1.4 - એક પલકારે / સંજુ વાળા


એક પલકારે તોળ્યા ત્રિકાળ
અંજળીમાં સાતસાત સિંચ્યા સમંદર
ને ફૂંક મારી ફોડ્યાં પાતાળ
એક પલકારે તોળ્યા ત્રિકાળ.

આલિંગન આગ મશે લીધાં રે ગાઢ
પાંખ વીંઝ્યાના લાગે ના થાક,
ક્યાંય નથી પહોંચતા એ રસ્તા ને કેડીઓના
સીધા થઈ ચાલ્યા વળાંક.
જોયાં-જાણ્યાંનાં સુખદુ:ખ એક પલ્લામાં
બીજામાં સોનેરી વાળ.
એક પલકારે તોળ્યા ત્રિકાળ.

ખાલી-ભર્યાના ભેદ પારખી શકાય
એવા, કોની દુકાને મળે કાચ?
સાચ જેને સારવતાં આવડે એ આંગળીને
સરખું: હો સમથળ કે ખાંચ.
જળને વેલે બાઝ્યા તુંબાં તોડીને કોણ
ઓઢે અચંબાનાં આળ?
એક પલકારે તોળ્યા ત્રિકાળ.

(૧૦-૦૫-૨૦૦૨)


0 comments


Leave comment