2 - પ્રયોગમાં પરંપરાનું તેજ / रागाधिनम् / પ્રસ્તાવના /રઘુવીર ચૌધરી


    શ્રી સંજુ વાળા(જન્મ તા. ૧૧-૦૭-૧૯૬૦)ના પિતાજી નારણભાઈ ભજન રચના, ગાતા. દાદીમા પાસે નિજાર સંપ્રદાયનો વારસો હતો. કૉલેજ કાળમાં જ સરકારી નોકરીમાં દાખલ થયા અને ઉત્તરોત્તર મામલતદારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મળ્યાનું સ્મરણ છે. જસદણના પુસ્તકાલયનો પૂરેપૂરો લાભ લીધો. બોલવા માટે પસંદ કરેલા વિષયની શાસ્ત્રીય રજૂઆત કરી શકે છે. દર્શક ફાઉન્ડેશનના સર્જન-વાચન શિબિરમાં નવી પેઢીના સર્જકો સમક્ષ ગીતના લયની તરાહો વિશે ઝીણવટભરી સમજૂતી આપે છે. શ્રી કિરીટ દૂધાત જેવા અભ્યાસી અમલદાર સાથેના પ્રવાસમાં આવી ઝીણી વાતો કરતા રહે છે. રાજકોટમાં સમકાલીન સર્જકો અને કલાકારો સાથે એમનો સ્નેહભર્યો સંવાદ વરતાય છે. અમરેલીના સારસ્વતો પછી મને સૌરાષ્ટ્રના જે નવસર્જકોની આત્મીયતા અનુભવવા મળી એમાં શ્રી ભરત વીંઝુડા, નીતિન વડગામા અને સંજુ વાળાના નામથી શ્રીગણેશ થયા. ‘મજા’ નામના ગીતમાં એ કહે છે કે જેણે શિખરની મજા માણવી હોય એણે ધજા થઈ જવાનું રહે. એટલે કે હળવા ફૂલ. પણ સાધનાના માર્ગે આગળ વધવા માટે શ્રીગણેશની કૃપા જોઈએ :
ક્યાંથી પગલું પહેલું ભરવું, ગરવા કે શ્રી ગણેશ?
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ન વાગે ઠેશ.
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા.
   વિઘ્નહર્તા ગણેશ પ્રથમ પગલાની દ્રષ્ટિ આપે અને કવિ પોતે કેડી રચે. આ સર્જનના માર્ગમાં ઠેસ વાગવી એટલે ઝોકું ખાઈ જવું, વિવેક ચૂકવો. એમ ન થાય એવી કવિની અભીપ્સા છે. આ સાધના એવી છે જેમાં ચાલ્યા વિના પણ વિચરી શકાય. એ ક્રિયાને કવિ રણઝણવું કહે છે. એ માટે પણ એ ગણેશજીની રજા તો માગે જ છે.

   આ ગણેશજીના સ્મરણ સાથે શૈશવથી કિશોરાવસ્થા સુધીની મારી સ્મૃતિઓ સજીવન થઈ રણઝણવા લાગે છે. તબલાં – કાંસાજોડ સાથે ગાતી મંડળી હોય કે તંબૂરા-મંજીરા સાથે સમવેત સ્વરમાં પાઠ મંડાણો હોય, આરંભે ગણેજીનું સ્તવન થાય. મનોરંજક માધ્યમોના આક્રમણ પછી પણ આ દુંદાળા-ફૂંદાળા દેવ અવિચળ આસને આશિષ આપી રહ્યા છે. સંજુ વાળા આ ગીત દ્વારા સૌરાષ્ટ્ર અને મારા ઉત્તર ગુજરાતને એક ઠરાવે છે. મહારાષ્ટ્ર-ગુજરાતને ગણેશનાં શિલ્પ-ચિત્ર જોડે છે. મૂર્તિઓના રૂપવૈવિધ્યની દ્રષ્ટિએ પણ ગણેશ અગ્રતાક્રમે છે. ધર્મવાહક દેવદેવીઓમાં ન માનતા સર્જકો પણ મીથને–પુરા કલ્યનને બાદ કરી શકતા નથી કેમ કે એ પ્રજાકીય ચેતનાની મૂડી છે. આ સમજતો સર્જક પ્રયોગમાં પરંપરાનું તેજ પ્રગટાવી શકે છે.

   સર્જક તરીકે સંજુ વાળાનો વિધાયક અભિગમ અનેક ગીતોમાં વ્યક્ત થયો છે. એમાં કંઈક મુખર લાગતું ગીત ‘હજુ’ મોખરે છે:
હજુ પ્રભાતી સ્વર ઊઘડતા તુલસીક્યારો સીંચી,
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી.
   સંસ્કારની જીવંત સાક્ષી છે ભારતીય ઘરના આંગણાનો તુલસીક્યારો. હિન્દી સર્જક અજ્ઞેયજીએ એમના વત્સલ નિધિ દ્વારા ભારતીય ઘર વિશે રાષ્ટ્રીય પરિસંવાદ યોજેલો. એના સ્થાપત્યની ખૂબીઓ સાથે તુલસીક્યારાને યાદ રાખવો ઘટે. એને સીંચવાની સાથે રાગ પ્રભાતીનું ગુંજન જોડાય છે. જાણે કે તુલસીક્યારાને સંગીતનું સીંચન થાય છે. આખું ગીત ક્રિયાન્વિત છે. ‘હજુ કોઈ માળામાં પ્રગટે પહેલ વહેલું ચીં: ચીં’, હજુ વયસ્ક પુત્રી ઉત્તર વાળે નજરે નીચી’, કે ‘હજુય ચાંદામામા કહીને મા દેખાડે દુનિયા’ –ગીતનાં ત્રણ ચરણને જોડતી આ ક્રિયાઓ પ્રકૃતિ સાથે પરિવાર-ભાવને જોડે છે.

   પ્રકૃતિ અહીં માત્ર અલંકાર નથી, સચેતન સૃષ્ટિની અભીપ્સા પણ છે: ‘મરમ જાણવા મરમી બેઠા ધરી વૃક્ષનું ધ્યાન.’–કહેતાં પ્રથમ વૃક્ષનો મહિમા પમાય પછી બુદ્ધનું સ્મરણ થાય.
   અધ્યાત્મની વાણીનો વારસો શ્રી સંજુ વાળાની સ્મૃતિમાં છે, એ વાણીમાં વહી આવે છે. વાણી એ જ કવિતા માટે તો વર્તન છે. શબ્દ અહીં અનાસક્તિનો અણસાર આપે છે:
વીતરાગી વહેતા જળકાંઠે
બેઠા સુખસંગતમાં,
નહીં પરાયું કોઈ અહીં કે
નહીં કોઈ અંગતમાં.
   ભાવ સાથે લય અને પ્રાસની સહજતા વ્યાપક સંગતિનો અનુભવ કરાવે છે. એને સૌદર્યાનુભૂતિની સંગતિ રૂપે ઓળખાવી શકાય. આમ બને છે એનું એક કારણ છે ગીત અને ભજનનો અભેદ.

   ‘ગગનગોફ રમવાને ચાલ્યાં’ જેવાં ભજનનું સાનંદ સ્મરણ કરાવતું ગીત છે ‘અનભે ગતિ’:
પાંખમાં પવન આંખમાં લીધું આભલું મનોમથ,
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
   ‘અવળી ચાલ’ રચના પણ આ શ્રેણીમાં સર્જાઈ છે. તો ‘જડી સરવાણી ઉદારમતવાદની ભાવના રજૂ કરતું, વ્યક્તિ અને સમાજને જોડતું ગીત છે. મધ્યકાલીન સંતોનો વારસો ગાંધીયુગમાં થઈને આ રીતે આધુનિક યુગ સુધી વહી આવે છે :
બની હવાથી હળવા
રહેવું, વહેલું થઈ વરસાદી પાણી
સહજ જડી સરવાણી..
   ‘રાગાધીનમ્’માં સંત કવિઓનાં પદોમાં સિદ્ધ થયેલ લયથી રાજેન્દ્ર-નિરંજન યુગ સુધી પ્રયોજાતા લયનાં દાંત મળે છે. વળી, રવિ-ભાણ કે નિજાર સંપ્રદાયની સાધનાના સંકેત આપતી પદાવલી આજના ગુજરાતી ગીત માટે ક્યાં કેટલી ઉપકારક નીવડી છે એ અંગે પણ શ્રી લાભશંકર પુરોહિત, નરોત્તમ પલાણ, દલપત પઢિયાર ગીત અને ભજન બન્નેના આંતરી બાહ્ય સત્વના જાણકારો ચર્ચા કરી શકે. આ સંદર્ભમાં શ્રી સંજુ વાળાએ ડૉ. દલપત પઢિયાર સાથે બેસવું જોઈએ. કેમ કે શબ્દાળુ બની જતાં, કેવળ ભાષાકર્મથી સંતોષ માનતાં નવી પેઢીનાં ગીત-ગઝલને આવા કવિઓ જ ગોત્રની યાદ આપી શકે એમ છે લેખક લખતો નથી લેખન લખાવે છે એમ વિવેચનની એક શાખા ભલે ઠસાવે, નરસિંહ-મીરાં કે કબીર-રવિ-ભાણની કવિતા વિશે માત્ર ભાષાના સ્તરેથી વાત નહીં થઈ શકે ભાષા સુધી આવી ભાષામાં જ કહેવાનું છે એ ખરું પણ શબ્દને ચિરંતન બનાવતી પ્રક્રિયાની મુખ્ય મૂડી તો ક્ષણિક હોવાનું જ્ઞાન છે.

   અહીં કટાવ જેવો છંદ ગીતમય બની ગયો છે એ સહજતા સિદ્ધ કરવાની કવિની ક્ષમતા દર્શાવે છે. ક્ષણિકતાની અનુભૂતિ ઈન્દ્રિય પ્રત્યક્ષ થઈ રમણીય રૂપ પામે છે. જે ક્ષણિક છે તે મિથ્યા નથી.
મન સાબુનું ફીણ અમસ્તું મુઠ્ઠી ભરતાં પાણી થઈ રહી જાતું,
અમે જનમથી અંધમતિ કે પરપોટાને માની બેઠા ધાતું!
   ‘આજીજી’ જેવાં ગીતોમાં ભક્તિ-પરંપરાનાં લક્ષણો પ્રત્યક્ષીકરણની સર્જન પ્રક્રિયાને કારણે તાઝગીનો અનુભવ કરાવે છે. તો પ્રણયીની પ્રતીતિ પણ વાંચી શકાય છે અને નોંધવા જેવી વાત એ છે કે રમેશ પારેખની શૈલીથી મુક્ત લાગે છે :
ઝાકળનાં પાથરણે પાડું સુગંધની ખાજલિયું,
વ્હાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું.
હરખે હરખે હારું રે ભવબાજી જી
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?
   કવિ માટે ભાવક પણ ભગવાન છે. પણ એની સાર્થકતા એ છે કે ભાવકરૂપી ‘અવતારી’ ભગવાનને આવાં ગીતો દ્વારા પરમતત્વનો અનુગ્રહ યાચવા કવિ પ્રેરી શકે છે.
   જેમ કોઈ ગાયક કે સ્વરસંયોજક અડધી પંકિતથી આરંભ કરે તેમ સંજુ વાળા ગીતની ધ્રુવપંકિત માંડે છે. ગીતના અક્ષરદેહના ઘાટ ઘડવાના એ માહેર છે. પ્રાસ મોટે ભાગે અર્થમેળ ધરાવે છે. આંતરપ્રાસ ગેયતામાં નાદમાધુર્ય ઉમેરે છે.

    ગીતમાં માત્રામેળ છંદોનો ઉપયોગ ગાંધીયુગથી મોટા પાયે થતો આવ્યો છે. સવૈયા (કટાવ) મનહર આદિ છંદોની ગેયતા ભાવકની સ્મૃતિમાં અનાયાસ ઘર કરે છે. શ્રી સંજુ વાળા ગીતને ગદ્યની નજીક લઈ જવામાં મનહર છંદની પણ મદદ લે છે.

    ‘અગેય ગીત’ લખાયાં, ભુલાઈ ગયાં. કવિતાના અગેય પ્રકારો ઓછા નથી, તો ગીતને અગેય શા માટે બનાવવું? આ કવિ હળવી રચનાઓને ગદ્યની નજીક લઈ જઈને પણ ગેય રાખી શકે છે. લયનાં ત્રિકલ, પંચકલ આવર્તન સાથે ભજન અને લોકગીતના લયનો મેળ આ કવિના સર્જક તરીકેના ઘડતરનો ભાગ છે. વળી, ભજન ભલે ગૂઢ અર્થ ધરાવતું હોય એના શબ્દોમાં બોલચાલનો રણકો હોવાનો, જે આ કવિને શૈશવથી આત્મસાત્ છે.

   આ ગીતસંગ્રહ પોતાના સમયનો સાક્ષી હોવાની સાથે રાગની વિશાળ સૃષ્ટિ છે. અરૂઢ પદાવલીમાં વ્યક્ત ભાવ-બહુલતા અને ભાવ-સંકુલતાની દ્રષ્ટિએ પણ અભ્યાસીઓનું ધ્યાન ખેંચશે. મને એમની ઊંચે જોતી આંખમાં વિશ્વાસ બેસે છે :
મોભ રે મૂકીને ઊભો મોરલો
ભેગી ઊડી હાલી બેઉ આંખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે...
   ‘આધેડપંચક’ના હાસ્યમાં કરુણનો છૂપો સ્વર છે. આ પ્રૌઢિનું લક્ષણ છે. પણ બાલમુકુંદે કહેલું તેમ ‘ઑર ગાણામાં હોય શું ગાવું? ગીત ગાવું તો પ્રીતનું ગાવું.’ વિભાગ ત્રણમાં પ્રણયગીતો હોવા છતાં કહેવાનું રહે કે કવિ હવે ગદ્યની વધુ નજીક ન જાય અને નરસિંહ-મીરાં, રવિ-ભાણ પરંપરામાં ઉત્તમ ઊર્મિગીતો ઉમેરે. ગીતના સ્વરૂપ સાથેનો ઘરોબો બોલચાલના શબ્દો અને લઢણોની તાઝગીભરી વરણી અને ખાસ તો જીવનની સમજણ જોતાં આવી અપેક્ષા અને શુભેચ્છા વાજબી ઠરે.
અમદાવાદ – ૩૮૦૦૧૫
- રઘુવીર ચૌધરી


0 comments


Leave comment