3 - રાજેશનો ‘માળો' / માળો / ડૉ.પ્રવીણ દરજી


   હું અને ભાઈ રાજેશ એક પંથકના છીએ. રાજેશને એ રીતે તેના શાળા-કોલેજકાળથી ઓળખું છું. ઘણુંખરું કાલોલ કોલેજમાં એ ભણી રહ્યા હતા ત્યારે અને તે પછી મ.સ. યુનિવર્સિટી વડોદરામાં અભ્યાસ માટે જોડાયા ત્યારે પ્રત્યક્ષ મળવાનું બન્યું. રાજેશ દેખાવે કંઈક રૂક્ષ લાગે, બોલે ઓછું, સાંભળે વધુ, ક્યારેક ન બોલવું હોય તો થોડુંક હસી લે, ભીતરનો ભેદ ભીતરમાં રાખે તો ક્યારેક અપ્રત્યક્ષ રહી કશુંક છેડે-છંછેડે પણ ખરા. આ અલબત્ત મારી અંગત છાપ છે પણ બીજે છેડે કંઈક કરી છૂટવાની તેમની ધખના તેને મૂર્ત રૂપ આપવાની મથામણ અને એમાંથી પ્રકટી આવતું તેમનું વ્યક્તિત્વ પેલા બાહ્ય દેખાવ સાથે કોઈકને તાળો મેળવવા પ્રેરે. ત્યારે લાગે કે રાજેશની ભીતર ઘણું પડ્યું છે, ઘણો સળવળાટ છે, ઘણા ઉધામા છે, કશાક નવે રૂપે પ્રકટવા માટેની એ પૂર્વતૈયારી કરી રહ્યા છે....

   આવો મારા પંથકનો યુવક મ.સ. યુનિવર્સિટીના ભોજન પ્રસંગ મળે, હસીને મને ‘માળો' વાર્તાસંગ્રહ માટે કશુંક પ્રસ્તાવના રૂપે લખી આપવા ભારપૂર્વક કહે, હું વારંવાર ના પાડું, અન્યોનાં નામ સૂચવું અને એ હઠ કરે, ગાલમાં ખાડો-ખંજન પડે તેમ હસી લે અને હું પંથકના આવા યુવાનની હઠ સામે હારી જાઉં. સાવ હારી જાઉં. અને પછી અહીં જે શબ્દો દડી આવે છે તેવા શબ્દો તેને માટે લખું-સાનંદ..... રાજેશે ઘણી ધીરજ રાખી મારી નાદુરસ્ત તબિયતને કારણે લખવાનું ઠીક ઠીક ઠેલાતું ગયું પણ તે અચળ રહ્યા. થોડી અનુકૂળતા મળતાં તેમના માળામાં હરફર કરવા માંડી, તેમના પાત્રોના મિજાજના પરિચયમાં આવ્યો. તેમણે ટાંકેલું રશિયન સર્જક ચર્નિશવસ્કીનું પેલું અવતરણ પણ-સૌંદર્યપદાર્થ જ ઉદ્દેશ- જે જિંદગીને અભિવ્યક્ત કરે કે જિંદગીનું સ્મરણ કરાવતા રહે- વારંવાર સ્મરણમાં આવ્યા કર્યું.

   - અને એમ પછી ‘માળો' માં પ્રવેશું છું. ‘મારી શોધ આગળ એક ત’ માં શોધાશોધ છે, એક પાત્રની, પરિચિત પાત્રની, ઝંખના રહ્યા કરી છે એ પાત્રની શોધ સ્થળ, પ્રસંગો એ પાત્રની રેખાઓને દૃઢીભૂત કરે છે. નાયકની પિપાસા પણ દૃઢાટી રહે છે. ‘શોધ' થી ‘કંફોસવા’ સુધીનો ઉપક્રમ પાત્ર સાથેની આંતરિક નિસબત પણ સૂચવે છે. ‘પાંગથ’ ગ્રામચેતનાને વિસ્તારે છે. વિવિધ ખૂણેથી ફોકસિંગ થયા કરે છે. ઘટના બાહુલ્ય છે પણ પાંગથ ઉપરના ‘રોટલા' અને 'કોદર' બંને બે અલગ વિશ્વોને જક્સ્ટાપોઝ કરી આપે છે. વાર્તા પૂરી થાય છે અથવા વાર્તા ત્યાંથી જ આરંભાય છે. શું કહીશું ? ‘આંબલીઓ' ગ્રામજીવનનો વળી જુદો, નિર્દોષતાભર્યો ચહેરો કંચુ, મધુ અને રઘલાના પાત્રો વડે પ્રકટ કરે છે. વચ્ચે આડવાતો પણ મૂળના ટોનને જ ઘાટો કરી આપે છે. ‘માળો' બે સ્તરેથી ઊંચકાય છે. રણધીક અને પેલી ચકલીના સ્તરેથી. ટ્રેન હત્યાકાંડની ઘટના માળાને જુદી રીતે પીંખી નાખે છે. અંત ઉપર નાના ભાઈનો પ્રશ્ન કરૂણ ઉપર લાવી મૂકે છે. મનુષ્યના કે નિયતિના એ નાટારંભ ? ધડાકામાં પણ બે ચિત્રો છે એક ધરતીથી અલગ થવાનું તો બીજું પોતાના પાત્રથી જ દૂર થવાનું. નિયતિ નઠારી છે કાશીએ પશલાને પશલાની મરજી વિરુદ્ધ એક કરીને જ રહે છે ! ગ્રામજીવનનો આ પણ રંગ છે ! ‘જીવડું' પણ એવી સૃષ્ટિને જ તાકે છે. પ્રતીકાત્મક કક્ષાએ રહીને ‘નાભિનીય આરપાર' તેની ‘સળવળ સળવળ’ ગતિ પ્રત્યક્ષ રહે છે. જીવડાની એ ગતિની ‘આહ્લાદક’ કે ‘લાગણીઓના લખલખાં’ રૂપ ? ‘એ હજુ ત્યાં જ ઉભો છે' માં ‘જ' કાર ત્યાં ઉભા રહેલાના અ-ચલને જ ઉપસાવે છે માનવજાતનું ત્યાં આખું સરઘસ સંક્ષેપમાં અવતરી આવ્યું છે. સાંપ્રતની કહાણીનું માત્ર વર્ણન છતાં સંકેતોથી ઊભું થતું કથાતત્ત્વ ને એમ વાર્તાતત્ત્વ પણ વૃત્તાંતોના માહોલમાં વિસ્તરેલી ‘વૃત્તાંત' અનુભૂતિકણિકાઓને જોડતાં જોડતાં ‘મસ્ત જીંદગી જીવું છું’ ઉપર લાવી મૂકે છે ! કહેવામાંથી સાંભળવા સુધી આવીને અટકવામાં પેલા ‘મસ્ત'નું ‘ત્રસ્ત’ જગત-વૃત્તાંત જગત સાચું ને ? ‘રોઝડો’ પણ પ્રતીકની કક્ષાએ જ ઊઠે છે. રોઝની નકારાત્મકતા છેવટે વાર્તાનાયક સાથે વાર્તાઅંતે જોડાય છે. માનવ-પશુનાં સમીકરણો પણ કોઈક માંડી શકે. ઘણુંબધું નિબંધાત્મક સ્તરે આગળ વધે છે. ઘટનાઓને બાષ્પીભૂત કરીને તેની રેખાઓમાંથી ચિત્ર જન્માવવાની મથામણ જ કૃતિનું પ્રાપ્તવ્ય. ‘અંત’ ની ચાલના પણ જુદી છે. ‘લખતાં લખાઈ જાય’ પણ ‘ભૂસવું અઘરું’ -આ સ્મૃતિલીલાનો જ અહીં ઘટાટોપ. આછા-ઓછા પ્રસંગો અને તેનું ઝાંખું વિદ્દ. સ્મૃતિશેષ એ જ દલ્લો ? કે એજ જીવતરની ખંજ? ‘ચાલ, ચાલ અને ચલ' માં વાસના જ કેન્દ્રમાં નથી, નારી છે, પોલિસજગત છે નાયક છે, તેનું સ્ખલન અને સ્ખલનોત્તર અવસ્થા છે. ટેબૂઝ છે અને ટેબૂઝને ઓળંગવાનું પણ છે. ‘ભજવાઈ ગયેલી ક્ષણોનો વેશ'માં વિ-ગતની વિગતો છે. વાસ્તવની અનેક ખાડાખપચીઓ વાળી વીગતો. ‘પોલાણની પગદંડીએ’ માં નાયકનું જ પરિવર્તન, નાયકની જ કેટલીક ક્ષણો, તેના જ રસ્તા, તેનાં જ અહીં કમઠાણ પણ. ‘કલમ થઈ’ જવા સુધીની સમયલીલા.....!

   રાજેશની આ તેરેક વાર્તાઓ તેરાધિક વિશ્વોનો માળો છે. તેમણે જે સમયે કલમ પકડી છે એ સમય હવે વાર્તા માટે આ કે તે એવા કોઈ અંતિમનો નથી. ભાષાક્રીડા કે જીવનક્રીડા પરક વલણોની તીવ્રતા હવે ચર્ચાનો વિષય રહ્યાં નથી. ભાષા અને જીવનને પરસ્પર સંપોષક એવા વાર્તાઘાટનો મહિમા હવે વધ્યો છે. રાજેશની આ સર્વની અભિજ્ઞતા રહી છે. તેમણે વાર્તાઓ જોઈ, અનુભવી છે, વાસ્તવ સાથે તેમના લટિયાં ચુસ્ત રીતે ગૂંથાયેલાં છે. માનવ મનના ખૂણા ખોતરવામાં ને તેનાં વિશિષ્ટ રહસ્યોમાં તેમનો રસ છે એમ તેઓ પોતે કબુલે છે. તેનું અહીં એકાધિક સ્થળે રૂપાંતરણ થયેલું જોવાય છે. ‘આ તો વારતાઓ છે' એવા એમના લહેકા-ઉદ્ગારમાં પેલી વાસ્તવની સચ્ચાઈ ભળેલી જણાશે. રાજેશ પાસે વાર્તાખેલ માટે સંવેદનની સાથે પેલા શબ્દનો પણ સાથ છે. વિભિન્ન સ્તરે તેનું ગદ્યવિધાન તેની સાભિપ્રાયતા સિદ્ધ કરતું જણાય છે.

   તેમણે મને તેમનો ‘તરભેટો' કાવ્યસંગ્રહ મોકલ્યો ત્યારે તેઓને પત્ર લખતાં મેં કહ્યું હતું કે તરભેટો ત્રણ માર્ગનો હોય. તમારો રસ્તો હવે ખોળી લીધો હશે જ. તેમણે મને તરત વળતી ટપાલે લખ્યું કે ‘મેં તો મારો રસ્તો ખોળી જ લીધો છે' તેમનું આટલું સરળ વિધાન ત્યારે મને સમજાયું ન્હોતું પણ તેમનો ‘માળો' વાંચ્યા પછી અનુભવ્યું કે સાચે જ તેઓને તેમનો માર્ગ મળી જ ગયો છે.

   માળોની ઝેરોક્ષ નકલ મોકલતાં રાજેશે ભાવપૂર્વક લખેલું કે 'પ્રકાશિત થનાર મારો વાર્તાસંગ્રહ માળો માટે આપને આશીર્વાદરૂપ પ્રસ્તાવના લખવા આ પુસ્તકની કોપી મોકલું છું’ અને તે પછી મને ક્યાંક સાંભળ્યા પછી પોતે ‘રિચાર્જ’ થઈ ગયાનું પણ લખે છે.

   માનું છું રાજેશની વાર્તાઓને કોઈનીય પ્રસ્તાવના કે આશીર્વાદની જરૂર નથી એવું લખવા પાછળ હું તેમની વિનમ્રતા જોઉં છું. ખરું તો તે ‘રિચાર્જ’ થઈ ચૂકેલા યુવક છે. જે રસ્તે તે આગળ વધવા માગે છે એ રસ્તાના જમા-ઉધાર પાસાં જાણે છે. વાર્તાશાસ્ત્રથી પણ તે વંચિત નથી જ. તેમની પાસે અંદરનું એક સાબુદ જગત છે. કદાચ એ જ તેઓની પાસે આજે તેમજ આવતીકાલે નવા નવા આયામો કરાવતું રહેશે. મારા પંથકના આવા ઉધામાવાળા અને ઉદ્યમી યુવકને તેમના શબ્દો વાપરીને કહું તો ‘કેટલીક અસહ્ય હરકતો' કરનાર યુવકને અને તેમના આ ‘માળો’ને હરખભેર આવકારું છું. રાજેશ Go ahead we all love you. પાણીદાર પંથકનો છે તું !
ડૉ. પ્રવીણ દરજી
લુણાવાડા
નાતાલની પૂર્વસંધ્યાએ
૨૪.૧૨.૨૦૦૯


0 comments


Leave comment