1 - આમુખ / માળો / રાજેશ વણકર


આ વાર્તાઓ મેં જોઈ છે બનતી, અનુભવી છે અનુભૂતિમાં, થવાની છે ભવિષ્યમાં, એવી એવી વાર્તાઓ છે. એણે જીવાતા જીવન સાથે પોતાનો તાંતણો રાખ્યો છે. ક્યાંક ન લાગે ત્યાં પણ છે જરા ઝૂકીને જોજો. કેટલીક વાર્તાઓ પાંચ વરસથી લખાતી આવેલી છે. કેટલીક પાંચેક મિનિટમાં સર્જાઈ છે, કેટલીક છપાઈ, વખાણાઈ એમ પણ બન્યું છે. કેટલીક માનવમનના ખૂણે બની છે તો કેટલીક સાવ ચોરે બનતીને ઘેરઘેર ચર્ચાતી એવી વાતોને મારી નજરથી મારે મૂકવી'તી. આપણી ભાષાને મારેય પોંખવી'તી. વળી, આપણું ગુજરાતી વાર્તા સાહિત્ય ક્યાં છે? ખુદ સાહિત્ય ક્યા પ્રવાહમાં છે? પશ્ચિમમાં શું છે ? ભારતમાં શું છે ? ને શું હતું ? એ બધાનો અભ્યાસુ છું ને એટલે જ કેટલીક અસહ્ય હરકતો પણ આમાં કરી છે. તો ક્યાંક મારો કથક ગોળની ગાંગડી બનીનેય ઓગળે છે. ચાખજો જેના જેવા ચટકા ! આતો વારતાઓ છે. જેને મનેખના મનમાં ફરતાં રેવું ગમે છે એને માટે જ આ ‘માળો'.

- રાજેશ વણકર


0 comments


Leave comment