ઊંઘ ન આવી. મારા દાદા અને વડદાદા પાકા વૈષ્ણવ મરજાદી હતા-મારાં માતાપિતા પણ ચુસ્ત વૈષ્ણવ !- અને છતાં આ વૈષ્ણવપુત્ર આવતી કાલે ઈંડાંનું સેવન કરવાનો હતો ! મને ઊંઘ ન આવી.- જેવીતેવી આવી એમાં મારા દાદા સપનામાં આવ્યા. એમની આંખોમાં આંસુ જોઈ હું દ્રવી ગયો. મેં એમને આવતી કાલે સવારે (અને પછી ક્યારેય પણ) ઈંડું ન ખાવાનું પ્રૉમિસ આપ્યું. સવારે મિત્રોને મારા સ્વપ્રવચનની વાત કરી. મારા મિત્રોએ સપનામાં આપેલું પ્રૉમિસ પાળવાના મારા નિર્ણય અંગે મારી ઘણી મશ્કરી કરી, પણ મેં વચન પાળ્યું – કાયમ માટે પાળવાના નિશ્વય સાથે પાળ્યું એટલે ‘વેજિટેરિઅન’ બોલવાનું આવે છે ત્યારે મારાથી ‘સ્ટ્રીક્ટલી વિજિટેરિઅન’ એમ બોલી જ જવાય છે.

   થોડી વારે પૈડાંવાળી ખુરશી લઈ એક શખ્સ મારા રૂમમાં આવ્યો ને મને કહ્યું, “સર, પ્લીઝ સીટ” મને લાગ્યું કે આ બિચારો ભૂલથી અહીં આવી ચડ્યો છે, એટલે મેં પૂછ્યું, “વીચ નંબર?” એણે કહ્યું, “ફોર સીક્સ એઇટ.” નંબર તો મારા રૂમનો જ હતો એટલે પૈડાંવાળી ખુરશીમાં બેસવા એ મને જ આહવાન કરી રહ્યો હતો એમાં શંકા નહોતી. “કેમ?” મારાથી પુછાઈ ગયું. “કાર્ડિયોગ્રામ – એક્સ-રે” એણે સ્પષ્ટતા કરી. હું એવો પથારીવશ દર્દી નહોતો– મારા કરતાં તો એ બિચારાનું શરીર નબળું હતું– એ મને ખુરશીમાં બેસાડીને લઈ જાય એના કરતાં હું એને ખુરશીમાં બેસાડીને લઈ જાઉં એ માનવતાની દષ્ટિએ વધુ વાજબી હતું.– એમ કરવાની મારી તૈયારી પણ હતી – પણ હૉસ્પિટલની શિસ્ત એમ કરવા દે તેમ નહોતી.
 
   પૈડાંવાળી ખુરશીમાં હું આરૂઢ થયો. મારા ભાઈ હસ્યા. મારી શાહી સવારી ઊપડી. પૈડાંવાળી ખુરશીમાં લઈ જવાતા દર્દી પ્રત્યે સામાન્ય રીતે લોકો અનુકંપાથી જોતા હોય છે, પણ મારા તરફ સૌ કુતૂહલથી જોઈ રહ્યા હતા – અથવા કુતૂહલથી જોઈ રહ્યા હોવાનું મને લાગતું હતું. ફિલ્મોમાં રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચનને આવી વ્હીલ ચેરમાં લઈ જવાતા જોઈ મને હમેશાં એમની ઈર્ષા આવતી. આજે એવો વૈભવ હું માણી રહ્યો હતો.
****
   પહેલાં મારો કાર્ડિયોગ્રામ લેવાયો. અહીં પણ બાલિકાઓ જ હતી. સ્ત્રીના હાથે જીવનમાં પહેલી વાર મારો કાર્ડિયોગ્રામ લેવાવાનો હતો. આ કારણે કાર્ડિયોગ્રામ એબ્નોર્મલ આવે એવી શક્યતા હતી–એમ થાય તો મારી એન્જયોગ્રાફી અવશ્ય રખડી પડે એની મને ચિંતા થઈ. પરંતુ કશી દુર્ઘટના બની નહીં, હું ચિંતામુક્ત થયો.

   આ પછી મારા હૃદયનો એક્સ-રે લેવા મને લઈ જવાયો. એક બાલિકા મારા હૃદયની આરપાર જોઈ લેવા તત્પર થઈને ઊભી હતી.
   એક્સ-રે લેવા માટે લાકડાના એક સ્ટેન્ડના અર્ધ ગોળાકાર ભાગ પર ગરદન મૂકીને ઊભા રહેવાનું હતું. પ્રાચીન કાળમાં શિરચ્છેદ માટે આવી રીતે ગરદન રાખવામાં આવતી તે યાદ આવતાં હું ધ્રૂજી ગયો.

   એક્સ-રેની વિધિ પછી પાછો મને વ્હીલ ચેરમાં બેસાડી પૂરા ઠાઠથી. રૂમ નં ૪૬૮ ભણી હંકારી જવામાં આવ્યો. સંસદ ભવનમાંથી રાષ્ટ્રપતિભવન ભણી હંકારી જવાતા રાષ્ટ્રપતિના ઠાઠ કરતાં આ ઠાઠ થોડોક જ ઓછો હતો !
   હું રૂમ પર આવ્યો ત્યાં જ્યુસનો ગ્લાસ તૈયાર હતો. આ વૈભવ માણ્યા પછી ઘેર (જો જવાનું થશે તો) કેવી રીતે ફાવશે એની મને ચિંતા થઈ. .
(ક્રમશ .....)


0 comments


Leave comment