1 - રજનું ગજ / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


   રાત્રિના દસેક વાગ્યા હશે. બીજા રસ્તાઓ કરતાં સાંકડી શેરીમાં અવરજવર ઓછો હોવાથી અત્યારે લગભગ શાંતિ પ્રસરેલી હતી. વધારે વર્ણન કર્યા વગર આપણે પ્રસ્તુત સ્થાન તરફ ફરીએ.

   આ રસ્તા ઉપર ડાબા હાથની ગલીમાં બે માળના એક ઘરના એક ખાનગી ઓરડામાં પિસ્તાળીસેક વર્ષની વયનો એક પુરુષ બેઠો હતો. તેની સામે આશરે પાંત્રીસેક વર્ષની ઉમરની એક સ્ત્રી બેઠી હતી. પુરુષ શરીરે હૃષ્ટપુષ્ટ હોવાથી તેનું મુખ જરા બિહામણું લાગતું હતું. બંને વચ્ચે વાતચીત ચાલતી હતી.

   સ્ત્રી : ‘ગમે તેમ કહો, પણ તમે ચંદનને વિલાયત જવા દીધો તે સારૂં ન કર્યું.’
   પુરુષ : ‘તમારાં બૈરાંમાં તે કયારે અક્કલ આવશે ? પરીક્ષામાં જો છોકરો પાસ થાય તો આ બધું ય સાટું વળી જાય ને ? એનું તમને ભાન છે ?’
   ‘હયું ભાન. તમે પુરુષો તો જાણો કે તમે જ એકલા ડાહ્યા. એને રસ્તામાં કેટલી વિપત પડશે ? વળી સાહેબલોકના ભેગું રહેવાનું એ વટાળ હાથે કરીને ઘરમાં ઘાલ્યો. આપણે બ્રાહ્મણની જાત. એ તે આપણને શોભે ?’
   ‘શોભે કે ન શોભે, જવાથી જેટલો લાભ થાય છે એના કરતાં ગેરલાભ ઓછો છે, સમજી?’
   ‘કપાળ તમારું “ઓછો છે !” મોટા લાભ અને વગરલાભ જોનારા ના જોયા હોય તો !’
   શ્યામશંકર આ મહેણાટુંણાં વધારે સાંખી શકે એમ ન હતું. ‘વધારે લવલવ કરીશ તો કાંઈક માર ખાઈ બેસીશ.’ એમ બોલી મનને પરાણે રોકી રાખી તે શાંત પડ્યા અને પાસે પડેલી બીડીં પીવાની દાબડી ઉપર હાથ મૂક્યો.

   હીરાગૌરીને લાગ્યું કે તે છૂટી મારશે (જોકે તેમ હતું જ નહિ) એટલે તે ઊઠીને ઓરડા બહાર ગયાં.
વિસ્તાર પહેલો
   બીજે દિવસે હીરાગૌરીને ઓટલે સાંજના ચારેક વાગ્યે બૈરાંઓની મીટિંગ ભરાઈ હતી. જમની દરજણ હાથમાં બાંધણી ગૂથતી પગથિયાં ઉપર બેઠી હતી. સોમલી ગાંયજણ, દયણાંવાળી જીવી અને અમથી એંઠવાડ કાઢનારી નવરાશને વખત કાઢી આજે આવ્યાં હતાં.

   પાડોશીના ઘરની વેણીરામ માસ્તરની વહુ નવી કાકી એમના છૈયાને ખોળામાં ઢાંકી વાતો કરવા મચી ગયાં હતાં, જયારે વેણીરામ માસ્તર ઉપર મેડીએ ઊભાઊભા નિશાળમાંથી બોલાવી આણેલા એક છોકરા પાસે વાસીદું વળાવી ચાદરૂં પથરાવતા હતા, અને વચ્ચે વચ્ચે નીચે થતી બૈરાંની વાતોમાં ધ્યાન દેતા હતા.

   નવી કાકી : “હીરી ભાભી ! કાલ શું હતું? આય ! હાય ! તમારા શ્યામોભઈ તે બહુ, ભૈશાબ-બહુ ઝાંઝી. હું તો બારીએ ઊભી હતી અને તમને ઘાંટા પાડતા હાંભળી મારો તો બા જીવ ઊડી ગયો ! મેંકું આ તો હીરીભાભીને મારશે કે શી બલા ! મેં તે એમને (વેણીરામને) કહ્યું કે તમે જાવ ને શ્યામાભાઈને જરા ટાઢા પાડો. એમનો સ્વભાવ બહુ હારો લ્યા. જો; આ હું કોઈક દા’ડે એમની હામું બોલું ખરી, પણ હજી લગણ મને ઊંચો અખ્ખરે કહ્યો નથી.”

   હીરાગૌરી : ‘બળ્યું, જવાદો ને એ વાત. હું તો એમનાથી ત્રાસી ગઈ છું. સારું થયું કે બહાર જતી રહી; નહિ તો કોણ જાણે શું યે કરી નાખત. એ તો મારી સામે આંખો કાઢીને હાથ ઉગામતા હતા. સાળું, ઘૈડે ઘડપણ કોડીની યે અકલ નહિ ! જેમજેમ મોટા થતા જાય છે, તેમતેમ ભોંયમાં પેસતા જાય છે. બાપ, એમણે તો છીંકણીની (બીડીની કહે તો બ્રાહ્મણ થઈને બીડી પીએ છે એમ કહેવાય !) ડાભડી મારા ઉપર ફેંકી, તે તડાક લઈને મારા પગ ઉપર વાગી. એ તો હું નાસું યે નહિ ને બચું ચે નહિ.’

   બાંધણી ગૂંથતી જમની બેલીઃ ‘બહુ આકરા શ્યામાભાઈ, લ્યો. મારે ત્યાં યે તમારા ભાઈ છેસ્તો; પણ કોઈ દા’ડે મારી આગળ ઘાંટો કાઢીને બોલે નહિ. એક દા’ડે ગજ લઈને મગની આ (એમને ચિરંજીવી) પાછળ પડ્યા હતા; પણ મેં વાર્યા કે ચપ.’

   ‘ને મારા ઘરમાં ય–‘ સોમલી ગાંયજણ બોલી ઊઠી: ‘તમારા જેવું નહિ. એક દા’ડો છે ને, તે કોઈ ઘરાક મને મોકલવાનું કહી ગએલો, ને મૂઈ, હું તો ભૂલી ગઈ. એમને ખબર પડી કે વઢયા; પણ મારવાબારવાની વાત નહિ.’

   અમથી એંઠવાડ કાઢનારી (જે વિધવા હતી) : ‘બા, જારે એ જીવતા તારે હું એ વેળા નાની ખરી. પણ કામ ને કાજ બધું મને સોંપી દીધેલું. ચાકરીએથી આવે અને પડી રહે. બોલે કે ચાલે. હું તો કહું છું કે ભાયડો હજો તે એવા હજો.’
   ઉપર ઊભાઊભા વેણીરામ આ બધું સાંભળતા હતા અને મન સાથે વાત (Soliloquy) કરતા હતા: આ વાત અચા કાકા (હીરાગૌરીના પિતાશ્રી) ને કાને નાખવી જોઈએ. ગમે તો હીરાભાભીને એ ચાર દહાડા પિયેર રાખે, પણ ઘરને કંકાસ આમ ચાલવા દઈએ એ તો ઠીક નહિ. સારા પુરૂષનું એ લક્ષણ નહિ. આપણે, સાળું, છોકરો લેસન ના કરી લાવ્યો હોય તો ચે મારતાં વિચાર કરીએ;–જોકે ખરી રીતે આપણને તો સંપૂર્ણ હક્ક છે. પણ આમ એ હક્કનો દુરુપયોગ કરાય કે?

   માસ્તરને બિચારાને બહુ લાગી આવ્યું. એ ગુસ્સે જલદી થઈ જતા હતા. અને તેની નિશાની તેમના નાક ઉપર પડી ગઈ હતી. છોકરાઓ ઉપર વારંવાર ચિડાઈચિડાઈને એમનાં નસકોરાનો આકાર અણીદાર બની ગયો હતો. તરત જ એમણે પંચિયાને લટકતો છેડો ફેંટમાં ખોસી દીધો, લાંબી બાંહ્યનું અંગરખું ચઢાવી લીધું અને છાતીના એક પડખા આગળ કસની ગાંઠો વાળી. અંદર કાંઈ પહેરેલું નહિ હોવાથી બીજું પડખું ઉઘાડું જ રહ્યું. પેટીના વચાળામાંથી પાઘડી કાઢી માથે મૂકી અને હાથમાં મોટી લાકડી લઈને એ અચાકાકાને ઘેર જવા નીકળ્યા.

   એમને બહાર જતા જોઈને ઊમળકો આવવાથી નવીકાકી બોલી ઊઠ્યાં: ‘ક્યમ, એટલામાં ક્યાં જાવ છો ?’
   ‘જહાનમમાં..... સાળી બૈરાંની આ કટેવ. બહાર નીકળ્યા કે ક્યાં જાવ છો ?’ અને આમ મોટો ઘાંટો કાઢી માસ્તર પાછા ઘરમાં જઈ હીંચકે બેઠા.
   ‘એમને ધરમ ઉપર તે ગાંડછા જ લાગી છે. હીરાભાભી, કોઈ અપશુકન કરાવે તો એમનો જીવ ઊડી જાય.’ જોકે પોતાનું મોઢું તો પડી ગયું હતું છતાં રીસને જુદું રૂપ આપી નવીકાકી બોલ્યાં. બીજાં બૈરાં શાંત બેસી રહ્યાં.

   માસ્તર ઘડી રહીને બહાર નીકળ્યા અને થોડી વાર પછી બૈરાંમીટિંગ પણ બરખાસ્ત થઈ.
વિસ્તાર બીજો
   અચાકાકાનું ઘર ચાંલ્લાઓળની એક ગલીઆરીમાં આવ્યું હતું. આંગણામાં પેસતાં જ ગટર હતી, જે ઊભરાઈને પાણી આખી ગલીમાં ફરી વળ્યું હતું. માસ્તર કૂદકા મારતા ત્યાં જઈ પહોંચ્યા. અને બારણાં આગળ ખડા થઈ અચાકાકાના છોકરાને હાંક મારી બારણું ખખડાવ્યું:
   ‘શંકરભા . . . ઈ!’
   ‘કોણ છે એ ? જો અલ્યા શંકરીઆ, બારણું ઉઘાડ તો.’ બારી આગળથી અચાકાકા બોલ્યા.

   બારણું ઊઘડવું અને માસ્તર મેડે ચડ્યા.
   ‘જય જય મુરબ્બી.’ દાદરને પગથિયે રહી હાથ જોડી માસ્તરે ધોકો ઊંચે કર્યો.
   “ઓહો, માસ્તર! તમે કયાંથી ? બહુ દહાડે ભૂલા પડ્યા ! કેમ, અમારી હીરી ને શ્યામશંકર ખુશીમાં છે ને? હમણાંના તો કોઈ આવ્યાં જ નથી. જાણ્યું કે? ભાણાને તો વિલાયત મોકલ્યો !’
   ‘હા મુરબ્બી; પણ એની પંચાત જાગી છે. ભાણાના વિલાયત ગયા પછીનો રોજ ઘરમાં કંકાસ થાય છે. અમારે તે દેખવું ને દાઝવું બેય રહ્યું.’
   અચાકાકા : ‘તો ય પણ; શું છે એવડું બધું ? કાંઈ થયું છે?’
   વેણીરામ : ‘આ કાલે જ, લ્યોને; શું શ્યામશંકરભાઈ ઊપડયા હતા ! ઉઠાવતાંકને છૂટી ડાભડી કે તાળું કાંઈ એમના તરફ ફેંક્યું તે એમની આાંગળી ઉપર વાગ્યું. મોટું ઢીમણું થયું ને લોહી તરી આવ્યું. હું તો આજે કહેવા આવ્યો છું કે બે દહાડા હીરીબહેનને (શ્યામશંકરને ઘેર ભાભી કહેવાની, પણ અચાકાકાને ઘેર બહેન ! બંનેનું મન રાખવું પડે ને?) અહીં બોલાવે; એટલે વકીલને જરા ખબર પડશે કે ઘરમાં કેમ રહેવાય છે!’

   અચાકાકા : (અઢેલીને બેઠા હતા તે ઊંચા થઈ જઈ) ‘શું કહે છે. વેણીરામ ? આવડી મોટી ઉમરે શ્યામલો મારી છોડીને મારે છે? અલ્યા શંકરીઆ . . .ઓ શંકરીઆ . . . ક્યાં મરી ગયો ? જો હમણાં ને હમણાં તારી બહેનને બેલાવી આવ. જા ઝટ, કહું છું.’
   શંકર : ‘આ ચાલ્યો, બાપા.’
   વેણીરામ : ‘કાકા અત્યારે રહેવા દો; વાળુનો વખત થયો છે.’
   અચાકાકા : ‘અરે, ઊંઘી ગયું એનું વાળું. ખાશે તો ખાશે, નહિ તો પડશે જહાનમની ખાડીમાં ! આ શું સાળું, તોજ ભવાડા ?’

   થોડી વાર રહી હીરાગૌરીને લઈ શંકર આવ્યા. જોડે એક રંગારો મિયાં હતો. હીરાગૌરીએ છાયલ છપાવ્યાં હશે તેના પૈસા લેવા એ આવ્યો હતો. ત્રણે જણાં ઘરમાં આવ્યાં.
   ‘કેમ બાપા, એકદમ ? હું તો સમજી કાંઈ માંદાસજા થયા કે શું? હીરાગૌરીએ ઉપર ચડતાં વાર જ પૂછ્યું.
   ‘બોલ, કાલે શું હતું?’ જાણે હીરાગૌરીને દબડાવતા હોય એમ ડોસા ધુરકી ઊઠ્યા.
   હીરાગૌરી: ‘કશું યે નહોતું. (માસ્તર સામે જોઈ) તમે યે બળ્યું માસ્તર કેવા છો તે? અમથો ડોહાના જીવને વગર ફાંહાનો કંકાસ થાય !’
   અચોકાકા : ‘કેમ પાછી ? કહી દે શું હતું તે?’
   હીરાગૌરી : ‘એ તે રાતે ચંદનના વિલાયત ગયાની વાત કરતા હતા. મેં તો કહ્યું કે એને મોકલ્યો તે સારૂં ન કર્યું. એની વહુ ઘેર તેડવા જેવડી થઈ. બિચારીને ક્યાં સુધી પિયેર રહેવા દેવી? ઉમરલાયક છોકરું ઘેર રાખ્યું સારું નહિ. પણ એટલામાં તો એ ચીડાઈ ગયા ને છૂટું તાળું કે કાંઈક પડ્યું'તું તે મારી ઉપર ફેંકયું તે પગ ઉપર તડાક લઈને એવું વાગ્યું ! હજી આજ સવારે જ લોહી નીકળતું બંધ થયું.’
   અચાકાકા : ‘એ તારું કાળું થાય, અલ્યા શ્યામલા ! મેં તને આટલા વાસ્તે છોડી આપી છે કે ?’

   મિયાં જે દાદરા આગળ ઊભે પગે બેસી રહ્યો હતો તે પણ તે બોલ્યો : ‘યે તો સાલા બ્હોત કમજાત ! એસી હીરાબહેન જેસી ઓરતકો એસા કરતા હે, તે દુસરી કોઈ કલાંઠ હોવે તો વો ક્યા ન ક્યા કર ડાલે ?’

   વરને કોઈ ગાળો દે તેમાં આજકાલનાં સ્નેહાળ બૈરાંને કશું જ લાગતું નથી ! આચાકાકા ગાળો દે અને રંગરેજ મિયાં પણ દે; પણ હીરાગૌરીના પક્ષમાં રહી દે ત્યાં સુધી કાંઈ બોલવું ઠીક નહિ. પોતાની મદદમાં એ બધાં હતાં એમ જાણી એ તો બિચારી ખુશી થતી હતી.
   હીરા : ‘અરે જવાદો ને, મિયાં સાહેબ, વાત જ. એ તો હું ત્યાંથી જતી રહી; નહિ તો લાકડી લઈને મારવા આવે એવા છે.’
   અચાકાકા : ‘ઠીક જા અલ્યા શંકર. મેહનને અને કાળિદાસને બોલાવી લાવ. હમણાં ને હમણાં નાત એકઠી કરાવીએ ને માફી મંગાવીએ.’
   મિયાં : ‘હીરાબહેન, અબ તો તુમ યે કામમેં પડ ગયે. કલ ફઝરમેં આઉં !’
   હીરાગૌરી : ‘હા હા, મિયાં કાલ ફઝરમાં જ આવજો. હિસાબ કરીને પૈસા ચૂકવી દઈશું. તમારે ખોટી થવું નહિ પડે.’
  ‘અચ્છા’ કહી મિયાં ત્યાંથી વિદાય થયા.

   માસ્તરે શંકરને જતો અટકાવી અચાભાઈને સમજાવ્યાઃ ‘હવે રહેવા દો. આમ આકળા શું કરવા થાઓ છે. હવે ફરીથી એવું કરે તો વળી જોજો. એ કાંઈ નાના નથી. હોય, કોઈ દહાડે એમે થાય. હું સાંજે જઈને બે અક્ષર કહીશ.’
   ડોસા કાંઈક ટાઢા પડ્યા ને ખુરશીમાં તકિયો મૂકીને આડા પડતાં શંકરને કહ્યું: ‘ના જઈશ, અલ્યા.’
   “લ્યો હીંડો હીરાબહેન આવવું છેને?” માસ્તરે જવાની શરૂઆત કરી: ‘લ્યો કાકા, જય જય તસ્દી આપી તે માફ કરજો. પાછું, ઘેર વાટ જુએ.’
   હીરાગૌરી : ‘બાપા ! જાઉં છું; કાલે બપોરે આવીશ.’
   ડોસાએ રૂઆાબમાં કાંઈ જવાબ દીધો નહિ. માસ્તર અને હીરાગૌરી ઘર તરફ વળ્યાં.
  વિસ્તાર ત્રીજો
   કૂતરાં ભસતાં સાંભળી ‘અબે સાલે’ કહેતો મિયાં ઘર તરફ આવ્યો. કાળુપુરમાં પાંચપટ્ટીમાં એનું ઘર હતું. એ પોળમાં વાણિયાબ્રાહ્મણની સારી વસ્તી હતી અને ત્યાં મિયાંએ સારી ઘરાકી બાંધી હતી. પોળમાં પેસતાં વહેંત જ મિયાંએ એક વાણિયાનું બારણું ધક્કેલી ઠોક્યું. આ વાણિયો શ્યામશંકર વકીલનો લગભગ રોજને અસીલ હતો.
   ‘છપ્પનચંદ ! જરી ખોલો તો સહી.’ કહી મિયાંએ બારણું ખૂબ ખખડાવ્યું.

   થોડીવારે ટૂંકડું પંચિયું પહેરેલા છપ્પનચંદે બારણું ઉઘાડયું: ‘કેમ મિયાં, કુચ ખબરઅંતર લાયે છો ?’
  ‘ખબરઅંતર તે કુચ હય નહિ. મેં તો ગોદાવડી ભાભીકા કપડાં લેને આયા હું’ જોકે મન તો શ્યામશંકરના ઘરની વાત કહેવાનું મિયાંને બહુ થઈ ગયું હતું; પરંતુ એકદમ કાંઈ કહેવાય ?

   રાત્રે મિયાં શા કામે આવ્યો હશે, તે જોવા એક પડોશણ બાજરીને લોટ લેવાનું બહાનું કાઢી છપ્પનચંદને ઘેર આવી અને બારણાં આગળ સોડિયું વાળી ઊભી રહી. સામેને ઘેરથી છગલો નોકર બીજે દિવસે પૂને જવાનો હોવાથી કામકાજ પૂછવા આવ્યો. બીજાં પણ બેત્રણ પડોશી જુદાંજુદાં બહાનાં કાઢી વાણિયાને ઘેર આવ્યાં.
   ઠઠ ભરાએલી જેઈ મિયાં જાણે ભૂલી ગયા હોય તેમ ઢોંગ કરી ‘મગર મેં ભૂલ ગયા, તુમકો એક બડી બાત કહેને કી હય; બેઠો તો સહી’. કહી જોડા કાઢવાની જગ્યા આગળ મિયાં બેસી ગયો.

   વાણિયો હીંચકે બેઠો અને પાડોશી સાંભળવામાં તલ્લીન થઈ ગયાં.
   છપ્પનચંદ : ‘શાની બાત હય મિયાં?’
   મિયાં : ‘ક્યા કહું? તુમ તો શ્યામશંકરભાઈ કો અચ્છે આદમી બોલતે થે, લેકિન વો તો બડે કાફર હે.’
   છપ્પનચંદ : “શું કહો છો મિયાં? તમે ઈશ્કો ઘેરે ગયા થા?’
   મિયાં: ‘ઉસ્કે તો નહિ, મગર ઉસ્કી જોરૂકા જો ઘર હૈ ને, વહાં મેં તે ગયા થા. ઐાર ક્યા બાત કહું? શ્યામશંકરભાઈને ઉસકી જોરૂકો કીતને ઝપાટા દે દિયા હૈ ! (એક શ્વાસ લઈ) વકીલ સાહબને લકડી લેકર હીરાબહન કો તો મારી હૈ. તોબાહ, તોબાહ ! બૈરે લોક અપનેકો તો અંગ કૈસે દીખાવે; મગર ઉસ્કે પગો મેં જો એક ઝપાટા દિયા હૈ ! ખુદા સલામત! મેં ને મેરી આંખસે વો દેખા.’
  
   બધાં રસ લઈને સાંભળતાં હતાં.
   છગલો : ‘તોપણ હુવા તા ક્યા એ તો કહો મિયાં છાબ ?’
   મિયાં : ‘એસી હકીકત થી, કે જે ઉસ્કા લડકા હે ના, વો વિલાયત ભાગ ગયા હૈ; ઓર યે લડકેકી ઓરત હૈ વો બડી કમજાત હે. વે ભાગ ગઈ હૈ કે વાં હય વો તો હમકો બરાબર માલૂમ નહિ,લેકીન વો લડકા તો કોઈ લડકી કો લેકર ભાગ ગયા હય.’
   છપ્પનચંદ : ‘હેં ! પછી ?’
   મિયાં : ‘પીછે વો સબ બાત કુછ હીરાબહનને નીકાલી હોગી, તો વકીલને ઉનકો મારા. પીછે હીરાબહન બાવા કે વહાં ચલ ગઈ. ઓર સબ બાત અપને બાવા કો બોલ દીયા; વો હય તો બુઢ્ઢે આદમી, મગર બડે જેરાવર. દોચાર દોસ્તદાસો કો બુલા કર વો શ્યામશંકર કે વહાં ગયે હય, ઓર ઉસ્કુ બરાબર સજા દેને વાલે હય. મેંને રસ્તેમેં ઐસા ભી સૂના કી વકીલને દોચાર સિપાઈયોં કો બુલાયા હય ને વો બુઢ્ઢે કો ઔર ઉસકે દોસ્તોકો પકડને વાલે હય. બડા ધાંધલ હો રહા હય; ક્યા બાત કહું?’
   છગલે : ‘ક્યા કહેતા હો મિયાં ? સચ્ચ વાત હે?’
   મિયાં : ‘તો હમ ક્યા જૂઠ બોલને વાલા? મેં અભી ઉન્કે વાં ગયા થા, સાલ્લેકે પેસે લેનેકો. સબ હકીકત મેરે કાનસે સુની’.

   આ બધી વાત છગલા નોકરે સાંભળી લીધી. એવા લોકોને આવી વાતમાં બહુ રસ પડે છે. મિયાં તો પછી ઘેર ગયો અને વાત કરતાં પાડોશી વીખરાઈ ગયાં.
વિસ્તાર ચોથો
   ‘શું ચાલે છે, ઘેલાશા ?’
   પૂનામાં બુધવાર પેઠમાં એક ગજીઆણીવાળા અમદાવાદી શ્રાવકની દુકાનમાં પેસતાંપેસતાં એક દક્ષિણીએ પૂછયું.
   ‘અહો, રાવડીકર સાહેબ ! ઘણાં દહાડે દેખાયા ? આ તો જરા નોકર કાલ અમદાવાદીન આલા આહે, તેથી ત્યાચી સાથ વાત કરતો કી કોંક નવાજૂની આાહે?’
   રાવડીકર : ‘તો કાંઈક છયે કે?’

   શ્રાવક મરાઠીમાં બોલવાનો લાભ લેતો, ત્યારે રાવડીકર ગુજરાતીમાં બોલવાનો પ્રયત્ન કરતા હતા. તે થોડો વખત સુરતમાં રહી આવેલા હતા.
   ઘેલાશાહ : ‘તે સાંગતો કે ...............’
   રાવડી : ‘શું કહે છય.’
   ઘેલાશાહ : “તે સાંગતો કે અમદાવાદમાં સાંકડી શેરી મધ્યે મોટી લડાઈ ઝાલી આહે.’
   ‘કાય, મોટી લડાઈ થયા છયે?’
   ‘હા, છાબ.” છગલો બોલ્યો.

   મિસ્તર રાવડીકર એક પત્રના ઉપતંત્રી હતા એટલે આ બાબત સાંભળવા ખાસ બેસી ગયા.
   ‘કાય આહે? કાય. સાંગતો ?’
   ‘અરે છેટ, કાય. સાંગું ! જે લડાઈ ઝાલી આહે કેપોલીસ અમલદાર એકઠા થઈ ગયા હતા અને એક બૈરી લોહીલોવાણ થઈ ગઈ છે. એક ઘૈડા આદમી લડાઈમાં આવી ગયો છે. અને બધાં લોકોને પોલીસ લોકોએ પકડ્યા આહે. મી કાલ ત્યાંથી જ આાલા.’
   ‘કાય ! તે લઢાઈ થયા કેવી રીતે તે તુલા માહિત છે ખરા કે?’
   ‘અરે છેટ ! મને તો બધું માહિત આહે. મી જાતે ત્યાંથી જ આલો અને એટલું ખબર નહિ હોય છેટ ? ઈમ ઝાલા, તે એક બૈરીને ઈના ધણીએ મારી.’
   ‘કાય ? મારી, શું કરવા?’
   ‘તે કાંઈ બહાર રખડતી હછે. પણ તેને મારી તે વાતની જાણ તેના માબાપને થઈ. એટલે બૈરીનાં માબાપ, તેના ઓળખીતા, બધા મળીને ઈના ધણીને ઘેર ગેલા અને ત્યાં તોફાન મચાયું. બધાં લોક એકઠાં થઈ ગેલાં. પોલીસલોક આવી પહોંચલા અને બધાંને પકડ્યાં. બૈરીના ધણીના ઘરના કાચ ફોડી નાંખ્યા આહે અને બહુ નુકછાન કર્યું આહે.’
   ‘તે તુ તિકડુન આલા?’
   ‘છેટ, કાલ રાતના જં મી આલા.’
   ‘તો તું તિકડે હાજર હથો કે કોઈના કહેલા આ તું કહેતો ?’
   ‘છેટ, એક મિયાં તીકડે ગેલે, તે માઝા ઘેર આઈને મલા તીકડે તેડુન ગેલો.’
   રાવડી : ‘અસા? તો તો સાચી વાર્તા જ હોઈલ. મી તે વાત સાપા મધ્યે આપું તો કાંઈ વાંધો તે છે નથી ના?’
   ઘેલાઃ ‘નહિ જી, વાંધા કશાલા ? બેલાશક છાપજો.’

   રવિવારે પૂનામાંથી ‘વિશ્વમાહિતી’ નામનું અઠવાડિક પત્ર નીકળતું હતું. તેના તંત્રી મિ.પડઘમકર વકીલ હતા. તેમનો ઘણોખરો વખત કોર્ટમાં જતો હોવાથી બધું કામ સબ એડીટર મિ.રાવડીકર સોંપવામાં આવ્યું હતું. ‘વિશ્વમાહિતી’ આજકાલનાં પત્રોની માફક જ ચાલતું હતું. એ વળી શા માટે ખરી હકીકતની તપાસ કરે ? મિ.રાવડીકરને તારની માફક છગલા નોકર તરફથી ખબર મળી અને નીચે મુજબ તેમણે છાપી માર્યું.
अमदाबाद ची खबरें
(आमचा खास खबरपत्री कडन.)
ता. ३०वी जुलाइ चा रोज सायंकाळी आठा चे सुमारी अमदाबाद शहरांत एक मोंठे हुल्लड झालें. कारण असा होता कीं शहर चा एक नामांकित गृहस्थाची बायको अनाचार करिंत असतां सांपडली गेली म्हणून ह्या गृहस्थानें । त्याला फार मार मारला. हि माराचि खबर बाइचा कुटुंब नातेवाईक विगेरेला कळली आणि ही सघले मिळून तीच्या घरी गेले. आणि लांव मोढ्ये लाठ्या घेउनदार आणि वार्यावर आपटून काच फोडून टाकले, आणि घरांचे आंत शिरतात इतक्यांत पोलीसलोक तीथे येउन पहेचिले आणि हुल्लड़ शांत करण्यां करितां वंदुकाचे खाली ब्हार केंले त्या मूले हुल्लड़खोर सघले पलून गेले. गुन्हेगार, वाई आणि त्वांचा नवरा हि सघलाका गिरफतार करण्यांत आला आहे आणि कोटति यांचि तपास शुरू आहे.

અમદાવાદની ખબરો
(અમારા ખાસ ખબરપત્રી તરફથી)
ગઈ તા.૩૦મી જુલાઇના રોજ સાંજના આઠેક વાગ્યાના શું મારે અમદાવાદમાં એક મોટું હુલ્લડ થયું હતું.કારણ એમ હતું કે શહેરના એક નામાંકિત ગૃહસ્થની સ્ત્રી અનાચાર કરતાં પકડાઈ ગઈ અને તે ગૃહસ્થે તેને સંબંધીઓને ખબર પડી અને તે સઘળાં એકઠાં થઈને બાઈને ઘેર ગયાં અને લાંબી લાંબી લાકડીઓ લઈને બારીબારણાં ઉપર પછાડી કાચ ફોડી નાખ્યા અને ઘરમાં પેઠા. એટલામાં પોલીસ લોક આવી પહોંચ્યા અને હુલ્લડ શાંત કરવા બંદૂકના ખાલી બાર કર્યા. આથી બધા હુલ્લડખોર વીખરાઈ ગયા.
ગુન્હેગારોને, બાઈને તથા તેના ઘણીને પકડવામાં આવ્યા છે અને કાર્ટમાં તપાસ ચાલે છે.
વિસ્તાર પાંચમો
   બાબુ કપોતકુમાર નામના એક બંગાળી ગૃહસ્થ FACTS (‘ફેક્ટસ’-ખરી હકીકતો) નામનું એક દૈનિક પત્ર અંગ્રેજીમાં કાઢતા હતા. કપોતકુમાર લગભગ બધી ભાષાએ જાણતા કહેવાતા, પણ એમના જ્ઞાન ઉપરથી માત્ર અધકચરો જ પ્રવેશ એમણે કરેલો લાગતો. ‘વિશ્વમાહિતી’ એમની ઓફિસમાં ગયું અને અમદાવાદની ખબરો વાંચી તે ઘણી નવાઈ પામ્યા અને પોતાના પત્રમાં નીચે મુજબની ખબર એમના ગ્રાહકોને આપી:
Special News From Gujarat
Riot at Ahmedabad

As far as the information goes correct our contemporary "The Vishwamahiti' declares that on 3oth ultimo at about 9 o'clock in the evening, there was a great riot at Ahmedabad. It is said that a gang of robbers having disguised themselves as travellers had put up at a noble man's house. At about 9 o'clock they having sought some occasion to quarrel with the host attacked the house and killed some two or three servants of the family. The police authorities aid was called for, but the mischief did not subside, until the Superintendent ordered to fire. With some resistance, however, the rioters are arrested and the case is being inquired by the Court.

ગુજરાતની ખાસ ખબરો
અમદાવાદમાં હુલ્લડ

ભાઈબંધ ‘વિશ્વમાહિતી’ જણાવે છે તે પ્રમાણે ગઈ તા.૩૦મીના રોજ રાત્રે નવ વાગ્યે અમદાવાદમાં એક મોટું હુલ્લડ થયું હતું. એમ કહેવાય છે કે મુસાફરોના વેશમાં એક લુટારાની ટોળી શહેરના કોઈ નામાંકિત ગૃહસ્થને ઘેર ઊતરી હતી. આશરે નવ વાગ્યે તે ગૃહસ્થની સાથે કજિયાનું કારણ શોધી કાઢી એમણે ઘર ઊપર દરોડો પાડ્યો અને બેત્રણ નોકરોનાં ખૂન કર્યા. પોલીસની મદદ માગવામાં આવી હતી પરંતુ સુપરિન્ટેનડન્ટ સાહેબે ગોળીબાર કરવાનો હુકમ કર્યો ત્યારે જ તોફાન શાંત થયું ! હુલ્લડખોરોને કેટલીક મહેનતે પકડવામાં આવ્યા છે અને કોર્ટમાં કેસ ચાલે છે.
વિસ્તાર છઠ્ઠો
   ઉપરની ખબર વિલાયતના એક ખબરપત્રીના વાંચવામાં આવી. ખબરપત્રી મેટ્રિક પાસ પણ ન હતો. એણે એક “All Truth Telegraph Company" (સર્વસત્ય તાર કંપની) કાઢેલી. તેણે ખાસ કરીને વિલાયતની ખબરો વાસ્તે લંડનના "WORLD'S NEWS' (જગત સમાચાર) નામના છાપાના અધિપતિને નીચે મુજબ તાર કર્યો:
"Riot in the Bombay Presidency. Public Servant's house attacked. Résistance to the Police Authority. The Superintendent in danger. The ruffians arrested. Riot not yet subsided.'

‘મુંબાઈ ઈલાકામાં હુલ્લડ. એક સરકારી નોકરને ઘેર દરોડો. બળવાખોરો પોલીસ લેકાની સામે થયા. સુપરિન્ટેન્ડેન્ટ ભયમાં. તોફાનીઓ પકડાયા. હુલ્લડ હજી રાંત થયું નથી.’
   એ તમારું ભલું થાય છાપાવાળાઓ ! સાંકડી શેરીનું લંબાવ્યું અમદાવાદ; અમદાવાદનું ગુજરાત; ત્યાંથી મુંબઈ ઈલાકો અને ત્યાંથી આખું હિંદુસ્તાન? એમના મનમાં કે નાની જગ્યાઓ જાણીતી નથી માટે મોટી જગ્યાઓનાં નામ લખવાં. પણ એને અર્થ કેટલો બદલાય છે તેનો વિચાર ન આવ્યો.

   વહાલા વાંચક ! હવે જરા વાર્તાની શરૂઆતમાં લખાએલી હકીકત વાંચી જા અને સરખામણી કર કે પહેલી અને છેલ્લી ખબર વચ્ચે કાંઈપણ મળતાપણું છે ? ડાર્વિનનો વિકાસવાળ અહીં પણ લાગું પડે છે ને ?
* * * * *


0 comments


Leave comment