3 - આટલામાં તો કાંઈ નહિ / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


   આજકાલની સ્ત્રીઓમાં જો કોઈ ગંભીર ભૂલ હોય તો તે એ છે કે સાધારણ બાબતો તરફ તેઓ બેદરકારીથી વર્તે છે. પરંતુ એ નજીવી બાબતો વધીને કેટલું ગંભીર સ્વરૂપ પકડે છે તે એમને પાછળથી જ માલૂમ પડે છે. નીચેની વાર્તા ઉપરથી સમજાશે કે ‘આટલામાં તો કાંઈ નહિ’ નું પરિણામ શું આવે છે.

   અમારા વાચકોએ જમીનથી ત્રીસ ફૂટ પાંચ ઇંચ ઊંચે અંતરિક્ષમાં ઊભા રહી એક ત્રીસ ફૂટ ચાર ઇંચ ઊંચે બનતા બનાવો જુએ છે એવી કલ્પના કરવી. આ ઘર કાંઈ ભૂતપિશાચનું ન હતું કે પેસતાંની સાથે ભરખી લે. પરંતુ તેમની સાથે સ્પર્ધામાં ઊતરી શકે એવા સદગુણસંપન્ન દીનવત્સલ દંપતીનું હતું. તેમાં માન સાથે પ્રવેશી ન શકે એમ લાગવાથી વાચકવર્ગને ઉપલી કલ્પના કરવાનું સૂચવવામાં આવ્યું છે.

   આ દંપતીને, રામનો પક્ષ લઇ રાવણની સાથે યુદ્ધમાં જય મેળવી અયોધ્યાનાથનો વિજયડંકો દસે દિશામાં વગાડે એવા પંદર અને સત્તર વર્ષની વયના શાંત સ્વભાવનાં બે પુત્રો હતા; અને તે ઉપરાંત કુંભકર્ણની નિંદ્રાનો ઢોલનગારાંની મદદ સિવાય એક પળમાં વિનાશ કરે તેવું પાંચેક વર્ષનું બાળક હતું. આ બાળક જોકે ઘરમાં સૌને ત્રાસરૂપ હતું, પરંતુ ઊંઘણસી વકીલ મિ.મીઆઉને સવારમાં જગાડવાને એટલું તો ઉપયોગનું હતું કે સદગુણી(!) ચતુરબા એને ચૂંટી ખણીને પણ રોવડાવતાં. મિસિસ મીઆંઉ એટલાં તો ભોળાં અને સુસ્વભાવનાં હતાં કે ઘરની ચારે બાજુના પાડોશીઓમાંથી કોઈપણ સાથે એમને બોલવા વ્યવહારે ન હતો. વકીલ સાહેબને પોતાની સ્ત્રીનો ગુણ કોર્ટમાં ઉપયોગમાં લેવાને શીખવો પડ્યો હતો. પરંતુ ઘર સિવાય એમને ભાગ્યે જ વાગ્યુદ્ધ ચલાવવાનો પ્રસંગ મળતો. મિસ્ટર અને મિસિસ મીઆંઉને જયારે લડાઈ જાગતી ત્યારે એમના સપુતોના કહેવા મુજબ આડોશીપાડોશીને એટલી તો ગમ્મત પડતી કે પોતાનું બધું કામ છોડી બંને જણને ટાઢા પાડવાને બહાને તેઓ ઘરમાં દોડયા આવતાં. અસ્તુ.

   નાનુને આપણી વાર્તા ચાલે છે તે અરસામાં ઊધરસ થઇ હતી અને તાવનો રોગ થએલો હતો. (જે ખાસ ઉપયોગનો વિષય હોવાથી અહીં જણાવી દેવામાં આવે છે.) વૈદ્યડોક્ટરની જોકે ખોટ નહોતી, પરંતુ ચતુર ચતુરબા ઉધરસ અથવા બીજા દર્દો મટાડવાને પોતાને પિયેરથી શીખી લાવેલાં ઉપાયો અજમાવતાં. ઉપાય કેટલા રામબાણ હતા તે તરત અમારા વાચકોને જણાઈ આવશે.

   આ વખતે અગિયાર વાગ્યાનો સમય હતો. ચતુરબા આજે મિ. મીઆંઉના પિતાશ્રીની ‘છમછરી’ હોવાથી રાંધવાની તૈયારી કરતાં હતાં. ઘરડાં સાસુ સામે પાટ ઉપર બેસી એકલાંએકલાં કંઈક બોલતાં હતાં અને છીંકણીનાં સડાકા તાણતાં હતાં. વકીલ આજે નવરા હોવાથી મિત્રને ઘેર પાનાં ખેલવા ગયા હતા. બે મોટા ચિરંજીવીઓ વગર પૈસે શાક સંતાડી લાવવા બજારમાં ગયા હતા, જે કામથી ખુશ થઇ એમનાં માતુશ્રી એમને શાક જરા વધારે આપવાનાં હતાં. નાનુ બહાર દાદીમાની લાકડી ઉપાડી ઘોડો કુદાવતો હતો.

   કોણ જાણે પરમેશ્વરના કોપથી – કે મિ. મીઆંઉએ છૂટી વાડકીએ મારેલી બિલાડીના શાપથી કે એક દિવસે લાડુ થઇ રહ્યા હોવાથી ભૂખ્યા રહેલા ભટ્ટજીના નિસાસાથી – કે ગમે તે કારણથી પણ આજે નાનુ બહારથી આવી ચોકમાં પાછળ ખાઈ જેટલું જોર હતું તેટલા જોરથી ચીસો પાડવા લાગ્યો. ચતુરબા રસોડામાંથી દોડી આવ્યાં. ડોશી પણ ઊઠી ઊભાં થઇ ગયાં.
   ‘ભઈ, બા શું થયું તને ?’ હાથ ઝાલી ડોશી નાનુને ઉઠાડવા લાગ્યાં; પણ નાનુએ કાંઈ જવાબ વાળ્યો નહિ. ઊલટું તેણે વધારે જોરથી રડવા માંડ્યું. બીજી બેત્રણ વખત ડોશીએ ‘ભઈ’ ‘બા’ કર્યાં પણ નાનુ કેમે રડતો નહિ. ચતુરબા પણ સમજાવવા લાગ્યાં પણ નિષ્ફળ. આખરે ડોશીએ એક યુક્તિ કરી.
   ‘નાનુ, ભઈ, તારે કાંઈ જોઈએ છે ? લે આપું.’ કહી ડોશી નાનુ તરફ તાકી રહ્યાં.

   તરત જ ચૂપ થઇ નાનુ બોલ્યો : ‘બા, પેલો બાપુ રમકડું ખાય છે તે મને નથી આપતો.’
   ‘એનું રમકડું તે આપણાથી ખવાય કે ?’
   ‘તારે મને બીજું આપ.’ કહી પાછો ભેંકડો જોડ્યો.
   દોશીને તો તરત જ ખબર પડી હતી કે નાનુની ચોટ શા ઉપર છે. પણ ઊધરસ થઇ હોવાથી રમકડું આપવું ઠીક નહોતું. પણ હવે ના નુને છાનો શી રીતે રાખવો તેનો વિચાર કરી ડોશી બોલ્યાં :
   ‘જો રમકડું ખાઈએ તો (નાનુની છાતી ઉપર હાથ મૂકી) આ મરઘડો બોલે છે તે વધારે બોલે, હોં. ઊધરસ મટી જશે એટલે આપીશ.’   

   પણ નાનુ એમ કાંઈ માને તેમ નહોતો. જેવું તેણે જાણ્યું કે રમકડું મળે તેમ નથી કે તરત જ ભેંકડો ચાલુ કર્યો.
   આખરે કંટાળીને બધી યુક્તિઓ જેમાં સમાઈ ગઈ હતી એવી એક યુક્તિ ડોશીએ અજમાવી. નાનુની કૂખમાં ધીમે રહીને ચૂંટી ભરી : ‘છાનો રહે છે કે નહિ ? કહ્યું કે રમકડું ન ખવાય; પણ કંઈ માનતું જ નથી – માનતું જ નથી !’ અને બરડામાં બે ધપ્પા ચોડી દીધા.

   ચતુરબાથી આ સાંખી શકાયું નહિ. ‘ખહો આઘાં; ના જોયાં હોય તો ! છોકરાને મારી મારી અડધો કરી નાખ્યો. ખાંડને રમકડે એમનું મરઘડું બોલી જાય છે ! એક રમકડે શું થઇ ગયું ? એ તે કયો દસબાર ખઈ જાય છે તે ? લે બા, એક ખાજે હોં; એકમાં કશું નહિ થાય પણ જો બીજું માગ્યું છે તો પછી તું તારી વાત જાણ્યો !’ કહી નાનુના હાથમાં બરાબર ઝલાય તેવો એક નાનો મિનારો આપ્યો ને એ કજિયો ત્યાં પત્યો.

   છોકરા શાક આપી ગયા અને ચતુરબાએ રસોઈ ઝપાટામાં કરી નાખી. એક ‘બામણ’ અને ‘બામણી’ ને જમવાનું કહ્યું હતું. પહેલા તો ઘેર કામ કરવા આવનારી બામણીને જ કહ્યું હતું; પણ ચાલાક બામણીએ ‘એમને વાસ્તે પાછું ઘેર કરવા જવું પડશે, માટે ગમે તો દાળચોખા એમના જેટલા અહીં આપી જઈશ પણ તમારા ભેગું એમનું ય નાખજો’ કહી વરનું નોતરું યે માંગી લીધું હતું. ચતુરબાને મન કે ‘બામણ’ વળશે એમ સમજી બંનેને ભેગું જમવાનું કહી દીધું હતું.

   વખત થતાં ધણીધણીઆણી જમવા આવી પહોંચ્યાં. વકીલ સાહેબને જરા વાર લાગી હોવાથી મહારાજ ‘ગુજરાતી પંચ’ લઈને વાંચવા બેઠા. પાનાં ઉથલાવ્યે જતાં હતા અપન પહેલી વાર જ છાપું વાંચતા હોવાથી જરાજરામાં મલકી જતા હતા. તેમાં ‘વૈદ્યવિદ્યા’ની જાહેરખબર વાંચી દિંગ થઇ ગયા : ‘૧૨૮ પાનાંની ચોપડી મફત !’ ‘હેં ? આજની દખણાનું એક કાર્ડ લઇ નાખવું અને વૈદું હાથ કરવું. જો આવડી જાય તો આ ભીખ માગવી મૂકી દેવી અને ગંગલા ઘાંચીનો ઓટલો ભાડે લેવો. ત્યાં પાટિયું મારવું કે ‘જોશી અને વૈદ્યશાસ્ત્રા લંબોદર શર્મા.’ પછી ત્યાં આપનો ધંધો સારી રીતે જમાવવો અને પૈસા આવે તેને...’ વગેરે વિચારો સામટા કરી નાખ્યા.
   ‘લ્યો ઊઠો હવે, છાપું વાંચવા મંડ્યા છો તે.’ ધર્મપત્નીના શબ્દો કાણે પડ્યા.
   ‘છાપું મૂકી દઈ ‘કેમ, વકીલ સાહેબની વાટ નથી જોવી ?’
   ચતુરબા : ‘એ તો આવશે હવે. કોણ જાણે ક્યાં યે રખડવા ગયા હશે. એમનું તે કાંઈ ઠેકાણું બળ્યું છે ? તમે ને ઈચ્છા જામી લ્યો.’
   ‘આપણે ત્યારે ક્યાં વાર હતી ?’ કહી મહારાજે ટૂંકું પંચિયું પહેરી અને લોટો પાણી શરીરે રેડ્યું ન રેડ્યું ને જ્યાં કોરું દેખાયું ત્યાં હાથ ફેરવી દીધો ને અબોટિયું પહેરી ‘ગોવિંદ ગોવિંદ’ કરતા પાટલે બેઠા.

   ચતુરબાએ થાળી પીરસીને ગોર મહારાજ આગળ મૂકી અને સામું જોઈ સંતોષથી મુખ મલકાવ્યું. મહારાજે બ્રહ્માર્પણ મૂક્યું અને ચતુરબા તરફ જોયું. તેમણે જરા હસતાં જોઈ ‘આવું બધું યે કરવું જોઈએ. બ્રાહ્મણની નાત ઘડિ એટલે નાસ્તિક થવું શે પરવડે ?’
   જમણ શીરાપૂરીનું હતું. આજે અજમા ને ગલકાનાં ભજિયાં કરેલા હતા.
   ‘ચતુરબા ! ગમે તેમ કહો, પણ રસોઈ તો તમારી જ. અમે ઘણાયને ઘેર જમીએ છીએ, પણ તમારી ટોળે કોઈ ન આવે.’ બ્રાહ્મણીએ વિવેક કર્યો. જો કે તે દિવસનો શીરો તો પોટીસ જેવો હતો અને પૂરી જરાક કાચી રહી હતી !

   જમવાનો વખત થયો જાણી નાનુ દોડતો આવ્યો અને પેટ ઉપર હાથ પછાડી ‘ભૂખ લાગી છે’ની બૂમો પાડવા લાગ્યો.
   ‘બ્રાહ્મણી : ‘બહેન, એને ખાવા આપો ને. એને ભૂખ ન લાગે?’
   ચતુરબા: (દાંત પીસી) આ રાંડ ડોશલી ક્યાં આપવા દે છે ?
   લંબોદર : કેમ એને કંઈ થયું છે ?
   ‘હા, હમણાં એને જરા ઉધરસ આવે છે ને અપચો થયો છે, ને જરા તાવ પણ આવી જાય છે.’
   બ્રાહ્મણી : હશે, તો યે બે પૂરી અને થોડોએક શીરો મેલો; એટલામાં તો કાંઈ નહિ.
   ડોશી બેઠાંબેઠાં બધું સાંભળતાં હતાં તે બોલી ઊઠ્યાં : ‘વહુ, એક કોળિયો શીરો અને એક જ પૂરી આપજો. ભજિયું બજિયું કંઈ આપશો નહિ.’
 
   ડોશીની જ્યાં રજા મળી એટલે બસ. ખાસ્સા બે તાવેથાં શીરો અને બે પૂરી ચતુરબાએ પીરસી દીધી, અને ઈચ્છાના કહેવાથી ચારપાંચ ભજિયા પણ મૂક્યાં. ઉધરસ ખાતોખાતો નાનુ સપાટાબંધ બધું ઝાપટી ગયો અને ફરી ભજિયાં લેવાને ધમસાણ મચાવી મૂક્યું.
   ‘શું છે પાછું ?’ ડોશી ઘુરક્યાં.
   ચતુરબા : બા, એને ભજિયું જોઈએ છે; મૂકું એક ? એકમાં શું થવાનું છે ?
   ડોશી : નથી મૂકવું એકે. વૈદ્યે કહ્યું છે કે દવા ન કરો તો ભલે, પણ તમારા નાનુને તેલમરચું ન ખવડાવશો. પણ કોણ, મારો બાપ માને છે ?
   ચતુરબા : પણ બા, એક ભજિયું મૂકવામાં શું ? એટલામાં તો કાંઈ નહિ થઇ જાય.
   ડોશી : ખબરદાર, જો અડધું યે મૂકયું છે તો.
   પણ છોકરાની સ્ટીમ વધી હતી, તેથી ડોશી ‘ભોગ તમારા’ કહી અટક્યાં.
   ચતુરબાએ ‘બેચાર ભજિયાં લે બા, હવે કંઈ માગીશ નહિ’ કહી મૂકી દીધાં. તે પણ ઉડાવી ગયા પછી નાનુએ ધાર્યું કે હવે આપણી ચોટ લાગે તેમ નથી, તેથી તેણે બીજી યુક્તિ અજમાવી. ચતુરબા પરસાળમાં થાળ કરવા ગયાં હતાં કેમકે બ્રાહ્મણનાં વખાણ હજુ કાનમાં વાગતાં હતાં. લાગ જોઈ તરત જ નાનું રસોડામાં પેસી ખોબો ભરીને ભજિયાં ઉઠાવીને બહાર દોડી ગયો.

   બંને જણા એની ચોરી જાણતાં હતાં, ‘પણ એમ એક દહાડો ખાધે શું થઇ જવાનું છે ? ને વળી ડોશી જાણે તો કજિયો થાય’ એમ જાણી કંઈ બોલ્યાં નહિ. અને કંઈ પણ બીક વગર ભજિયાં ઉઠાવી હસતો હસતો નાનુ અંદર આવ્યો. ડોશી છીંકણી લેવા વીરમગામવાળા ખુશાલની દુકાને ગયાં હતાં.

   ચતુરબાની માશીને ઘેર આજ નૈવેધ હતું તેથી બટુક જોઈતો હતો. તે ઝપાટાબંધ ઘરમાં આવી : ‘અલી ચતુરી ! આ નાનુંને લઇ જાઉં છું હોં કે?’
   ‘એ ક્યાં માશી ?’
   ‘આજ મારે ઘેર નૈવેદ છે તે ગોર બટુક વગર બેસી રહ્યાં છે. લે આવે છે કે ?’
   ‘બા જાઉં ? થોડું જ ખાઈશ.’ ડાહ્યો થતો નાનુ બોલ્યો.
   ‘હારૂ, જા ! માશી, ભઈશાબ, એને ખવરાવશો નહિ. હમણાં એ માંદો થયો છે. અને ઝટ મોકલી દેજો. બા આવશે તો મારી ધૂળ કાઢી નાખશે.’
   ‘અરે એ તો કયો બહુ ખઇ જતો’તો તે? ચપટી ચણા ને કોળિયો કંસાર ખાશે એટલામાં તે કેટલો માંદો પડી જવાનો છે? તુંયે અલી પોમલી છું ને?’ કહી માશી ઘર તરફ વળ્યાં.

   પેટનો જેટલો ભાગ ખાલી હતો તેનો પોણો ભાગ ચણા અને બાકીનો કંસારથી નાનુએ ભરી કાઢ્યો. પેટની ગોળી ડોશીનો માર ઝીલવાને ઢાલની માફક આગળ કરીને નાનુએ ઘરમાં પ્રવેશ કર્યો ને ડોશી હીંચકા ઉપર તાજી જ છીંકણી સૂંઘતાં હતાં ત્યાં ખડો થયો.
   ‘આય, ભઈ ! શું શું ખાધું તેં?’ કહી ડોશીએ પેટ પર હાથ ફેરવ્યો અને સમજી ગયાં કે ચતુરબાએ કહ્યું માન્યું નથી. અકળાએલો હોવાથી નાનુ પરસાળમાં સૂઈ ગયો.

   ‘રાહ જોઈજોઇને ચતુરબા જમવાની તૈયારી કરતાં હતાં ત્યાં મિ.મીઆંઉ ધીમુંધીમું મુખ મલકાવતા બહારથી આવ્યાં. સ્મિતનું કારણ એટલું જ હતું કે આજે એમની જિંદગીમાં પહેલી જ વાર નાનુને વાસ્તે એ કાંઈક ખાવાનું લાવ્યા હતાં. તે પણ કંઈ પૈસા ખરચીને તો નહિ જ. એક ચેવડાવાળાને એમણે કેસમાંથી બચાવ્યો હતો તેની ફીમાં એણે શેર ચેવડો બાંધી આપ્યો હતો. શું કરે? આટલા બધા વકીલમાં એમને રોકડો રૂપિયો તે ક્યાંથી મળે? વળી એક વધેરેલું નાળિયેર પણ તેમના હાથમાં હતું. એમના જ્યેષ્ઠ પુત્રને મૂછો ઊગતી નહોતી તેથી પતિપત્નીને એની બાધા રાખી હતી અને હમણાં થોડા દિવસથી અંકુરો ફૂટ્યાં હોવાથી આજે વકીલ સાહેબ પાના રમીને બાધા પૂરી કરતા આવ્યાં હતા. જોકે નાળિયેર એમને વરઘોડામાંથી મફત મળ્યું હતું !

   હંમેશાં ઘરમાં આવતાં જ મિ.મીઆંઉ અને ચતુરબાને ઠેરતી. આજે સ્વામીને હસતા આવતાં જોઈ એમને કેટલું કેટલું થયું હશે ! હર્ષનાં આંસુ આવ્યાં હશે કે પતિનાં અંગૂઠા ધોઇ પીવાનું મન થયું હશે ! હું તો એ કળી શકતો નથી; પણ વાંચનારમાંથી કદી કોઈને ચતુરબા જેવી સાધ્વી સ્ત્રી હશે તો હું ખાતરીથી કહું છું કે તેઓ ક્યારનાયે એમના હૃદયની આ વખતની લાગણીઓ સમજી ગયા હશે.
   ડોશી બિચારાં ભૂખ્યાંતરસ્યાં બેસી રહ્યાં હતાં. એમના મનમાં તો ક્યારે આ વહુને ધમધમાવું એમ થઇ રહ્યું હતું. પણ ડોસાની છમછરીને દહાડે ઘરમાં કોણ કકળાટ ઘાલે એમ વિચાર કરી ગમ ખાઈ ગયાં હતાં.

   મિ.મીઆંઉ અને ડોશી સાથે જમવા બેસી ગયાં. તેમણે હજુ એક જ કોળિયો મોંમાં મૂક્યો હતો અને બીજો મૂકવાને હાથ મોં અને થાળીની બરાબર વચ્ચે હતો એટલામાં નાનુની આંખ ઊઘડી.
   કોણ જાણે પૂર્વજન્મનાં પુણ્ય ફળ્યાં હોય તેને લીધે કે શુભ ચોઘડિયામાં નાનુનો જન્મ થયો હોય તેને લીધે, પણ વકીલ આજે ટોપરું અને ચેવડો હીંચકા પર ભૂલી ગયા હતા. નાનુની આંખ ત્યાં પડી. સારો લાગ આવેલો જોઈ એ ધીમે રહી ઊઠ્યો અને છાનોમાનો હીંચકે બેસી ગયો. હળવે રહીને રૂમાલ છોડ્યો તો અંદર તર માલ જોયો. ટોપરાનો મોટો કકડો ઉઠાવ્યો ને નિરાંતે ઉડાવવા માંડ્યો. ત્યાં ડોશીની આંખ તેના પર પડી.
   ‘મૂકી દે ! મૂકે છે કે નથી મૂકતો ? મોટો દોઢ મણનો કકડો લઈને ડૂંચવા મંડ્યો છે તે ! મૂકે છે કે ઉઠું ?’

   ડોશીની આંખ જોઈ નાનુ મૂકી દેવાની તૈયારીમાં હતો, પણ ચતુરબાનો અવાજ સાંભળી એણે મોં ચાલુ રાખ્યું.
   ‘પરસાદની તે ના કહેવાતી હશે ? માને કૂંડું પડે તો છોકરો મારો મૂછો વગરનો રહે ! ખા બા, બીજો લઈશ નહિ.’

   અને ફરી ‘ભોગ તમારા’ કહી ડોશી અટક્યાં.
   નાનું હવે નિર્ભય થયો હતો. ટોપરું પૂરું કરી ચેવડાનું પડીકું છોડ્યું. તીખું લાગવાથી મોંમાં સિસકારા બોલવા લાગ્યા. પણ ખાધે છૂટકો. મિ.મીઆંઉને મન એમ કે ચેવડાના ક્યાં પૈસા આપ્યા છે ? એટલે ખાઈ જશે તો કાંઈ હરકત નહિ.

   બીજે દિવસે સવારમાં નાનુનો ઘાંટો બિલકુલ બેસી ગયો હતો અને ઉધરસ રહીરહીને આવતી હતી તેમજ શરીરમાં ધાણી ફૂટે તેવો તાવ ભરાયો હતો. ચતુરબાને લાગ્યું કે છોકરો તો માંડો પડ્યો. કાલે ડોશીએ ટોપરાની ના કહી એટલે જ માનું કૂંડું પડ્યું એમ ધારી મનમાં ને મનમાં ડોશીને ગાળો દેવા લાગ્યાં. પરંતુ પોતાની ભૂલ હજુ માલૂમ પડતી નહોતી. ડોશી હમેશ મુજબ છીંકણી તાણતાં પથારીમાં બેઠાં હતાં અને ચતુરબા નાનુની પથારી પાસે બેસી એ ઉધરસ ખાય કે ‘ખમ્મા’ કહેતાં તેને બરડે હાથ ફેરવતાં હતાં. એટલામાં બટુક લઇ જનારાં ચતુરબાનાં માશીને ખબર પડી કે ઊઠતાં ને વાંત જ દોડતાંદોડતાં ઘરમાં આવ્યા.

   ‘અલી ચતુરી ? શું થયું છે છોકરાને. મેં તો હાંભળ્યું ને મારો તો જીવ જ ઊડી ગયો. મેંકુ લાય જઉં ચતુરી પાસે, એ પાછી ઢીલગંડી છે તો.’
   ‘હા જીવી માશી, મારો જીવ તો ભઈશાબ બહુ ઢીલો. આ હાળું કંઈ થાય તો આપણને હુજ ન પડે; કાંક બતાવો ને ?’
   ‘પહેલી તો એની નજર બંધ. હમણાંનો જરા રમણે ચડ્યો છે તે કોકની નજર લાગી હશે. પછી સૂંઠમરીને તેલમાં કકડાવી ખાંડી નાખ અને એનો હારો ઉકાળો કરી પઇ નાંખ, હમજી. દાક્તરે મારા રોયા શું આપવાના છે ?’

   ચતુરબાઈ મૂઠો ભરી મરચાં ઉતારી દેવતામાં નાખ્યાં અને પછી સૂંઠ, મરી વગેરેનાં પડીકાં કાઢી માશીએ બતાવ્યું હતું તેમ તેને ખાંડી ભૂકો કરી ઉકાળો બનાવ્યો, અને તેમાં જરા ખાંડ નાખી નાનુને પાઈ દીધો.

   ચતુરબાને આમ ઊંટવૈદુ કરતાં જોઈ ડોશી તરત જ વૈદ્યને બોલાવવાં ચાલ્યાં. ઘરમાં ગરબડાટ સાંભળી મિ.મીઆંઉ પણ જાગી ઊઠ્યા.

   નાનુથી હવે બોલાતું ન હતું. તાવને લીધે આંખ મીંચીને એ પડી રહ્યો હતો, પણ મરચાંની ધુમાડી નાકમાં જવાથી એ આકુળવ્યાકુળ થઈ આળોટવા લાગ્યો.
   એટલામાં વૈદ્યરાજ પધાર્યા. બધાં આઘાં ખસી ગયાં. જયરામે નાનુની નાડ તપાસીને એણે શું શું ખાધું છે તેની વિગતો માગી.
   ચતુરબા : કશું યે નહિ. એક જરા કાલ હવારમાં ખાંડનું રમકડું, રોતો’તો તે આપ્યું’તું અને કોળિયો શીરોપૂરી બાએ અપાવ્યાં હતાં. બીજું કાંઈયે ખાધું નથી.
   જયરામ : કંઈક વધારે હોવું જોઈએ. કોળિયા શીરે કંઈ આમ થાય નહિ.
   જીવી : હાચેહાચું કહું ? કાલે મારા ઘેર નૈવેદ હતું તે ચપટી ચણા ખવરાવ્યા હતા; બીજું તો કાંઈ ખાધું નથી.
   ‘જયરામભાઈ ! છો બધાં ના કહે, પણ પાશેર શીરો, પાશેર ચણા, બે ત્રણ પૂરીઓ દસબાર ભજિયાં, નવટાંકનો ટોપરાનો કટકો, પાશેર સિન્દુરિયા તેલનો ચેવડો અને અધૂરામાં પૂરું આ સૂંઠમરીનો ઉકાળો છોકરાના પેટમાં ગયાં છે.’ બધું આંગળીને વેઢે ગણાવતાં ડોશી ચતુરબા તરફ ડોળા કાઢી બોલ્યાં.
   જયરામ : અરે તમારું ભલું થાય. પરમેશ્વરનો પાડ માનો કે છોકરો આટલો યે સારો રહ્યો છે. ઉધરસવાળા માણસને આ બધું અપાતું હશે ? તમને બૈરાંને તે કંઈ અક્કલ હશે ?
   ડોશી : આ ‘એટલામાં તો કંઈ નહિ’ની મંડાઈ છે. હું એને રોજ કહેતી હતી કે અલી તું એને તીખું અને તેલવાળું કશું આપીશ નહિ, પણ એના ‘એટલામાં તો કંઈ નહિ’માં સાંભળે છે કોણ ? મૂઈને પાશેર તો મરચાં દેવતામાં નાખ્યાં છે.

   અને આમ કહેતામાં તો મરચાંની ધુમાડીથી ઉધરસ ખાતાં ડોશી અકળાઈ ગયા.
   વૈદ્યે તરત જ નાનુને સોનામુખી ગોળમાં ખવરાવી દેવા આપી અને બીજાં બે પડીકાં સાંજે આપવાનું કહી ચાલ્યા ગયા.
   ત્રણ દિવસ પછી નાનું સાજો થયો અને આજ તો મંગા મ્હેતાના ડહેલામાં એ એકડે એક ઘૂંટે છે.
* * * * *


0 comments


Leave comment