28 - હતી તો સાવ પંગુ, પણ પવન થઈ ગઈ / શ્યામ સાધુ


હતી તો સાવ પંગુ, પણ પવન થઈ ગઈ,
નગરની વાત જંગલમાં હરણ થઈ ગઈ.

તમે છો કે છે આ મારો જ પડછાયો?
હું જાણું, વાત મૃગજળની તરસ થઈ ગઈ.

અહીં કૈં ફૂલને પાંખો નથી હોતી,
મહકની એટલે લાંબી સફર થઈ ગઈ.

તરાપો રાજીપાનો રણ મહીં રઝળે,
પરિચયની બધી નદીઓ ખડક થઈ ગઈ.

વિસામા આંધળાની જેમ શોધે છે,
કહે છે: આપણી વાતો સરસ થઈ ગઈ.


0 comments


Leave comment