7 - મૃગચર્મ / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


   એક ગાઢું વિપિન હતું. તરુકુંજ અને શિલાઓથી એ આચ્છાદિત હતું. ત્યાં ઊંચા ગિરિશૃંગે એક શિવાલય હતું. અને સાથે જ એક ક્ષત્રિય વીરની ઝૂંપડી હતી. પ્રભાતનું કિરણ પ્રથમ એને જ અજવાળતું. સવિતાદેવને પ્રથમ અર્ધ્ય એ ક્ષત્રિય વીર જ આપતો.

   એને એક કન્યા હતી. એ વિપિનની વેલી હતી. કુમળી ને નાજુક હજુ ખીલતી હતી. ભૃકુટી ઉપર હજી પુષ્પધનુએ ધન્વા નહોતું રચ્યું. નયનમાંથી શર છૂટવાને વાર હતી. મદનરાજે પોતાના અજય શર તેની ઉપર નહોતાં ચલાવ્યાં. કુમારિકાએ હજી અગિયાર વસંત જ અંગે શોષી હતી.

   સાયંકાળ હતો. સવિતાનારાયણ એક આઘા ગિરિને સ્પર્શી રહ્યાં હતાં. નલિની એક શિલા ઉપર મુગ્ધ શાંત ઊભી રહી અસ્ત થતા સૂર્યદેવને નિરખતી હતી. અત્યંત પ્રકાશમાં છુપાએલા છતાં યે પ્રભુના દિવ્ય મંત્રો તે ઉકેલતી હતી.

   પિતા પાસેના ગામમાં અનાજ લેવા ગયા હતા. નાનું કુરંગ બાળ એક વર્ષથી પોતાનું સ્નેહી ને પિતાનું લાડીલું બાળ બનેલું. સામેના ગિરિ નીચે આવવાના માર્ગ પાસે એ રમતું હતું. પિતાની પાછળ પાછળ આવવા માટે જ એ ત્યાં ફરતું હતું.

   એવામાં વૃક્ષની ઝાડીઓમાં ખડખડાટ થયો હરિણ ચમક્યું. એને છલંગ મારી. પાછળની કુંજમાંથી અશ્વારૂઢ એક ક્ષત્રિય યુવાન કૂદી પડ્યો. ધનુષ્ય ઉગામી મૃગની પાછળ પડ્યો.

   ભયભીત નલિની આ જોઈ રહી હતી અને ‘ઓ બાપુડા ! અહી આવતું રહે !’ એમ જોરથી બોલાતી હતી.

   મૃત્યુની કોર ઉપર આવી પડેલું હરિણ દોડતું હતું. કુમારિકાનું ચિત્ત આશાની ધાર ઉપર અવલંબતું હતું.
   રાજકુમારે તીર ફેંક્યું.
   ‘બચી જશે’ એમ ઇચ્છતી – પ્રાર્થના કરતી, પાસે આવી પહોંચેલા મૃગ તરફ નલિની દોડી. પણ ત્યાં તો તીરે પોતાનું કાર્ય કરી દીધું હતું.
   મૃગયાનું શર ખાલી નહોતું ગયું ! તીર લાગતા જ હરિણે ચીસ નાખી. સાથે કુમારિકાનું હૃદય પણ ભેદાઈ ગયું. બંને ઢળી પડ્યાં. એકે પ્રાણ ત્યાગ્યા, બીજી બેભાન થઇ.

   કારમી ચીસ સાંભળતાં એક તરફથી રાજપુત્ર અને બીજી તરફથી દૂરથી દોડતો પિતા પણ આવી પહોંચ્યો.
   ‘નલિની ! નલિની !’ બોલતાં પિતાએ રાજપુત્ર સામું જોયું. મુખ પરિચિત હોય એમ લાગ્યું.
   ‘તમે રણવીર તો નહિ ?’
   ‘હા જી, તે જ હું.’
   ‘કુમાર ! મહાણ અપરાધ કર્યો છે. એ કુરંગ મારે પુત્રવત્ હતું; નલિનીના નાના ભાઈસમ હતું.’
   ‘તેથી હું અજ્ઞાત હતો; મને માફ કરો.’ રાજપુત્ર દીન થઇ ગયો.
   ‘તમને માફ જ છે.’ તેને દીન થએલો જોઈ વૃદ્ધે ક્ષમા આપી. પણ શમી ગએલા ક્રોધે શોકનું સ્વરૂપ પકડ્યું અને તે પણ નિ:સ્વસ્થ થઇ પડ્યો.

   મૃત મૃગને અશ્વ ઉપર ગોઠવી રાજપુત્ર પાછો ફર્યો. અરધો રસ્તો કાપતાં કરેલા અપરાધને લીધે ઉપજેલો શોક ઓછો થઇ ગયો. મૃગયાનો કોડીલો રાજપુત્ર શિકારને લઇ મગરૂરીથી મલકાતો મહેલમાં પ્રવેશ્યો.

   ભાન આવતાં નલિનીનો અશ્રપ્રવાહ વહેવા લાગ્યો. સાન્ત્વન દેતા પિતાથી પણ રડી જવાતું.
   ‘ઓ બાપુડા! તું ક્યાં જતું રહ્યું ?’ કહી બાળા બેઠી થઇ અને પિતાજીની છાતીએ અશ્રુના ભાર હળવા કર્યા.
   ‘રણવીર ! તને નલિનીએ જોયો ના હોત તો સારું હતું તને ખબર નથી; પણ નલિની તો તારી ભવિષ્યની પત્ની નક્કી થઇ ચૂકેલી છે. લગ્ન પછી તને એ ઓળખશે તો મને શાપ દેશે અને તારો તિરસ્કાર કરશે.’ પિતા મનમાં વિમાસતો હતો.

   ત્રણેક વર્ષ વહી ગયાં છે. વીરપુરમાંથી એક વરઘોડો ચડ્યો છે. ઢોલનગારાં વાગે છે ને વાજતેગાજતે તે જંગલમાં આવી પહોંચ્યો છે. પશુપંખી અપરિચિત અવાજથી નાસી જાય છે. નલિનીના શૃંગ ઉપર એ અવાજ સંભળાય છે. એના શ્રાવણમાં એ કાંઈક કહે છે. અવાજ ઘોર ગંભીર છતાં નલિનીને તે મૃદુ લાગે છે. શબ્દ વગરની ભાષામાં એ કંઈક બોલતો જણાય છે. નલિની એનો મર્મ સમજે છે.

   શૈલ ઉપર અવાજ શાંત થયો. નલિનીના પિતાએ પોતાની ગરીબ ઝુંપડીમાંથી નીકળી રણવીરનો, તેના પિતાનો તથા રણવીરના સઘળા જાનૈયાનો સત્કાર કર્યો.
   નલિની રણવીરની થઇ. રણવીર નલિનીનો થયો.
   છેવટે વૃદ્ધની વિદારગીરી લઇ સૌ નલિની સાથે પાછા વળ્યાં.
   વીરપુર આવ્યું. કન્યા લઇ વરઘોડો ગામમાં ફર્યો. પ્રસન્ન મને પતિપત્ની મહેલમાં પ્રવેશ્યાં અને ઇષ્ટદેવને પગે લાગવા ગયાં.
   પાટલા મૂકી આસન રચ્યાં હતાં; ઉપર મૃગચર્મ પાથર્યા હતાં.

   દેવને નમન કરવા નલિનીએ પાટલા ઉપર પગ મૂક્યો ને ચર્મ જોયું. કપાળ ઉપરની પરિચિત રેખાઓ જોઈ. ‘આ તો મારા બાપુડાનું જ ચર્મ ! અને ત્યાં તો પેટ ઉપર વાગેલા તીરનું છિદ્ર જોયું. દડદડતું લોહી નજર આગળ ખડું થયું. તેણે તમ્મર આવ્યાં. તેણે મૃગના ઘાતકને ઓળખ્યો. એ જ પોતાનો પતિ ?? તે દિવસે મૃતવિયોગનો આઘાત થયો હતો; આજે પ્રત્યાઘાત થયો !

   તે દિવસે ફેંકાએલું તીર પગ પાસેના છિદ્રમાંથી આજ નલિનીના અંતરમાં સોંસરું ભોંકાયું હોય એમ લાગ્યું. એ જમીન ઉપર ઢળી પડી. શૂન્ય થઇ – શબવત્ થઇ ! શબ થઇ !!
   અહા ! નંદનવનમાં બાળ કુરંગ સાથે પેલી કોણ દેવી રમે છે !
* * * * *


0 comments


Leave comment