1.6 - અનભે ગતિ / સંજુ વાળા


પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

પહેલું જ્યાં આકાશ વળોટ્યું
ખરવા લાગ્યો ભાર,
પિચ્છ ખર્યાં ને કલગી ખરી
ઓગળ્યા રે આકાર.

ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ

કેટલી વખત? ભેદવાં હજુ
કેટલાં દિગદિગંત?
પૂછીએ તો પડઘાઈને પાછો
ક્યાંય ઠેલાતો અંત.

ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

(૨૭-૦૫-૨૦૦૫)


0 comments


Leave comment