20 - ઝુમ્મરપણું / જયેન્દ્ર શેખડીવાળા
નિમિત્તનો પગરવ થતાં ડૂબી જતું ગહવરપણું
જે હવેલીમાં સમાધિ લઇ થતું ઝુમ્મરપણું
સંચરે છે શ્વાસ જ્યારે શબ્દનો પર્યાય થઇ
આભ અજવાળે તિમિરના પામતું અક્ષરપણું
ભોગવે ચિરકાલ આયુ સર્પદંશિતા મતિ -
ને મતિના સ્થાન પર વિસ્મયને મળતું ક્ષરપણું
આંધળી કાળી પળો ને બંધ દરવાજા વિશે
શ્યામભેદુ આંખને ધસમસતું સચરાચરપણું
રૂ સમજનું આપણી વચ્ચે ઊડે ધુમ્મસ બની
એટલું સાનિધ્ય આડે આવતું નશ્વરપણું
ગહવરપણું = અનાગતાવસ્થા,
ઝુમ્મરપણું = અતીતાવસ્થા,
શ્યામભેદુ = શ્યામ + જાણભેદુ
0 comments
Leave comment