2.1 - નીતિન મહેતાની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
   ગુજરાતી સાહિત્યમાં આધુનિકયુગ દરમિયાન ગુલામ મોહમ્મદ શેખની અછાંદસ રચનાઓએ ભાવકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. આ સમયમાં સુરેશ જોષીએ અછાંદસ કવિતાની નવી શક્યતાઓને તાગવાનો પ્રયત્ન કર્યો. સુરેશ જોષીના જ વિદ્યાર્થી અને એમની જ પરંપરાના કવિ નીતિન મહેતાએ કાવ્ય-સર્જનની શરૂઆત કરી ત્યારે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો દબદબો હતો. નીતિન મહેતાનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘નિર્વાણ’ (ઇ. સ. ૧૯૮૮, બીજી સંવર્ધિત આવૃતિ, ૨૦૧ર)’ માં પ્રગટ થયો. આ સંગ્રહની બધી રચનાઓ અછાંદસ છે. નીતિન મહેતા આધુનિકોત્તર યુગના કવિ હોવા છતાં, તેમના કાવ્યોમાં આધુનિકતાની છાંટ વધુ દેખાય છે. નીતિન મહેતા (ઇ.સ. ૧૯૪૪-૨૦૧૦) કવિ, વિવેચક, સંપાદક તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. મ.સ. યુનિવર્સિટી, વડોદરા તથા મુબંઇ વિદ્યાપીઠમાં તેમણે વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક તરીકે અધ્યયન-અધ્યાપનનું કાર્ય કર્યું. નીતિન મહેતાના વ્યક્તિત્વ તેમ જ સાહિત્ય સંદર્ભે મણિલાલ હ. પટેલે કરેલું વિધાન યોગ્ય છે : ‘નીતિન મુખ્યત્વે કવિ-વિવેચક. સંપાદનો પણ કર્યા. આધુનિકતાની આબોહવામાં ઘડાયા. આરંભે વિદ્રોહી. કવિતામાં એ વિદ્રોહી અવાજ પ્રારંભે વધુ હતો. એમની કવિતા વધુ તો આધુનિકતા તરફ ઢળેલી ને પછી અનુઆધુનિકતા તરફ વળેલી. ઓછી પણ સફાઈદાર અછાંદસ રચનાઓ કરતા હતા. મહાનગરની સમસ્યાઓ અને તણાવભર્યા સંવેદનો વચ્ચે જીવતો સામાન્ય માણસ એમની કવિતાઓમાં આવ્યો છે. તો કવિ-તત્વવત્તા જેવા સંવેદનશીલ તથા બૌદ્ધિકોની માનસિકતા વિશે પણ એમની કવિતા મૂંગી નથી રહી. નીતિનની કવિતા દુબોંધ નથી પણ નર્મ-મર્મથી ભરેલી અને આધુનિક માનવીની કરુણ નિયતિને વ્યંગ કે વ્યંજનામાં આલેખતી વિશિષ્ટ કવિતા છે.’ (પરબ, જુલાઈ ૨૦૧૦, પૃ.૬૮-૬)

   નીતિન મહેતા પાસેથી નીચે પ્રમાણેના પુસ્તકો મળે છે.
   કાવ્યબાની (સંશોધન ૨૦૦૧), અપૂર્ણ (વિવેચન ૨૦૦૪), નિરંતર (વિવેચન ૨૦૦૭), સુરેશ જોષીની કેટલીક નવલિકાઓ (સંપાદન ૨૦૦૨), પંડિતયુગનું પુન:મૂલ્યાંકન (પરિસંવાદ ગ્રંથ ૧૯૮૭), ગુજરાતી કવિતા ચયન (સંપાદન ૨૦૦૩) આ ઉપરાંત તેમણે ‘યાહોમ’, ‘પ્રત્યક્ષ’ના આરંભના અંકોનું સંપાદન તથા ‘એતદ્’ સામયિકનું સંપાદનકાર્ય કર્યું .


0 comments


Leave comment