74 - નિશાન્ત / જયેન્દ્ર શેખડીવાળા
ચોથું પગલું મૂકીને જ્યાં નજર કરું ત્યાં
નજર સામટી ફાટી પડતી
નાભિ નીચે ડહોળાતું એકાન્ત
કાચ કાંચળી ઓળંગી
દર્પણની આરોપાર નીકળશે
ત્યારે તરત જ
પ્રલંબગોળ પીડાનો તરસ્યો પડઘો પડશે તરભેટે
તરભેટાથી ભેટ ઉપર
એક વેંત ભરીને ઓલવજો રે દીવો આંગળ છેટે
આંગળ છેટે
પગની પાંચેપાંચ આંગળી
પોક મૂકીને પગલું પાડી બોલી ઉઠશે :
માણસમાંથી ઊડી ગયો રે
માણસ નામે પ્રાન્ત
અરે, કે ડહોળાતું એકાન્ત
માણસ જાણે છે જ નહીં, આ તરડાયેલા પિંજર વચ્ચે
ફૂલ ખરેલાં ઢગલો
જૂઈ-કેતકી નામ ઘણેરાં : નામ વગરનાં,
ઈશ્વર જેવાં,
ગીતો જેવાં,
પતંગિયાની પાંખો જેવાં;
રતિચક્રથી મુક્ત નર્યો એ ચકલો
ચકલો કહેતો મૂઠી આભનું માણસમાંથી
ઊડી ગયેલું પરભવ પ્હેરી પ્રિક પ્રિક થયેલું
માણસનું કલ્પાન્ત
અરે કે ડહોળાતું એકાન્ત
અરે કે ડૂસકા પાછળ પ્રગટેલો નિશાન્ત.
તરભેટો = ધડ અને પગ ભેળા મળે છે તે સ્થાન – મૂલાધાર ચક્રનું સ્થાન
0 comments
Leave comment