42 - એક સૌન્દર્યગીત – પ્રણયનું / જયેન્દ્ર શેખડીવાળા


મર્મરનાં ઝગઝગતાં અત્તર છાંટ્યાં પાનોપાન, સવારે
કર્ણમૂલ પર પૂર્વદિશાવત્ ઊગ્યા કાનોકાન, સવારે

શ્રીનગર જેવી કન્યામાં તરતો એક બગીચો હું ને મારામાં કૈં
સિમલા-દાર્જિલિંગપણાની કૂંપળ ફૂટે
ઢોળાવે રોમાંચ પાથરી કન્યાઓના લીલછાયી ધ્રુજારી મલકે
સાત જનમનાં કુંવારા કૈં ભૂતળ તૂટે

ચકચૌંધ અજવાસમાં મારું થાતું તિરોધાન, સવારે
મર્મરનાં ઝગઝગતાં અત્તર છાંટ્યાં પાનોપાન, સવારે

બરફ ફેલતા ઉન્માદોની શ્વેતામ્બરમય નજર બોલતી સફેદવરણી
અપલક ભાષા તારા જેવું ખુલ્લું-છાનું
થીજોષ્ણામય બરફપુષ્પના બાહુ ભીંસે કે તું ભીંસે ? મને ભીંસતું
આવે સપનું તડકામય ઉદ્યાન થવાનું

તડકાવશ લાગણીઓ મ્હેંકે મનને હિમોદ્યાન, સવારે
મર્મરનાં ઝગઝગતાં અત્તર છાંટ્યાં પાનોપાન, સવારે


સિમલા-દાર્જિલિંગપણું = સૌંદર્યભાવ,
શ્વેતામ્બરમય = સફેદીભર્યા આકાશમાં ઓગળી ગયેલું;
થીજોષ્ણામય બરફપુષ્પના બાહુ ભીંસે = બરફ જાણે સ્વયં ભીંસતો હોય તેવી અનુભૂતિ જેમાં ઉપમા પણ હોય, ઠંડક પણ હોય !0 comments


Leave comment