8 - બાપડો બિલ્લમદાસ બોડી ચકલી / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


   સાંજના છ વાગ્યાનો શુમાર થયો હતો. શિયાળાનો દિવસ હોવાથી અત્યારે દિશાઓ વાનર મુખની શ્યામતા ધારણ કરતી હતી, પરંતુ સૂર્યદેવના અસ્તને થોડો જ સમય વીત્યો હોવાથી આકાશમાં હજી મર્કટ વદનની રક્તતા જણાવી હતી. બિલાડીનાં નયન સરખા તારા ધીમેધીમે દેખાવા લાગ્યા હતા અને મરેલી બકરીની શાંતિ જગતમાં છવાઈ ગઈ હતી.

   આ વખતે ત્રણ પુરુષો કાંકરિયા તળાવ ફરતું ચક્કર લેતા હતા. આમાંનો એક આશરે બત્રીસ વર્ષનો જણાતો હતો. તેનું મુખ જરા લાકડશી લાડુના જેવું ગોળ અને શરીરનો બાંધો બેઠા ઘાટનો જણાતો હતો. જાણે બ્રહ્માએ તેને ઘડતાં મસ્તક અને હાથ ઉપર પોતાના હાથ મૂકી જરા દબાવી ન દીધો હોય !

   બીજો પુરુષ આશરે ઓગણત્રીસ વર્ષનો હતો. તેના મુખ ઉપર હર્ષનો પ્રકાશ વ્યાપી ગયો હતો, કારણ કે થોડાક દિવસ પહેલાં જ એણે એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી.
ત્રીજો આશરે છવીસેક વર્ષનો હતો. એનામાં કાંઈ ખાસ જાણવા જેવું ન હતું. ફરતાં ફરતાં કંઈક વાતચીત ચાલતી હતી.

   ‘મિ.લીંબોળીદાસ !' બીજાએ પહેલાને સંબોધી કહ્યું : ‘તમારે તો નિરાંત છે, તમારા પિતાશ્રી સારી પેઠે દ્રવ્ય મૂકી ગયા છે એટલે. પણ અમારા જેવાને તો મહાસંતાપ થયો છે.’
   લીંબોળીદાસ : ‘હા, પણ હવે તમે પાસ થયા છો એટલે તમારે શી ફિકર છે? કેમ, પછી શું કરવાનો વિચાર રાખ્યો?’
   કશનલાલ કચૂકા (ત્રીજો પુરુષ): ‘કેમ વળી, હવે સનદ લઈને વકીલાત જ તો; બીજું શું કરવાના છે? કેમ મિ. બોડી ચકલી !'
   બિલ્લમદાસ બોડી ચકલી : ‘જુઓ, હમણાં એક પચાસની જગ્યા જ્યુડિશિયલ ખાતામાં ખાલી પડી છે તેને માટે ત્રણ દિવસ ઉપર મેં અરજી કરી હતી. આજે સવારે એનો જવાબ આવી ગયો છે કે ‘આવતી કાલે તમારે મળવું.’ એટલે આપણે તો નિરાંત થઈ ગઈ છે.’
   લીંબોળીદાસ : ‘ઓહો ! તમે તો બહુ નસીબદાર જણાઓ છો ! નોકરી ઝપાટામાં મળી. નહિ તો જયુડિશિયલ ખાતામાં મહા મુસીબતે જગ્યા મળે છે.’

   બોડી ચકલી : ‘એ તો ઈશ્વરને કરવું તે વળી મળી ગઈ. પચાસમાં હું select પસંદ થયો. હવે તો ત્રણ વરસ પછી જરૂર મુનસફમાં પેસી જવાના. આપણે જરા મીઠાબોલા છીએ એટલે ઉપરીને માખણ લગાવી ધૂસી જઈશું. મને તો આટલીયે આશા નહોતી. એલએલ.બી.ઓને બહુબહુ તો પાંત્રીસેક આપે છે. પણ કોણ જાણે કેમ, એકદમ મારું પચાસમાં selection થઈ ગયું. મુનસફમાં ગયા પછી પગાર સપાટામાં વધે છે. અને જો આવડત હશે તો પછી આસિ.જજનો ચાન્સ પણ આવી જાય.’
   કચૂકા : ‘હશે, પણ જરા બને તો મારું કરજો . મેં પણ અરજી કરી હતી.'
   બોડી ચકલી : ‘અરે એ વાતે તમે બેફિકર રહો. હું ત્યાં ગયો કે તરત જ તમારે ત્યાં જવાબ આવ્યો જ સમજવો. એ તો જરા ઊંધુંચતું સમજાવી સારી લાગવગ ચગાવતા થઈશું. નસીબ છે ભાઈ. જાગે છે ત્યારે કેવું લાગે છે ! અને નહિ તો રોવડાવે ત્યારે ખરેખર રોવડાવે ! મને ઘણી નવાઈ લાગે છે કે આટલો સહેલાઈથી હું ચૂંટાઈ ગયો ! નહિ તો આ નોકરી માટે કોણ જાણે કેટલાઓએ અરજી કરી હતી. આપણે તો નાહીને જ બેઠા'તા; પણ વળી મળી ગઈ. હું તો આજ ભદ્રકાળીને નાળિયેર વધેરી આવ્યો; અને જુઓ; કોઈને કહેશો નહિ, આજે ખુશાલીમાં સવા રૂપિયાની બરફી પણ વહેંચી છે. તમારે ઘેર મોકલાવી છે, હોં. ઘણું કરીને પરમ દિવસે ચાર્જ સોંપાશે એમ લાગે છે. કાલે મને બધી હકીકત પૂછશે ને જરા મારું કામ જોશે. આપણે બધી રીતે તેઓને સંતોષ આપીએ એવા છીએ, એટલે કંઈ એ વાતમાં ડર જેવું નથી. કાલે સવારમાં ઊઠી, જલદી નાહીધોઈ સેવા કરી જમી લઈશ અને સાડા દસેક થશે એટલે ઊપડીશ. ત્યાં જો હેડ કલાર્ક નહિ આવ્યા હોય તો જરા આમતેમ ગપ્પાં મારીશું. ચાર્જ લીધા પછી એકબે દિવસ તો જરા આકરું લાગશે, પણ ટેવાઈ જઈશું એટલે પછી કંઈ નહિ. સાલું દરેક ધંધામાં એવું હોય છે. આપણે એ સંબંધી કાંઈ જાણતા નથી હોતા ત્યાં સુધી એ બહુ લાગે છે, પણ પછી જ્યાં ટેવાઈ ગયા એટલે સહેલું સટ. તમને તો અનુભવ હશેસ્તો.'

   લીંબોળીદાસ : ‘હાસ્તો; પણ ઘણી વખત એનાથી ઊલટુંયે બને છે. પણ ચાલો હવે પાછા વળીએ. હજી અડધુંયે ચક્કર નથી થયું અને કદાચ મોડું થઈ જશે.’
   તરત જ તેઓ પાછા ફર્યા અને રાયપુર ચોકી આગળથી છૂટા પડ્યા.

   આશરે દસ વાગ્યા હતાં. મિસિસ બોડી ચકલીએ આજે શુકન કરાવવા કંસાર કર્યો હતો; જમવામાં દહીં પણ પીરસ્યું હતું. દસ ને પાંચેક મિનિટ થતાંમાં તો કપડાં પહેરી બિલ્લમદાસ તૈયાર થઈ ગયા હતા. બહાર નીકળતી વખતે મિસિસે ચાંલ્લો કર્યો અને દેવને પગે લાગી શુકન જોઈ તે કૉર્ટ તરફ વળ્યા.

   બરાબર સાડાદસ વાગ્યે ભાઈ ઑફિસે પહોંચી ગયા. અડધો કલાક વીત્યો હશે એટલામાં હેડ કલાર્કે ઑફિસમાં બોલાવ્યા અને ખુરશીમાં બેસાડી સવાલો પૂછવા માંડ્યા.
   ‘તમારું નામ બિલ્લમદાસ બોડી ચકલી ?'
   ‘હા જી.'
   ‘મોકલાવેલી અરજી તમે જાતે લખી હતી?’
   ‘હા જી, મેં મારી જાતે જ; મારા પોતાના હાથના અક્ષર છે.'
   ‘એમ કે ?'
   બિલ્લમદાસ : (હસીને) ‘હા જી.’
   ‘ત્યારે જુઓ, મિ. બોડી ચકલી, આ અક્ષર એક forge કરેલી (ખોટી સહી) નિશાનીને મળતા આવે છે. એ નિશાનીને લીધે કોર્ટને નુકસાન થયું છે. એટલે મારે તમને જણાવવાનું કે જ્યાં સુધી એ હસ્તાક્ષર સંબંધી નીવેડો નથી આવ્યો ત્યાં સુધી તમારે બસોબસોના બે જામીન આપવા પડશે. જુઓ આ સિપાઈ તમારી સાથે આવે છે. તમે જામીન લઈને આવો, નહિ તો કદાચ કૉર્ટની કસ્ટડીમાં રહેવું પડશે.
   બિલ્લમદાસ : (મનમાં) ‘ઓય મારા બા...૫ ! મારી નાખ્યાસ્તો ! (જરા વિચાર કરી મોટેથી) હમણાં જ જામીન લાવું, સાહેબ?'
   હેડ કલાર્ક : ‘હા જી, આ સિપાઈ સાથે આવે છે. સિપાઈ ! આમની સાથે જા. જો બરાબર સંભાળ રાખજે.'

   હવે કોને જામીન લાવું? કચૂકા ને લીંબોળીને કહું તો?... એ બિચારા મારા ખરા દોસ્ત છે. ઓ ભગવાન મને બચાવજે. આમ અનેક તર્કવિતર્ક કરતા મિ.બોડી ચકલી સિપાઈ સાથે પહેલાં કચુકાને ઘેર ગયા. મનમાં તો ફાળ પડી ગઈ હતી કે હવે કોણ જાણે શું થશે? અક્ષર તો મારા જ હતા ને આ શું?

   સારે નસીબે મિ.કચૂકા ઘેર હતા. ચકલી જોડે સિપાઈ જોઈ તે ઘણા નવાઈ પામ્યા : ‘કેમ બોડી ચકલી, આ શું?'
   બોડી ચકલી : (ગરીબડું મોં કરી) ‘જરાક મારા જામીન થશો ? Forge કરવાનો આરોપ કદાચ મારા ઉપર આવે એમ છે.’
   ‘હા હા ચલો, એમાં ગભરાઓ છો શું?’
   ‘પણ જરા મિ.લીંબોળીને બોલાવતા આવો ને? બે જણાની જરૂર છે.’

   કૉર્ટમાં જઈ બંને જણા જામીન થયા અને તેમણે સહીઓ કરી આપી એટલે બિચારા બોડી ચલીનો જીવ ઠેકાણે આવ્યો. જોકે અડધી ફિકર તો હજી બાકી રહી હતી. બિચારાનો કંસાર અને બરફી સોંસરાં નીકળી ગયાં એ નફામાં !
* * * * *


0 comments


Leave comment