66 - ખિસ્સે – / જયેન્દ્ર શેખડીવાળા


કૌતુકની કીકી થઇ ગયેલાં કૈંક વરસને
લાવ, ભરી લઉં ખિસ્સે
અચરજમાં પલટાઈ ગયેલા મને મુઠ્ઠીભર
લાવ, ભરી લઉં ખિસ્સે
રાત મને ફેલાતી ઊભે અને ભીતરે કાલુ ઘેલું વિસ્મય ઊગે
ઈશ્વરના પડછાયા જેવા ચાંદરણાંને
લાવ, ભરી લઉં ખિસ્સે

મારી માના હાલરડાંમાં ઝોલાતાં કૈં કમળ સરોવર હૂબહૂ
રણનિંદરનાં સપના વચ્ચે સન્મુખ થયા છે
લાવ, ભરી લઉં ખિસ્સે

સવારના નભ વચ્ચે ફરફર કલરવનું અજવાળું વ્હેંચું ખોબે,
મેઘધનુષી ટહુકાનું ઝાકળ વેરાતું,
લાવ, ભરી લઉં ખિસ્સે

કંઈક જનમના બાગબગીચાભેર સુગંધો છાતી સરસો ચાંપે
હું ફૂલોની સ્હેજ લાગણી લગરીક આંસુ
લાવ, ભરી લઉં ખિસ્સે

તળાવજળમાં નાગું છોરું એક હજીયે પળપળ ભૂસકા મારે
અટકળવંતુ જળ ચોરી લઉં, પળ ચોરી લઉં
લાવ, ભરી લઉં ખિસ્સે0 comments


Leave comment