12 - ભાગ – ૧૨ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


   બપોર પછી ફરી એક પરિચારક વ્હીલ ચેર સાથે હાજર થયો, “સર! એક્સ-રે”
   “એક્સ-રે તો સવારે લેવાઈ ગયો.” મેં સ્પષ્ટતા કરી. એ બહાર ગયો ને નર્સને બોલાવી લાવ્યો. નર્સે સ્પષ્ટતા કરી : “સવારે તમારો એક્સ-રે આવ્યો નથી એટલે ફરી લેવાનો છે.”
   ‘મારે હૃદય જ ન હોય એવું તો નહીં હોય ને !' મને ચિંતા થઈ. મેં હૃદય પર હાથ મૂક્યો, ધબકારા અનુભવાયા એટલે રાહત થઈ.

   ફરી મારી શાહી સવારી ઊપડી અત્યારે એક્સરે રૂમ પાસે ઘણા દર્દીઓ પોતાનાં હૃદયની છબિ પડાવવા બેઠા હતા. “સર! વેઈટ હિઅર” કહી મારો પરિચારક મને છોડી અન્ય કોઈની શુશ્રૂષામાં પડ્યો. અન્ય ખુરશીપતિઓની જોડે હું પણ મારો ટર્ન આવવાની રાહ જોતો બેઠો. એક પરિચારક જે-તે દર્દીના નામની છડી પોકારતો હતો – નામ ઉપરાંત પણ કશુંક બોલતો હતો – અંગ્રેજીમાં બોલતો હતો એવું લાગતું હતું, પરંતુ એમાંથી નામ સિવાય કશું સમજાતું નહોતું- નામ પણ થોડા પ્રયત્નને અંતે જ સમજાતું હતું.

   “આ વખતે પણ મારા હૃદયનો એક્સ-રે નહીં આવે તો?” મને ચિંતા થવા માંડી. ચિંતા એટલે મારી ચિંતા નહીં - ડોકટરોની ચિતા. એક્સ-રે વગર તેઓ એન્યોપરગ્રાફી નહીં કરી શકે, એન્જ્યોગ્રાફી વગર નિદાન નહીં કરી શકે, ને નિદાન વગર આગળ શું કરવું તેની એમને સમજ નહીં પડે. આમ થશે તો આ સુપ્રતિષ્ઠિત હોસ્પિટલની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે એની મને ચિંતા થવા માંડી. બીજી બાજુ એક અદ્ભુત ચમત્કારની કથા મારા નામ સાથે જોડાય એવી શક્યતા ઊભી થવાના વિચારે રોમાંચ પણ થતો હતો. નિષ્ણાત ડોક્ટરવાળી આ અદ્યતન હોસ્પિટલમાં મારો એક્સ-રે પડી નહીં શકે તો આખી દુનિયામાં ચકચાર થઈ જશે. વર્લ્ડ લેવલના મોટા મોટા જર્નાલિસ્ટો મારો ઈન્ટર્વ્યૂ લેવા દોડી આવશે. જગતના નિષ્ણાત ડોક્ટરોને મારા કિસ્સામાં રસ પડશે - હું રાતોરાત વિશ્વવિખ્યાત થઈ જાઉં એવી શક્યતા ઊભી થઈ હતી. આમ બનશે જ એમ તો ન કહેવાય, પણ નહીં જ બને એમ પણ ન કહેવાય. સામાન્ય રીતે હું આશાવાદી અભિગમ ધરાવનારો માણસ છે. શુભ ઘટના નહીં બને એમ માનવા કરતાં બનશે એમ માનવાનું મને વધુ ગમે છે.

   ઘણી વાર થઈ તોપણ મારો વારો ન આવ્યો એટલે છડી પોકારી રહેલા પરિચારકને પૂછવા હું ઊભો થયો. મેં હજુ તો બેએક ડગલાં માંડ્યાં હશે ત્યાં એ સામેથી દોડતો આવ્યો ને મને કહેવા લાગ્યો, “સીટ ડઉન, સર ! સીટ ડાઉન !” મને ચાલતો જોઈ એ ગભરાઈ ગયો હોય એમ લાગ્યું. “નો – નો, સર ! સીટ ડાઉન, સર!” એ ફરી મને આર્જવભરી વિનવણી કરવા લાગ્યો. “આ હાર્ટ પેશન્ટ પરિશ્રમને કારણે અહીં જ કૉલેપ્સ થઈ જશે” એવી એને બીક લાગી હશે “હવે પછીનાં વર્ષોમાં – રહ્યાં વર્ષો તેમાં – આટલો પણ પરિશ્રમ લેતાં મને ડગલે ને પગલે રોકવામાં આવે તો કેવું સારું” – એવો વિચાર આવ્યો. “સબ કો સન્મતિ દે ભગવાન !” મેં ભગવાનને પ્રાર્થના કરી.

   “વૉટ સર ?” એણે મને પૂછ્યું. અથવા એણે આમ પૂછ્યું હોય એવું મને લાગ્યું.
   “માય ટર્ન?” મેં પૂછવું – નમ્રતાપૂર્વક પૂછ્યું ત્યાં તો એની વાક્ધારા સો કિલોમિટરની ઝડપે વહેવા માંડી. અમારી વચ્ચેનો સંવાદ અથવા વધુ ચોક્સાઈથી કહેવું હોય તો એની એકોકિત નીચે પ્રમાણે રજૂ કરી શકાય :
“ગૂંગણુંગૂં ગૂંગણુંગૂં ગૂંગણુંગૂં... ઓ.કે.?”
“! ! !.....”
(અર્થ: હું બાઘાની જેમ જોઈ રહ્યો.)
“ગંગણુંગૂં ગૂંગણુંગૂં ગૂંગણુંગૂં ... ઓ.કે.?”
“! ! !... ”
(અર્થ ઉપર મુજબ).
“ગૂંગણુંગૂં ગૂંગણુંગૂં ગૂંગણુંગૂં.... ઓ.કે.?”
   વાક્યને અંતે દરેક વખતે એ “ઓ.કે.?' એમ બોલતો હતો–બોલતો તો એ ઘણું તો પણ માત્ર “ઓ.કે?” એટલું સમજાતું હતું. એ ઓ.કે.?' બોલે એટલે એનું બોલવાનું સમાપ્ત થયું ને મારો બોલવાનો વારો આવ્યો એમ સમજાતું હતું, પરંતુ ઓ.કે. સિવાય કંઈ સમજાય તો જવાબ આપું ને! આખરે મને લાગ્યું કે હું ઓ.કે. નહીં કહું ત્યાં સુધી એની વાકધારા અસ્ખલિત પણે વહેતી રહેશે, એટલે ત્રીજી વાર “ઓ.કે.?” આવ્યું કે મેં પણ “ઓ.કે.” એમ કહી દીધું. મને સારી રીતે સમજાવ્યાના સંતોષ સાથે એ પાછો ફર્યો.

   થોડી વારે મારા નામની ઘોષણા થઈ. ઘોષણા તો ‘બનસાગર’ એ રીતે થઈ, પણ મારો જ વારો આવ્યો હશે એમ માની મેં હાથ ઊંચો કર્યો. મારો હાથ ઊંચો થયેલો જોઈ પરિચારક મારી પાસે આવ્યો. “બનસાગર નહીં બોરીસાગર” એવી સ્પષ્ટતા મેં કરી, એટલું જ નહીં, ‘બોરીસાગર' અટક કેવી રીતે પડી, મૂળ “બોરીચાગોર' અટકનાં કેવાં કેવાં રૂપાન્તરો થયાં, આ અટકના ઉચ્ચારણમાં લોકો કેવી કેવી ભૂલો કરે છે, ‘બોરીસાગર'મારું નામ છે કે અટક – એ પ્રશ્ન લોકો કેવા ગૂંચવાય છે એ બધી વિગતોથી એને વાકેફ કરવાની મારી ભાવના હતી, મેં શરૂઆત પણ કરી, પણ એણે તરત જ “ઓ.કે.” એમ કહી દીધું એટલે ભાષાશાસ્ત્રની એક અજોડ ઘટનાથી એ અજ્ઞાત રહી ગયો. કોઈ સીમંતિનીને પગલાં ભરાવે એવી નાજુકતાથી એ મને એક્સ-રે રૂમમાં દોરી ગયો.

   રૂમમાં જઈને મેં જોયું તો એક્સ-રે લેવા માટે કોઈ પુરુષ હતો. એકદમ મને વિચાર આવ્યો કે સવારે સ્ત્રી ટેકનિશિયને મારો એક્સ-રે લીધો હતો એટલે કદાચ એને જોઈને મારું હૃદય સંકોચાઈ ગયું હોય અને એ કારણે પ્રિન્ટ ન નીકળી હોય એ બનવાજોગ છે. એ ભય ટળી ગયો છે નિરાંત થઈ.

   અગાઉની માફક જ શિરચ્છેદનના વિધિ જેવો વિધિ કરાવી મારો એક્સ-રે લેવામાં આવ્યો. એક્સ-રેનો વિધિ પૂરો કરી હું બહાર આવ્યો, બહાર આવીને મેં જોયું તો મારા મયૂરાસન પર એક સજ્જન ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા ! હું જ્યારે ખુરશી પર બિરાજમાન હતો ત્યારે આ સજ્જનને મેં મારી બાજુમાં ઊભેલા જોયા હતા. એ સજ્જન અત્યારે નસકોરાં બોલાવી રહ્યા હતા. મને રાતના મોડે સુધી ઊંઘ આવતી નથી હોતી ને આ સજ્જન સમીસાંજના સમિયાણામાં નસકોરાં ઢબૂકાવી રહ્યા છે ! મને ખરે જ એમની ઈર્ષા આવી. આ દુર્ઘટના તરફ મેં શ્રીમાન ગૂંગણુંગૂનું ધ્યાન દોર્યું. એણે તરત જ “ગૂંગણુંગૂં... ગૂંગણુંગૂં.. ઓ.કે.?” કહ્યું. એના ગૂંગણુંગૂના બૉમ્બમારાથી બચવા મેં પહેલા જ વાક્યે “ઓ.કે.” કહી દીધું. અનપેક્ષિત તબક્કે “ઓ.કે.' આવી જતાં એ મૂંઝાયો. એને મૂંઝાયેલો જોઈ હું વધુ મૂંઝાયો. આખરે એણે પેલા નિદ્રાધીન મનુષ્યને જગાડવા પ્રયત્ન કર્યો. પેલો આમતેમ સહેજ હલ્યો પણ ખરો. પણ એનામાં પૂર્ણજાગૃતિનો કોઈ ચિહ્નો જણાયાં નહીં, કોઈને ઊંધાવા માટે કેટલીય જાતની દવાઓ અને ઈંજેક્ષનો આ હૉસ્પિટલમાં સુલભ હશે પણ કોઈને જગાડવા માટે કોઈ દવા આવતી નહીં હોય એમ શ્રીમાન ગૂંગણુંગૂની લાચારી પરથી લાગતું હતું.

   પેલાને ઢંઢોળવાનો વૃથા પ્રયત્ન પડતો મૂકીને શ્રીમાન ગૂંગણુંગૂંએ બધા દર્દીઓને સંબોધીને કહ્યું, “ગૂંગણુંગૂં... ગૂંગણુંગૂ... આ.કે.?” મારા સહિત ચારપાંચ જણ “ઓ.કે.” એમ બોલી ગયા. એમાંનું કોઈ એની વાતમાં કશું સમજયુ હોય એ શક્ય નહોતું પરંતુ એનું સંબોધન એટલુ પ્રભાવક હતું કે સાંભળનારાઓ એના “ઓ.કે. ?' વાળા પ્રશ્નનો પડઘો પાડ્યા વગર રહી શક્યા નહીં. આ દરમિયાન દૂર ખૂણામાંથી એક દર્દી નિર્બળ અવાજે કંઈ બોલી રહ્યો હોય એવું લાગ્યું. એટલે પેલા શ્રીમાન ગૂંગણુંગૂં એના તરફ દોડી ગયા અને વ્હીલ ચેર સાથે પેલા દર્દીને આ નિદ્રાધીન મનુષ્યની સમીપમાં લઇ આવ્યા. એ માણસે ચોખ્ખા અંગ્રેજીમાં સમજાવ્યું કે “આ સૂતેલા સજ્જન મારા એટેન્ડન્ટ છે. મારા એક્સ-રે માટે રાહ જોઈજોઈને એ થાકી ગયા હતા એટલે જેવા આ ભાઈ અંદર ગયા કે એ એમની ખુરશીમાં બેસી ગયા ને ઊંધી ગયા. તેઓની નોકરી હંમેશ માટે રાતપાળીની હોય છે એટલે એમને માટે રાત્રે જાગવાનું સહેલું છે, પણ દિવસે એ જાગી શકતા નથી કે જલદી એમને જગાડી પણ શકાતા નથી છતાં તમે પ્રયત્ન કરો. મારી શુભેચ્છાઓ છે!” આ સાંભળી મેં કહ્યું, “હું ચાલીને મારા રૂમમાં જતો રહીશ – એમને જગાડવાની જરૂર નથી.” સ્વાશ્રય માટેનો મારો ઉત્સાહ જોઈ રાજી થવાને બદલે શ્રીમાન ગૂંગણુંગૂં ગભરાઈ ગયા. એણે કહ્યું, “ગૂંગણુંગું... ગૂંગણુંગૂં... ગૂંગણુંગૂં..... નો–ઓ.કે.?” આ વખતે ઓ.કે. ઉપરાંત “નો” એવું પણ સંભળાયું. વળી, એના હાવભાવ પરથી પણ મારે ચાલીને જવાનું નથી એમ સમજાતું હતું. આ માણસ ઓ.કે. બોલાવ્યા વગર કોઈને છોડતો નથી એનો મને ખ્યાલ આવી ગયો હતો એટલે મેં તરત જ “ઓ.કે.' કહી દીધું.

   આખરે મહામહેનતે પેલા સજ્જનને જગાડવામાં સફળતા મળી. જાગ્યા પછી પણ એને આ જગતનો સ્પર્શ થવામાં થોડો સમય ગયો. આખરે એ શ્રીમાન ખુરશીમાંથી ઊભા થયા ને હું ખુરશીમાં બેઠો.

   ફરી એ જ ઠાઠથી મારી શાહી સવારી રૂમ નંબર ૪૬૮ પર પાછી ફરી.
(ક્રમશ .....)


0 comments


Leave comment