63 - અમને એવી હૈયાધારણ / જયેન્દ્ર શેખડીવાળા
પાંખડીઓ ફૂલોની ઘરની ભીંતો થઇ અવતરશે,
સખિયન ! અમને એવી હૈયાધારણ
રાતરાણીનાં ગીતો થઈને ચાંદનિયો ફરફરશે,
સખિયન ! અમને એવી હૈયાધારણ
બારીમાં આકાશ મૂકી દો, મને મૂકી દો વહેતી રે આ ઘાસ ઉપર ગરતા ઝાકળમાં
સૂરજના મન જેવું ભીંતર કંઇક કશું જળહળશે,
સખિયન ! અમને એવી હૈયાધારણ
કેસૂડાનાં ધણ સોંસરવી હું ખોવાતી જાઉં ને જડતી ચકલીના થડકારેથી રે
આજ ધૂળેટી પ્હેરેલો રઘવાટ મૂઓ સાંભરશે,
સખિયન ! અમને એવી હૈયાધારણ
ફાટફાટ મોસમની વેળા, કૈંક સુગંધો, કૈંક બગીચા, ટહુકાની કૈં નદીઓ વહેશે
કૈંક જનમનાં મેઘધનુષી પંખી નભમાં તરશે,
સખિયન ! અમને એવી હૈયાધારણ
નજરુંમાં જઈ ઉજાગરો ઝબકોળું કે હું દેશવટે નીકળેલું મારું મન ઝબકોળું
સપને ઝલમલ ઝબકોળાતું વ્હાણ કોઈ નાંગરશે,
સખિયન ! અમને એવી હૈયાધારણ
0 comments
Leave comment