11 - પોલાણની પગદંડીએ / રાજેશ વણકર


   હવે આકાશ બારી જેવડું. એમાં આડા ઉભા સળિયા પણ જડેલા છે. નંબર ૧૦નું માથું જ્યારે ત્યાં આવે ત્યારે પણ આકાશ કદરૂપું બની જાય. કહો કે વધારે થાય. સૂર્યદવ ડોકાતા પાછા વળે. ને મેં એ આકાશમાંથી પસાર થતા વાદળોનો છેડો પકડીને ખેંચ્યો. પણ વોર્ડમાં આવતાં આવતાં એ ગંધાઈ ઉઠ્યો. એની ગંધ ભેરું ભળેલું એ વાદળ કોઈ નર્સના હોઠ બિડેલા ચહેરામાં ભળી ગયું ને પછી કર્કશ અવાજોથી આખુંય ઝાડ ભરીને કાગડાઓ કાન પાસે ધસી આવ્યા ત્યારે ગોદડા તળે મોં છુપાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો, ત્યાં જ ગોદડામાં ખૂંચતી એક તીવ્ર વાસ મારા મનની આસપાસ થઈને વર્ષો પહેલાં જોયેલા…. વિસ્ફારિત નેત્રોથી મને તરસી આંખે જોઈ રહેલા રણમાં ભળી ગઈ. રોટલીની પોપડી ઉખેડતાં અંદરનો વાળ ઉછળીને મારી નસની આસપાસ વિંટળાયો ત્યારે નર્સે સોય નહીં પણ આખોય બાટલો ક્યાંકથી ચામડી ઉંચી કરીને અંદર ઘૂસાડવાનો પ્રયત્ન કર્યો હોય એમ આકાશના ટુકડાઓ સાથે પાછો ટીંગાઈ ગયો. નંબર ૭ ધીરેથી ઉભો થયો પછી ચાલ્યો ધીમે ધીમે ડગલું માંડતો ગયો એમાં એના ટેબલ નીચે ટાલ, કેલેન્ડર, પાંદડા.... વગેરેમાં ઘડિયાળના કાંટા વાગે એમ વાગ્યા. પછી નવો આવેલો પલંગ નંબર સાત ખેતરનો ટુકડો ફોલતો બેઠો થયો. આવતાજતા બધાય ભેગા મળીને એ ટુકડામાંથી એક નહેર પસાર કરતા. પછી તેની આસપાસ જુદી જુદી પ્રકારના જાણીતા અજાણ્યા એવાં ફૂલો ખીલવીને તેમાં એક સાપ પસાર કરતા. પેલા માર્ગે ચોટલાને નેળિયા વાટે મોકલ્યો નેળિયું ખસતું જતું હતું. રજ રજ બનીને આર.સી.સી. રોડ બનતું. પછી તો અ-સંબંધ પ્લાસ્ટર થઈ ગયું ત્યારે તે માળો બાંધતા હતા તે જુઓને; નંબર પાંચની રંગીન ગોદડી જેવો અને પંખીઓ તો કંઈ ઉડાડવાની ચીજ છે ? તોય એ ઉડાડે ત્યારે ગોફણમાં આખુંય ખેતર ભરાવીને ઉછાળ્યું હોય એમ એમને હાંફ ચડી જતો ને પછી મોટાની સગાઈની વાતનેય એ ગોફણમાંથી ઘાલીને જ ઉડાડતા ને જમણવાર... મોહ્યરું... લાખોની લાડી લાયા રે.... ગોફણમાંથી પથરો છટકી ગયો... એ વળી પાછો નંબર આઠના માથામાં જઈને વાગ્યો. ત્યારે એ ખાતો હતો પેલો વાળ હવે ધીરે ધીરે તંગ થઈ રહ્યો હતો. નસો કપાશે ને પછી એમાંથી લોહી નીકળશે.... ના નીકળે ને... એમાંથી તો દરિયા... ખેતર... ઝાડો... પંખીઓ બધું ભેગું થઈને એક છોકરીની કીકીનું શબ નીકળે.... નેંકરવા દો એને અષાઢી દિવસોમાં વાવીશું પછી એમાંથી પપૈયા ઉગશે ને ત્યારે નજર ના લાગે એ માટે એક ચામડાનું ખાસડું થડમાં જ ઘુસાડી દઈશું. નાગા થઈને. સાવ ખેતરની વચ્ચેવચ્ચ એ ઉભો હશે ત્યારે વાતો ચીરીચીરીને થપ્પી મારીશું ને જીંદગી પસાર... કોઈનો સાંધો તુટ્યો કે શું? તોડવા માટે એ સાંધ્યોતો? પેલી નર્સના હોઠ પ્રસવ્યા ત્યાંથી પસાર થતી ટ્રેનની ચીસ ભળી ના ભળી ને ટ્રેનની મુસાફરી દરમિયાન ભરપેટ સૂંઘાતું કોઈ ફૂલ ચાવીને નાખ્યું. ફૂલો હવે ગંધાય છે આ વોર્ડમાં કઈ રીતે પ્રવેશી શકે ? એમનેય એક વ્યક્તિત્વની ભેટ પેલા કરામતિયાએ આપી છે. એ તો ઊંઝી જ્યો પણ દેતો જ્યોં ઓંને ફરવાનું, સડવાનું, રઝળવાનું ને મોત આવ્યા પહેલાં વારંવાર મળવાનું.... ‘બળદિયું રાખવું સે જો હારુ મલી જાય તો?’ એ તો જોને ચાર ધોરો ફરેલું સે ને વરી પોઈણ્યું. આ ગંધમાં બળદની ગંધ !!!’

   એક અવાજ ઉભો થશે પણ એવું ખાસ ના બન્યું. પક્ષીઓએ પોતું મારનારીને ઉડાડી મેલ્યા. ત્યારે ‘હું’ અને પંખીઓ છત પર બાઝેલાં જાળાંમાં અટવાઈ પડ્યાં. કેટલા વાગ્યા ? અલ્યા આ સેકન્ડ કાંટાને જ એક ખાટલો આલો. ને સિવિલમેં કંઈ પૈસા થવાના સે ? વાજ્યાને વાજ્યા હવારને બવાર જાણે હાંજ હાંજ તો હાંજ જ હોવી જોઈએ. મહેકતી મરતી શરમાતી શરમાતી આવે પછી પેલો ડાયલોગ બોલે ‘યે જિસ્મ તુમ્હારા હૈ' અને એને ધુમાડાઓથી ભરી દો તો તમને ક્યો કાંટો માફ કરે.... રાતભર ખળખળ ખળખળ ઉંહ ચુંહ ઉંહ ચુંહ ને દૂરથી આવતો સીમના શિયાળનો અવાજ ને કૂતરાનો પ્રતિસાદ ઝીણા તમરાની હયાતી. આ બધાય નંબર એક અને ખળભળાટ.... પા... પા ઓ ઓ ભો ઓ ઓ લખ લખું... હાઉ વાઉ નંબર બે.... ૧ અને ૨ નંબર આંબરા ખાય મહુડી નીચે. દેશી દારૂની ભઠ્ઠીમાંથી દારૂ ટપકતો હોય ત્યારે એને પીવા ઉછાળા મારતા દરિયાની ધાર પર ભીંડીના આંબરા ચડતા હોય એમ આ બેય આંબરા ખાતા ખાતા તૂટી જાય એટલામાં તો દુધ ને બિસ્કિટ, પેલો વાળ હવે હાથથી પલંગ લગી લાંબો થયો છે એને ગાંઠો નથી પણ ગંધ છે વોર્ડની ગંધથી થોડી જુદી ગંધ તેના પર સવાર છે. અને સગા તથા વહાલા એ બે શબ્દો કાતરથી કાપીને ઉછાળવા પડે તો એમાંથી ચળાઈને આવતી હવા જો નાકને સ્પર્શે ને તો લોહી ટપકે. એ ખરું પણ વોર્ડની ગંધથી તો આ બધું.... નેળિયામાં ગાડું ભરાય છે ત્યારે તો એને બહાર લાવવા અસોડાતોડ બળદો જોઈએ. આ સુવાસ થોડી હવે એને કાઢવાની હતી ? ધીમે ધીમે એને તો પાંદડાંને ડાળાં કપાવા માંડ્યા છે નવા ફુટે છે એ બધાં સાવ કાચાં એ કાઢે, ધારિયું પડે, કોઈ બકરીના મોંમાં બકરી એને આવે ત્યારે માણસની લાળ એને સમજી શકતી નથી આ થડ સૂકાવા માંડ્યું છે. થડને આ બારમો બાટલો ચડાવાઈ રહ્યો છે ચડી જવા દો એટલે પછી નવરા. પણ જાણો છો આ થડને જ્યાં સુધી વહેતું લોહી નહીં પિવડાવોને ત્યાં સુધી એ થડ એકે ડાળીનું નામ પાડશે નહીં. ચીસ... કોની હતી ?બારીમાંથી આવેલી ?

   વાદળાં ટકરાયાં ? હોય ભઈ, બને , જમોંનો સેકંડો પર સે. કોઈ તારાનો ઘાણ વળી ગયો હશે. વરસોની બુમો ગોધરા-વેજલપુર ગોધરા-વેજલપુર શું છે. આ બધું? ટુકડો રસ્તો તો ખાલી રહેવા દો નવો ને નવો.... નવું કશુંય નથી હોતું મારા ભાઈ.... ભઈ નહીં નામ કહો અને ફૂટતી કૂંપણ ખરી. હશે એની તીણી ચીસ પેલી હોર્ન ઉપર હોર્ન વાગે છે એટલે સંભળાશે નહીં ને ઈન્જેક્શનના મારથી –

   ઓહ.....
   નંબર ૬ વગર ટાઈમનો ઉભો થયો. અહ... આય ઘરણ વખતે જ હાપ કાઢે છે. પેલા ભઈ ધીરેધીરે પેશાબ કરો, ધીરે ધીરે ધસો, માણસ ધીરે ધીરે, નર્સની વાતો ધીરે ધીરે, દર્દી હાંભરે ધીરે ધીરે... ને આ કોણ લ્યા તારી પરુણીને નાતરે દઉં કોણ રમફાટ્ય હેંડ્યું? તુટ્યા લ્યા બધા હાંધા તૂટ્યા. આકાશ ઉભરાય થૂંકથી ભરેલી ગેલેરીમાં. ધૂમાડા... સૂકાતું થડ ધીરે ધીરે લટક્તો વાળ ધીરેધીરે. તંગ થયો ધીરે ધીરે. પલંગ નંબર ભૂંસી નાખો, વોર્ડ નંબર ભૂસી નાખો, નંબરોને કબરો આલો-લખો એમાં ધીરે ધીરે પ્રશ્નાર્થો, ઉદ્ગારો, ધીરે ધીરે બહાર કોઈ ઓકયો, સ્ત્રી ચાલી ધીરે ધીરે ,એના પેટમાં તો શબ બોલે ધીરે ધીરે.

   (ઈંડામાંથી તાજી આંખો જન્મે છે નવી દુનિયા નીરખવા. પેન્ટ શર્ટ ટાઈ પહેરીને સડસડાટ માર્ગે સડસડાટ. )
   પણ પછીથી ધીરે ધીરે...
   સૂકાતું થડ ધીરે ધીરે નસ કાપતા વાળનો ઝટકો ધીરે ધીરે.

   પ્રતિ શ્રી,
   ..... ભાઈ
   તમેય કલમ થઈ ગયા છો ?!?
   હવે,
   મારી વેલ શંગારશો તો,
   તો તો,
   વજન નહીં લાગે હોં !
* * *


0 comments


Leave comment