1.10 - ઊગ્યું અણધાર્યું / સંજુ વાળા


રે કેવું ઊગ્યું અણધાર્યું!
પહર ચારવા નીકળી ને તેં સાંજ થતાં લગ ચાર્યું !

આડે હાથે મૂકી દીધું ક્યાંય મળે નહીં કલ્પન,
ખોડંગાતા લયની સાથે કર્યાં કેટલાં જલ્પન!
અંધારામાં ઘા કર્યો ને નિશાન લાગ્યું ધાર્યું!
રે કેવું ઊગ્યું અણધાર્યું !

આગળ જોતાં રહી જતું જે પાછળ, પાંખ પસારે
મીંડામાં પુરાયાં ક્યાંથી પહોંચે શત, હજારે
ઘારણ ચડતું ઘેન હવે કંઈ વળશે નહીં એ વાર્યું !
રે કેવું ઊગ્યું અણધાર્યું !

જોર-શોરથી ક્યાં ખૂલવાના બંધ રહ્યા દરવાજા,
કળ જાણી ત્યાં માંહ્ય રહેલી મોજ મૂકતી માજા
પછી અમે પણ અણગમતા પર અદકું વ્હાલ વધાર્યું !
રે કેવું ઊગ્યું અણધાર્યું !

(૧૯-૦૧-૨૦૦૫)


0 comments


Leave comment