10 - ભજવાઈ ગયેલી ક્ષણોનો વેશ / રાજેશ વણકર


   માનસિક ત્રાસ... માન.... ત્રાસ.... મા... ત્રા.... વિચ્છિન્નતા.... વિતૃષ્ણા.. વિવમિષા.... આજીવિકા.... ધમપછાડા... મુશ્કેલીઓ અને છતાંય તારા સ્પર્શથી... શાના ? તારા સ્પર્શથી જીવી જઈશ ગઝલના સંસ્પર્શે જીવ્યો નહીંતર ન હતો. મા આ આ.... ત્રાસ... સતત... સત.... (પાત્રોના મનને જરા ન્યાય આપો બાપ)

   ને આમ તત્સત્ત શ્રી નારાયણ તું પરસોત્તમ ગુરુ તુ સિદ્ધ બુદ્ધ તું સ્કંધ વિનાયક... સવિતા પાવક તું આદ્ય.... મધ્ય.... અંત.... સેવ સેવ તું... ખાવ ખાવ તું... ધોતીકો ફાડકે રૂમાલ કર ગઈ. ઈશ્ક તારે તો રૂમાલમાં....ખારીશિંગ રખાય ? ખાવી.... ?

   અંત નથી આરંભ નથી.
   મારી કવિતામાં છંદ નથી.
   ચોરી કરીને લાવ્યો છું આ.
   પોલીસનો આમાં કોઈ ધ્વંશ નથી.
   ખાસ પરિચિતોમાં હાથ નાખ્યો.
   કોઈએ કર્યો કંઈ કંદ નથી.

   આમ શાને લખે છે પેલા પથ્થરો હસે છે. બોલાવ બહાર બોલાવ કંચુંને કંચુંને કમુએ રીબાવ્યો તો. હાથને તો મેં દઈ દીધો ને પછી બૂમો પાડો છો કે..... અંત નથી આરંભ નથી.
   સા
   રે
   ગ
   મ
   પ
   ધ
   સ
   સ
   સ
   સ
   અ આ આ આ
   આવું જ થાય; તું ચા મૂક ને હું તને ચા મૂકતી જોયા કરું ને તો આ દોસ્તને શું કરવાનો ? સાંભળો હૈયે હામ રાખીને સાંભળી દોસ્તનું નામ સુરેશ જોષી, પૂછડેથી પ્રશ્નોત્તરી નહીં ? આ તો દિવાલો વગરની યુનિવર્સિટી અહીં તો પ્રશ્ન થાય હોય જ ને આવા જ પ્રશ્નો ?

   પેલાને તો માઈક ઝૂંટવીને બોલી જ નાખવાનું !!! ને થાય તે ખરી. એમ સુ. જો. તમે ચા મૂકી પણ આ હકીકત ! મને કહે છે કે ચાલો બહાર બેસો હું ચા લઈને આવું. તદ્દન આવો અત્યાચાર યાદ નથી રહેતો નહીંતર હું તમને કહેત કે કેટલા દિ, મહિના, વરસ, મિનિટ, સેકન્ડ વગેરે.... ને યાદી નથી મૂકવી ફાટે એ પહેલાં. આ પગમાં શું વાગ્યું ? ચાવી ગઈ
   હા સાંભળો હવે –
   ચાના ઘૂંટ ભેગો આનોય ઘૂંટ.

   પેલો કરોળિયો યાદ નથી આવતો કોણ માપશે એના અંતરને ? કેટલીવાર ગબડ્યો છે પડ્યો છે અથડાયો છે.
   જો જો આ હજાર કિલોમીટર દૂર ફેંકાયા પછી લખું છું તને કોઈ બ્લેકમેલ કરે તો મને કહેજે આખરે છોરો કોનો ? ધારીયું એ પડ્યું કોઠી પાછળ. ધાર તો હજુ એવી ને એવી જ છે. સોરા વચ્ચે જ કાપી ને નીકળી જઈશ. ભલે પસી વીઘું મેલી ખાવું પડે. ડરશો ના. આતો આંખમાંથી મજાક નીકળી ગઈ જરા કળતીતી.

   અલ્યા ધુરીયા જા. મમ્મી તું અંઈ કંઈથી. તારા વગર તો સ્ટેજ ખાલી ખાલી લાગે. લે હેડ બોલાવા માંડ્ય. પહેલા કહ્યું હોત તો એકાદ બે સિવાડી આલતા લૂગડાં, વીમા પકોવી લેત. ને બાજુ વારા ન હાય હાયલા આવું તે બોલાતું હશે રાંડ લોકો, એટલે આપણે પુરષ માણસ આપણા તે એ આવી વાત કરે ! જો હસી, ક્યારેય શું એક દા’ડે હંતઈ ન મારી હોય મારી શું કરવા ?હંતઈ જેલા ? પણ આ નાસ્યો તાણ નો ઓમને ઓમ જ સે કોક, કશુંક કોને ઓને ? ‘બબડ્ય’ ‘બબડ્ય' પણ એક તું નહીં ભૂલાય તારું ઘર તો જો પાસર્ય આખોય વાડો ને ઢોંરાં બાંધેલા દિવાલોએ જુદો પડે સે. મૂંબાઈલ નંબર આલ્યો ને એ પૂસેય એવું કે મુંબાઈલ કુનો ? અરે, હોય એતો નોકરી, બેપાની આવક ને પસીની વાત તો હોંભરો - ઈતની શકિત હમે દેના દાતા.. ડાઈવર જોડે જ.... પણ વિશવા નંઈ જો તો ચેટલી બોડીમ આઈ સે વાત જ ના થાય... તાણે તો એવી નાજુક ખબર નતી. નમણી શાંતા જેવી અતી. આવી થઈ જશે ? અજુ તો દહમામ ભણે સે.

   ભીની ડાળ પર મિલન આપણું થાય કે ખાલી જગ્યા બની ખાલી જગ્યા કરું ,પણ ખાલી જગ્યા પૂરાય જ કેમ? માર્ગ સુધી પહોંચતાં વાર થાય છે. પહેલાં તો પ્રણય ધોધમાર થાય છે. દાંત ના કાઢ્યા ? હા મને કહ્યું હોત તો અઘવા લઈ જાત મોં પર આટલા ફોડલા પડે ને કદરૂપી તો ના બનત ને સોરું તરસ્યું થયું એનું કંઈ ભોન સે ? અમણે તો પલંગમાં ગામની વાત સોડ્ય અને હાસા અમે અમે જ. ચમ તમે પરેમ-બરેમ કર્યો જ નહીં કંઈ ?

   પેલી માની જેમ ખવડાવતી. ધોધની પાહે અમે બેહિએ હાથમેં હાથ ઝાલીને માની જેમ અદ્દલ માની જેમ –
   ડાંગર વાસી અમે ડાંગર વાસી....
   આ બિયારણ વધ્યું એનું શું કરવાનું ? આલો ને જરાક તમારું ભલું થાય તમારે તો....
   જા બપ્પી કી ભૂંહડી.
   અવર રેણ ક વેણ...

   પેલી વાર્તા લસીએ એમેં ‘હું’ તો નહીં ને? ના’રે એવું તો હોય ! આ માથાને ધોઈ આલું.
   પાડો મરે તાણે પાડી ને ચમ દાટે ? આ બિલાડાં ફરે એ તો જો ! મરઘાને અમે રોકડા રૂપિયા દઈએ. જાવલા, જાવલા, હસુલા, રમુલા, મૂકલા, અધુલા, ડુંગરો ઉપરથી આશ્ચર્યનો ધોધ આવતો હતો ચોમેર હરિયાળી અને ચાંદનીથી મિશ્રિત ઝાંખપ વચ્ચે અમારો લય એકતાલ થયો ને.....

   હરિને ભજતા હજી કોઈની લાજ જતાં નથી. આ વાપરીએ ને બીજું પાકું તો બનાવેલું છે. સાવ અલગ મસ્ત છે એના એક રૂમમાં...
   બાય બાય આ આમ હાથ હલાવે. ના કહે છે કે શું ? પાછા ન મળત ???? 
   તાજમહાલમાં શરમાતા શરમાતા ચૂમી ભરીને તેં જ તો કહ્યું ‘તું ...ચાલી રહી પડીએ અહીં જ.
    કોઈ કોયલ સાંભળી ગઈ હશે ને એટલે જ ટહુકી. સાંભળ.
   કોણ આયું ? કોણ જ્યું ?
   શી ખબર ?
   આ મેડીયા પર...
   આ મેડિયા પર ડંડા ની પડે હોં ? તું ચિંતા ના કર. ખુલ્લામાં પડે તો વાંધો નહીં સહી લેવાશે. તાકાત હશે એટલા જ મારશે ને ?

   ફરીવાર હૂમલો.
   હવે ઝરણામાં વેગ વધ્યો છે. પહાડોની ઉંચાઈ વધી છે. દૂરના ડુંગરો સાફ થતા જાય છે. ધુમ્મસ ઘટી રહ્યું છે ને પેલા ધોધ હવે ગણી બતાવું? એક, બે, ત્રણ, ચાર, બાર,
   જળનો ક્રોધ કે ધોધ !

   - સંસ્મરણો અને ફળિયાની વાર્તા, કુતરાનો ફફડાટ ને કોયલના ટહુકારનો ખીચડો. ના; માત્ર ભજવાઈ ગયેલી ક્ષણોનો વેશ.
* * *


0 comments


Leave comment