56 - દંતકથા / શ્યામ સાધુ


અંતે
સમયના કિલ્લાઓમાં
સચવાઈ ગઈ
થોડી ક્ષણોમાં અનુભૂતિઓ.
સાંગોપાંગ નહીં તોય નહિવત્ ઝીલાયા
કાર્યના દર્પણે....
માટે
મારામાં રહેલા મારા ડાહ્યા ‘હું’
ડાહ્યો જ રહેજે.
પછી ભલે
કોઈ આર્યાવર્તનો કૃષ્ણ યાદ રહે કે ન રહે !
સાંભળ
એક દંતકથા છે :
પૂર્વે હું નામનો એક કૃતનિર્ણયી જણ
કોઈ એક ટહુકાથી ભરપૂર કિનારાવાળી
નદીનાં કાંઠે વસતો.
એ જણને કોઈવાર એકાંત કનડતું તો તે
ખુશ ખુશ થઇ જતો.

અને ખુશીનો માર્યો
નદીના જળમાં
પોતાના પગ બોળી સૂર્યની પ્રાર્થના કરતો
કહેતો : હે સૂર્ય !
તારું ઊગી જવું અમર રહો...
મને, મારા એકાંતને
બનાવી દે અપાર્થિવ અર્થ....
અને લગાતાર બેસી રહેતો,
સૂર્યના ઢળવા સુધી.
પછી તો કહે છે
એને ય મૃત્યુ નામનું મોજું ફરી વળ્યું
કેં કેટલાય
સમયના પોપડાં તૂટી ગયાં
અને કરોડો સૂર્ય
આવ્યા – ગયાં.....
રહી તો રહી
કેવળ
આ મેં તને કહી એ દંતકથા.

તો
હે મારા ડાહ્યા ‘હું’
આમ જ
કંઈ પણ આશય વગર
કંઈ પણ આયાસ વગર
તું તારી ભાષા નામની નદીમાં
તારા ‘હું’ના
પગ બોલી પ્રાર્થ્યા કરજે
તારા શબ્દ નામના સૂર્યને.
કહેજે :
હે શબ્દ સૂર્ય !
તારું ઊગવું અમર રહો....
મને, મારા એકાંતને
બનાવી દે
વ્યક્ત શબ્દ...
પાર્થિવ અર્થ.


0 comments


Leave comment