2.1 - ક્યાં એની જાણ ? / સંજુ વાળા


આપણને ક્યાં એની જાણ ?
ધ્યાન ધરી બેઠેલા પ્હાડોની આંખ ખૂલે
લળી લળી નિહાળે ખીણનાં ઊંડાણ
આપણને ક્યાં એની જાણ ?

અંગૂઠે ઠેસ સ્હેજ વાગે
ને ‘જાજો નખ્ખોદ’ એવું બોલે તે હૈયું કે હોઠ ?
કાનમાં કહેલું પણ સમજે નહિ
એવો આ જીવ નર્યા જિદ્દીપણાથી ભરી પોઠ,
અમથી કોઈ વાતનું વતેસર થઈ જાય અને
અરધેથી પાછું વળે મંત્રેલું બાણ
આપણને ક્યાં એની જાણ ?
આંખ સામે ઊછરતાં તડકા-છાયાને તમે
નામ કંઈક આપો તો કહીએ કે વાહ,
બાકી તો, આપણને લાગતી હો
કડકડતી ટાઢ ત્યારે પડછાયા અનુભવતા દાહ.
એવું પણ સંભવ કે અંગત હડસેલે
ને દૂર રહી કોઈ વળી કરતું ખેંચાણ
આપણને ક્યાં એની જાણ ?

૧૩/૦૨/૨૦૦૪


0 comments


Leave comment