75 - કવિ, કવિતા અને વાસ્તવનું દુ:સ્વપ્ન / જયેન્દ્ર શેખડીવાળા
કાળી કાળી સવાર વચ્ચે ઊઘડે કાળી આંખો
કાળી કાળી સવાર વચ્ચે કાળો રે ચ્હેંકાટ
કાળાં કાળાં વીંધી ઝાડવાં
આંખ સુધી ધસમસતો આવે
સૂરજનો કૈં કાળો રે ચળકાટ
ચૂલવછોયાં વાસણકૂસણ વચ્ચે રે ચળકાટ
મરણવત્ અકબંધ જીવે
અમને કાળી આપો કોઈ તાવડી,
પવનપાવડી.
કાળો કાળો વાગે રે દરવાજે કલાઓ ઘંટ
રાજા, કાળિયો રે લોલ
બાદશાહ, કાળિયો રે લોલ
કાળું કાળું નગર હાંફતું ધબકે કાળું
ઊંઘે ઊંઘે રાજાનું મ્હોં કાળું
રક્તફીણાળું
વાગે ઘંટ –
ઝૂંપનગરને છેડે ઝૂંપડપટ્ટી ધબકે કાળું કાળું
ઝૂંપનગરની સરહદ સુધી
અનહદ સુધી પડછાયાની સાંકળ,
વાગે ઘંટ જ્હાન્ ગીર !
સાંકળ ખેંચે કાળા કાળા લોક
મૂકીને પોક
સાંકળ ખેંચે કાળા લોક
કે –
લાવો, લાવો, દીવો ! દીવો ! રાજા કાળિયો રે લોલ
દીવો ઊતરે ખીણ કે વાગે ઘંટ કે જાગો રાજા !
દીવો લગભગ મીણ કે વાગે ઘંટ કે જાગો રાજા
દીવો દરિયાફીણ કે વાગે ઘંટ કે જાગો રાજા !
કાળાં કાળાં ફીણ ખડકને અથડાતાં
કે
ડિમ્બ કરે સુસવાટ, કરે પોકાર
કે વાગે ઘંટ.
સૂસવે સૂસવે પવન તે કાળોમેશ
કે વાગે ઘંટ.
રાજિયા, જાગો, જાગો !
સૂસવે સૂસવે પવન કે કાળોમેશ
પવનને પ્હેરી કાગળ પવનપાવડી ઊડે
પવનપાવડી થઈને ઊડે
પડછાયાનું ટોળું,
કાળું કાળું આભ ફેલતું જાય રે
કાળા પરસેવાનું ટોળું,
-ઊડે આભ વચાળે પવનપાવડી.
ચીખ્ખલ ચીખ્ખલ ખીણમાં કાળાં ઝાડ
ચીખતા ઝાડ રચીને ઝૂંડ ભયાનક કાળાં
-ઝૂંપનગરને મારો તાળાં
મારો, મારો, મારી નાખો અમને
ચીસે ભૂત, રુએ ભેંકાર
કે વગડો દેકારાનો દરિયો
-ઊડે આભ વચાળે
પવનપાવડી.
ખળખળ કાળું વહેતાં
કાળાં ઝરણ, નદી ને ગરનાળાં.
-ઊડે ઉપર પવનપાવડી.
કાળા કાળા પડછાયા ને કાળી કાળી ભીંત
કે ઊડે પવનપાવડી.
નીચે –
કાળા ઘોડા દોડે રે હો કાળા વન મોઝાર
કે પડતા પાતાળે ભણકાર
કે ઊડે પવનપાવડી
(કોઈ કવિતા), ઉપર....
પવનપાવડી લગ લમ્બાતી ફણા નીચેથી,
ફૂત્કારે ભોરિંગ કે ભાગે પવનપાવડી.
પેટની આરોપાર નીકળતી ચીસ
કે ભાગે પવનપાવડી.
રાજા ! દીવો આપો કે માચીસ
રે ભાગે પવનપાવડી.
આગળ ઊડે પવનપાવડી
પાછળ રે ભોરિંગ કે જાગો રાજા !
ચીસનગરની પવનપાવડી થઇ જાશે મા, ચીસ !
કે જાગો રાજા !
દર્પણનો દરવાજો ખોલો ઝળહળ ઝળહળ
બોલો રે મ્હારાજા બોલો ઝળહળ ઝળહળ.
દરવાજે દરવાજે વાગે વાગે કાળો ઘંટ.
0 comments
Leave comment