1.11 - સાંઢણી / સંજુ વાળા
આવે આવે ઓતર દશ્યેથી એક સાંઢણી !
હે... એના ઘમકારે ઝાઝેરા જુહાર...
ત્રાબાળું-કાંસાળું તને બંધાવું રે ઘૂઘરી
હીરદોરે હાંકે અણદીઠ અસવાર.
આવે આવે ઓતર દશ્યેથી એક સાંઢણી !
સૂરજ-ચંદર પૂર્યા સાથિયે રે
વેણેવેણે વેર્યા કાંઈ હરખગુલાલ.
ઊંચેરા ઉકેલ્યા છેડા અનજાણ આભના
ને નીચા ઢળ્યાં ઢગઢગ વ્હાલ
અંધારાં વિદારે એવી મીટ માંડી આંખડી
આંહી-તાંહી વીખરાયા સાધે સધિયાર.
આવે આવે ઓતર દશ્યેથી એક સાંઢણી !
ખબર્યું પેટાવી આઠે વેળ અંજવાળી
મેં તો તોરણે પરોવ્યાં લીલાં હેત
છલકાતી સાયબીનાં આછર્યાં ઓસાણ
આજ ઊંચક્યાં રે કંઠાર સમેત
વાયકા વિંઝાતી સીમ શેરીઓમાં સોંસરી
વચમાં વિંઝાતા ભીના કોડ તે કુંજાર.
આવે આવે ઓતર દશ્યેથી એક સાંઢણી !
૦૨/૦૪/૨૦૦૪
0 comments
Leave comment