16 - જોડલાં ઈ તો દેવ જેવાં / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


   માળી વાડી નવી બનાવતો હતો. એણે ઘણી ય જાતના ફૂલ અને ફળના છોડ એમાં વાવ્યાં હતા. પોતાની ઝૂંપડીની આજુબાજુ એણે શહેરમાં વેચવા આંબાની કલમો, સીતાફળની રોપ, મોગરા ને ગુલાબ વગેરે ચારે પાસ કુંડાંમાં અને જમીનમાં વાવ્યાં હતાં. હમેશાં વહેલો ઊઠી તે કેટલાંક છોડ વેચી લાવતો.

   પણ માળીની છોકરી દિવાળીને બેછોદ ઘણા પ્રિય હતા એમ લાગતું હતું. એક હારશૃંગારનો–કંઈક ઊંચું વધેલું ઝાડ, અમે બીજી તેના થડ ઉપર વળગેલી પાતળાં પાંદડાંની જૂઈની વેલ. એને ખબર નહોતી કે ફરીફરીને તે જ છોડવાને તે શા માટે જુએ છે ? –સાંજના રમતાં રમતાં કે ભેંશને દહોતાં દહોતાં કે વાડીમાંથી કચરો કાઢતાં કાઢતાં નહિ ગુલાબ કે મોગરો કે ગલગોટો કે ગુલબાસ પણ તે હારશૃંગારનું ઝાડ અને જૂઈની વેલ તેની આંખમાં કેમ વહાલાં થયાં હતાં ? દિવાળી ચૌદ વર્ષની હતી અને એક વખત પહેલે આણે સાસરે જઈ એ હમણાં જ પછી પોતાને બાપને ઘેર આવી હતી.

   તે નવરી પડતી ત્યારે નાની ઊગેલી જૂઈની વેલને સાથેના વૃક્ષ સાથે લપેટતી હતી. જૂઇનાં નાનાં ત્રેવડાં પાંદડાં મૂળથી તે ટોચ સુધી હજી છવાએલાં હતાં. તે વાડીની અંદર સૌથી કુમળી વેલી હતી. દરેક છોડને એનાં ઉપર પ્યાર આવે. જો હારશૃંગારને બદલે ત્યાં આમ્ર હોત તો તે પણ પોતાનો હાથ આપત. નાનો સરખો ગુલાબ પણ એનો ભાર પોતાની પાતળી ડાળી ઉપર સહન કરવાને ખુશી હતો. પણ માળીએ તો આ લાલ દાંડીવાળાં કુમળાં સુગંધી પુષ્પવાળા હારશૃંગારને જ તેને માટે પસંદ કર્યો હતો. શું એ બંને ફૂલવાળા થશે ત્યારે વધારે શોભશે એથી કે પોતાની વાડી રળિયામણી લાગશે એ ઇચ્છાથી ?

   ફૂલના રોપા ઉપર પોતાનું જીવન ચલાવવાનો નો ધંધો હતો. એમની ખૂબસૂરતીની અંદર રહેલી કુદરતની અવનવી કલાની–સ્વર્ગીય આનંદની–એ કરચોલીવાળા કાળા માળીને ક્યાંથી ખબર હોય ? એનો વિચાર તો જૂઈ જરા મોટી થાય ત્યારે અ જઇ કોઇ બંગલાના બાગમાં તે આપી દેવાનો હતો.

   બીજું કોઈ ફૂલની–ફૂલના રોપાની ભાષા સમજાતું નહિ. દિવાળી જોકે તેમનો સ્વર તો સાંભળતી નહિ, પણ તેઓ કંઇક વાત કરે છે એમ એનાં દિલને ઘણી યે વાર લાગતું. ઘણી વાર જાણે ઝાડ તેને બોલાવે છે, ત્યાં બેસાડવા માગે છે, વાત કરવા માગે છે એમ ના કાનમાં સંદેશા આવતા અને તે પ્રમાણે તે ત્યાં જતી. તે ગુલાબ આગળ જઈ ઊભી રહેતી, ચંપાને કૈક પૂછતી અને ચમેલીને ચુંબન કરતી.

   હરરોજ રાતના ત્યાં પરીઓ આવતી. ધોળાં ઝીણાં વસ્ત્ર, ઢોળી પાંખો, ધોળું બદન, –એવી રૂપેરી વાદળાં જેવી ઊડતી ઊડતી તે વાડીમાં આવી બેસતી. પરીઓ ફૂલની ભાષા જાણતી હતી.
   એક દિવસ માળી આવીને જોઇ ગયો કે જૂઈ હવે મોટી થઈ છે. જો વધારે દિવસ રહેવા દઈશ તો જમીનમાં મૂળ ઊંડાં નાખશે અને હરશૃંગાર સાથે ખૂબ ગૂંચવાઈ જશે માટે કાલે ને વેચી નાખવી.

   દુર્દૈવ આ ને ક્યાંથી સૂઝાડ્યું ? પેટને ખાતર એણે આ નાજુક બાપડીને ક્યાં નાખવી ધારી ! જયારે બંનેએ એનો વિચાર જાણ્યો ત્યારે એમનાં પાંદડાં થરથર કંપવા લાગ્યાં. હારશૃંગારનાં બેચાર ફૂલો જે ખીલ્યાં હતાં તે પાછા બીડાઇ ગયાં. વેલ થડની સાથે સજ્જડ બાઝી પડી.

   કોણ એમની વહારે ધાશે ? કોણ એમનો આવતો વિયોગ અટકાવશે ?
   રાતના પરીઓ આવી. હમેશ મુજબ હારશૃંગારના ઝાડ ઉપર તેઓ રમવા લાગી. પણ અરેરે ! આજ ત્યાં એકકે ફૂલ કેમ નથી ? જે હતાં તે બીડેલાં જ ભોંય ઉપર ગરી પડ્યાં હતાં. પાંદડાં પણ ચીમળાઇ ગએલાં જોયાં. જે ડાળીઓ ટટાર આકાશ તરફ રહેતી તે પણ ઢીલી થઈ ગએલી જોઇ. પરીઓ પણ શોકમાં ડૂબી ગઇ. એમને પરિચય અને સંબધને લીધે સ્નેહ થયો હતો. જોડલાં ઉપર એમને અતિશય માયા હતી. એને તેમાં આ શો એકાએક ફેરફાર ! એટલામાં હારશૃંગારને ઉદ્દેશી જૂઈ બોલી. પરીઓ સંભળાતી હતી.

   ‘તમે શા માટે મુંઝાઓ છો ? હું ગમે ત્યાં હોઇશ પણ ત્યાં તમારૂં સ્મરણ કરી દિવસ ગુજારીશ. જેટલાં દિવસ જીવાશે તેટલા દિવસ ખરૂં. અંત વહેલો આવશે તો હવે મને તેનો બળાપો નથી. પણ તમે ન ગભરાશો.’
   ‘મારી કુમળી વેલડી ! તારી સાથે કંઇ ઘણા દિવસ નથી ગાળ્યા; પણ એટલામાં આપણું જે હેત બંધાયું છે તે શું તને ભૂલી જવાને વાસ્તે ! મારાથી તો તારા વગર ઘડી પણ નહિ જીવાય. કાલે જો તું જઇશ તો જરૂર થોડા દિવસમાં અહીં હું નહિ હોઉં. તને એટલે દૂર મોકલવામાં આવશે કે હું નહિ તારૂં મુખ જોઈ શકું કે નહિ તારી મીઠી વાત સાંભળી શકું નહિ.તું મને દિલાસો આપે છે, પણ તારા જ દિલમાં જોને કે કેવી આગ સળગે છે ?’

   જૂઈનાં પાંદડાં ઘણાં જ ચીમળાઇ ગયાં. ઉપર ઉનાળાનો જાણે તાપ પડતો હોય, છોડની અંદરથી જાને સઘળો રસ ઉડી ગયો હોય એવો એ કુમળા રોપાને દેખાવ થઇ ગયો. પણ કોણ એમનો આ વિયોગ અટકાવે ?

   જૂઈનાં એમની આ વાતચીત સાંભળીને ગમગીન થઇ ગઈ. તેમનાં બદન ફિક્કાં દેખાવા લાગ્યાં તેમજ વસ્ત્ર ઉપરથી બધી તેજી ઊડી ગઇ. અરેરે ! આ આવતો વિરહ એમને કેવો લાગતો હશે ? એ વારંવાર એકબીજાને જોરથી વીંટળાઇ વળે છે; પણ કાલે સવારના જ એમને માળી છૂટાં પડશે !

   આપણે એમને મદદ ન કરી શકીએ ?
   તેઓ ત્રણે મળી વિચારવા લાગ્યાં અને પછી તુરત તેઓ માલિની ઝૂંપડી તરફ ઉડ્યાં. ત્યાં દિવાળી ઊંઘતી હતી. તેને એક પછી એક સ્વપ્ન આવવા લાગ્યાં.

   દિવાળી જાણે વાડીમાં ફરે છે. ફરતાં ફરતાં હારશૃંગાર અને જૂઈના જોડલા પાસે તે આવી, પણ ત્યાં એ બે છોડન બદલે એણે શું જોયું ? હારશૃંગારની જગ્યાએ હાથમાં ધનુષ્યબાણ લઈ, પીતાંબર ધરી રામચંદ્રજી ઊભા હતા. જૂઈની જગ્યા કુમળાં નાનાં જાનકી પ્રિયતમા સ્કંધ ઉપર બંને હાથ મૂકી તેના ઉપર પોતાનું માથું ટેકવી દૂરદૂર જોતાં કૈક નવીન આનંદના પ્રવાહમાં ડૂબતાં હોય તેમ અરધી આંખ મીંચી ઉભાં હતાં. રઘુપતિએ એક હાથ એમની કમર ઉપર રાખ્યો હતો. તે પોતાની વાડીમાં ઊભી ઊભી મને પગે લાગવા લાગી અને જ ઉમળકે તે યુગલ જોયું તે ઉમળકો એના હૃદયમાં જાગ્યો. એ ત્યાં જ પ્રેમને વશ થઈ ગઈ. ત્યાં ઓચિંતો રાવણનો અવાજ થયો. બળથી જાણે તે બંનેને છૂટાં [આડે છે. કોઈ કંઈ બોલી શકતાં નથી. એકદમ ભયની મારી તેની આંખ ઊઘડી ગઇ. ઉઘાડા બારણામાંથી જોયું તો ત્યાં કોઈ નહોતું.

   પણ સંતાએલી પરીઓ ત્યાં ઊભી હતી. તુરત એમણે એને ઊંઘમાં નાખી દીધી. એને બીજું સ્વપ્ન આવ્યું.

   તે જ જૂઈની વેલ આગળ જુએ છે તો ત્યાં વેલ નથી, પણ તેને બદલે એક પત્થરની છત ઉપર સુંવાળાં વસ્ત્ર અને ગાદલાં બિછાવી અગાશીમાં ઉષા–બાણસુરની કન્યા પડી હતી છૂટાં પ્રસરેલા વળ, ગોરી છાતી ઉપર આસમાની રંગની ચોળી અને તેના ઉપર મોતીના મણકાની સેર. પાસે પવન ખાતાં ખાતાં આંખ મીંચતાં પંખો પડી ગએલો.

   જાણે તે તેની બેનપણી હોય તેમ ત્યાં ઊભી રહી અને એનાં હાથને પકડવા જવા લાગી. પણ પાછળ નજર નાંખતા ત્યાં હારશૃંગારને બદલે ગોરો, અરધી મૂછવાળો યુવાન, નાજુક અને છતાં શૂરવીર અનિરુદ્ધ આવતો જોયો. આસ્તે રહી, ન જાગે તમ ઉષાને તે ચુંબન કરે છે ત્યાં બાણસુરની ગર્જના સંભળાઇ.

   રાક્ષસો હાથમાં ગદા લઇને આવ્યા. તેઓ ઉષાને પકડી જાય છે ને અનિરુદ્ધને માર મારે છે. મંત્ર પૂરો ભણાઇ ગયો.
   ત્યાં સફાળી આંખ ઊઘડી. સવાર પડી ગયું હતું અને માળી ક્યારનો વાડીમાં કામ કરવા લાગી ગયો હતો. દિવાળીની મા રોટલા ટીપી તેની સાથે મોકલાવવાની તૈયારી કરતી હતી.

   ઝટપટ દાતાન કરી તે ઉનાઉના રોટલા ને છાશનો વાડકો તથા ડુંગળી અને લીઠું લઇ વાડીમાં ગઇ. ત્યાં જઇ જુએ છે તો પોતાનો બાપ એ જ હારશૃંગારના ઝાડ આગળ ટોપલીમાં માટી ભરી બેઠો હતો. નાસ્તો કરીને જૂઈની વેલ ઉખેડવા તેણે દિવાળીને બૂમો મારી. ચૌદ વરસની કુદરતની તે કન્યા ત્યાં જઈ ઊભી રહી. સ્વપ્ન તાજાં જ હતાં. અત્યારના પણ તે જાણે તે જ દેખાવ જુએ છ. તે જ રમ્ય રામચંદ્રજી અને અનિરુદ્ધની મૂર્તિઓ હારશૃંગારને બદલે તેને દેખાઇ. સીતા અને ઉષા એમને વીંટળાઇ ઊભાં હતા. એ કેવું સ્વપ્ન ? કોઈ દેવ હશે કે કોઈ વ્હાલસોયું જોડું હશે ?

   નાસ્તો કરી માળીએ હાથમાં કોદાળી લીધી અને જેવો તે જૂઈના મૂળ આગળ જમીન ઉપર ખોદવા જાય છે તેવો જ દીવાલે એનો હાથ ઝાલ્યો: ‘બાપા ! તમેહું કરો સો ?’
   ‘બૂન ! જૂઇ હવે મોટી થઇ સે, તો ઇને ચ્યોંક વેચી આઉં. મૂળ ચ્યોંક ઊંડાં નોંખહે તો પસે વસૂટસે નૈં.’
   ‘પણ બાપા ! ઇને વેચ્યે હું મૂલ આવવાનું સે તે બાપડીને ઉખેડી કાડો સો. જુવોને; એવી તો આ થડની હાથે વેંટળાઈ વળી સે કે મારૂં કીધું મનો તો ઇને ના ઉખેડો. તમને બહુ પાપ લાગહે.’
   ‘અરે ગાંડી ! એ તે શી બલા ? આપણે તો ઈ ધંધો સે. પસે પેટમોં ખઇશું ચ્યોંથી ?’
   ‘તે રોપમો ચ્યોંય ટોટો સે ? પણ ઇને વસોડસો ના. જોવો આજ રાતે; – ઇ તો દેવ સે. કથામાં વયાહજી લેતાં’તા ઇ ઓખા અને અનિરુદ્ધ ને સીતા ને રામ સે. ઈ હું ઉખેડવા નહિ દઉં. તમે હાથે વાવ્યાં’તાં શું જોઇને ? જોડલાં ઇ તો દેવ જેવાં ! મને તો ઈ નથી ગમતું. તમે જો ઇને વેચી આવશો તો ફરી તમારૂં મોઢું હું મહી ભાળું.’

   આટલું કહેતાંકહેતાં દિવાળી બાપને ગળે બાઝી પડી અને આંખમાં આંસુ આણી દીધાં.
   આ શું ? ,માળીએ ઘણો યે વિચાર કર્યો કે આ શું ? પણ જોડલાં ઇ તો દેવ જેવાં ઘડપણના ઠૂંઠાને તેની યાદ જ ન આવી. પરંતુ દિવાળી જોડલાનો મહિમા જાણતી હતી; એમની લાગણીઓને ઓળખતી હતી. કોઇ જોડલાંને છૂટાં ન પાડશો.

   અંતે માળી થાકીને બીજા છોડ લેવા ગયો.
* * * * *


0 comments


Leave comment