1.2 - મજા / સંજુ વાળા


છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા….

ક્યાંથી પગલું પહેલું ભરવું? ગરવા હે શ્રી ગણેશ?
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેશ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા...

અણજોયાંને જોયું કરવું, અણઘડ ઘડવા ઘાટ
ચાલ ન જાણી તો યે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક, જેવાં જેનાં ગજાં...

ચડવું ને ઊતરવું દીધું, અણથક દીધી એષ
બેઉં હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં...

(૨૭-૦૧-૨૦૦૫)


0 comments


Leave comment