52 - દિવસો રે……. / શ્યામ સાધુ


ચૂકી જવાય છે
જાંબુડી હવાઓની નજાકત.
દિવસો રે.....
તમારું વલણ કેમ થતું નથી ઋજુ ?
કેમ ખટક્યા કરે છે તમને
મારી મધુમાસી મસૃણતાઓ?
ક્યારેક
મારા ગુલમહોરી અભિગમો
ભૂલા પડે છે
અહીંના શહેરોમાં
ત્યારે જ તમે
કેમ પહેરી લો છો
ઇન્દ્રધનુષી પતંગિયાઓની જીદ?
ત્યારે જ તમે
કેમ દોરી લો છો
મારી અનુભૂતિઓને ધુમ્મસિયા એકાંતે?
કહો
કહો રે....
શું નહીં જ કરે ઉડ્ડયન
કલરવની મિરાત
મારે ગગન?
બંધુઓ ! કૃપા કરો,
મારી મેના જેવી જિજિવિષાને
ના રંજાડો.
આવો, આપો આશિર્વાદ મને
સાતમી ઋતુની સવાર સમા !
જુઓ
મને મળવાના શબ્દનો મહિમા
લખે સાંજ
મારા ઘરની ભીંતો પર ....
જુઓ
સૂર્ય શોધે મારા શબ્દમાં
એના ઢળી જવાનો અર્થ.
શ્વેત મહાપુરુષો !
મને કૃતાર્થ કરો
તમારું શુભ ચિંતન કરું છું....

તમે યયાતિ કે હું.....
તમે ભાંગી ગયેલા
અરિસાના કકડા ભેગા કરી
નક્કી નહીં કરી શકો
ગયા જનમમાં યયાતિ હતા એવું.
તમે તો ભઈલા
મેંદીની વાળ પાછળ ફ્રોઈડ વાંચનારા છો,
સડકો વચ્ચે સ્મારકો
ખડાં કરી
હસનારા છો.... ખી ખી !
अहं ब्रह्मास्मि બોલનારા તમારા પૂર્વજો
દિગ્વિજય કરવા નીકળેલા
ત્યારે ય
તમે કવિ શ્રી કાલીદાસનો મંદાક્રાંતા ક્યાં
આકંઠ નહોતો પીતા ?
ક્યાં નહોતા સમજતા
દર્ભ અને ગર્ભનો ભેદ ત્યારેય.....

આજે હવે તમે તમારાં પીળાં મકાનોમાં
ટાંગ્યા છે શાહમૃગોનાં ચિત્રો
ટેબલ-ક્લોથો પર કંડાર્યા છે
હબસીઓનાં પ્રેમ ગીતો
પણ...
ઘઉંવર્ણા ચહેરા અને ઘાટીલાં નાકવાળા
તમારા પૂર્વજો
ગંગાની પેલી પારથી અહીં આવી વસ્યા
ત્યારે આટલાં બધાં
કુષ્માંડો નહોતાં ઊગતાં અહીં.
કૈ નહોતાં ઠેર ઠેર
બે જ બાળકો બસ છે એવાં આંકડિયાં બોર્ડ ખોડેલાં.
આજે તો હવે
આ તમારા કાચનાં શહેરોમાં
ઘોડાની નાલ જેવી શેરીઓ બનાવી
તમે ઉધાર ખાધેલી માછલીનાં બિલ ચૂકવો છો
અથવા
વાંચો છો રસપૂર્વક સર્વ સુખદા વીંટીની જાહેર ખબરો
હું પૂછું છું :
આ બધું જોઇને તમે કોઈ વાર
સંગ્રહસ્થાનમાં ઉચ્ચારેલું તમારું સત્ય
ઓશિયાળું બની
અવકાશને તાકી નહીં રહેતું હોય ?
નહીં હિબકાં ભરતું હોય બોધિવૃક્ષને છાંયે?
તમેય જાણો છો
શહેરો બંદૂકની નાળ વડે નથી વસાવી શકાતાં કે નથી
કશોય સંભવ લોહીયાળ ક્રાંતિનો વર્ધામાં.
તેમ છતાં
તમે લાલ-પીળા વાવટાઓનાં
ટોળાં ભેગા કરી
કરો છો સત્યનારાયણની કથાઓ
તમારા મિલનાં ભૂંગળા નીચે
‘ને વહેંચો છો પ્રસાદ
તમે ગોળ-કેળાંનો.

ભઈલા, વહેંચીને પ્રસાદ
તમે તો ભક્ત બનો છો,
રૂડાં તિલક કરીને ભાલે
નરસૈંયાની જેમ હરિનાં ભજન કરો છો.
પણ....
તમે તો વેપારી છો
અસ્સલ કંકુના નામે
વેચો છો
લાલ લાલ મટોડી !
સાચું કહું તો
ડંકી તરસ્યો ડૂબી મૂઓ રે નદીએ જઈને.....
અરેરે ! અસ્સલ એવો ઘાટ તમારો.
ભોળાં બંધુ, કંઈક વિચારો
વિક્રમ સવંત પૂર્વે
અથવા
ભઈલા પહેલાં
ઝાંપો ખુલ્લો મૂકી સૂનારા
પૂર્વજ પ્યારા આપના રે...

ક્યારેય
બૈરૂતથી બિલિમોરા સુધી
નહોંતા પહોંચી શક્યાં
નહોતાં ભાળ્યાં નયણે એણે
પોલાદી પંખીને ઊડતાં,
તો પછી
તમે તમારાં શહેરોમાં
ઝૂલતા પુલો બાંધવાનું માંડી વાળી
આ ગંદા વસવાટોમાં જન્મેલાં
પેલાં શિશુઓનું નામ
અમદાવાદ
હોનોલુલુ
કે પાડો લેનિનગ્રાડ!
દાદુ કરો પુણ્યનાં કામ.
પણ..
તમે કામ બામ નહીં કરો
નામે નહીં પાડો મગનું
ભારે પાક્કા છો તમે.

કેવળ રસ છે તમને
શ્રી કૃષ્ણ શરણં મમ કહી ગેડી-દડે રમવામાં
પસંદ છે તમને
ચોરેલાં માખણના ભાગીદાર થવાનું.
બળ્યું, તમારે શું?
કોઈ આવડ-ભાવડ ચીંધે કામ
કોઈ લાંબી-ટૂંકી લખે કવિતા
તમે તમારે દોસ્ત !
ખુશીથી વાંચ્યા કરો
એ.... ને ખી ખી કરો નિરાંતે.
ક્યારેક એતો હું જ જઈશ
પેલા રામરતન પાનવાળાની દુકાને
મજેદાર પાન ખાવા
‘ને ત્યારે મસાલેદાર પાન ખાતાં ખાતાં
જોઇશ એના અરિસામાં.... કે....
હું શ્યામ સાધુ જ છું ને....
પેલો યયાતિ તો નથી....


0 comments


Leave comment